ભારતીય ટીમ સામેની સીરિઝ દરમિયાન પોતાની કોણી ઉપરાંત આંગળીની ઇજાથી પરેશાન રહેલા જોફ્રા આર્ચરના હાથની મધ્યમા આંગળીમાંથી કાચનો ટુક્ડો સર્જરી કરીને બહાર કાઢવામાં આવ્યો છે. તેને થયેલી આ ઇજા પાછળનું કારણ તેના ઘરની ફિશ ટેન્ક સાફ કરતી વખતે નડેલી એક દુર્ઘટના જવાબદાર હોવાનું સામે આવ્યું છે.
ઇંગ્લેન્ડના ક્રિકેટ નિદેશક એશ્લે જાઇલ્સે આર્ચર અંગે અપડેટ આપતા કહ્યું હતું કે સર્જને ઓપરેશન કર્યું અને મને લાગે છે કે તેના હાથની આંગળીમાંથી કાચનો નાનો ટુકડો મળ્યો છે. તે સાજો થઇ ગયો હતો પણ ફિશ ટેન્કનો કાચ તેની આંગળીમાં અત્યાર સુધી હતો. એક ટીવી શો દરમિયાન તેમણે કહ્યું હતું કે તમને આ એક ભયાનક કાવતરાં જેવું લાગશે પણ હા આ સાચી વાત છે.
તેમણે કહ્યું હતું કે જાન્યુઆરીમાં પોતાના હોવ સ્થિત ઘરે આર્ચર ફિશ ટેન્ક સાફ કરી રહ્યો હતો ત્યારે તે તેના હાથમાંથી છટકી હતી અને તેના હાથની આંગળી કપાઇ હતી. તેની એ આંગળી સાજી થઇ ગઇ અને ભારત પ્રવાસમાં આર્ચરે ટેસ્ટ તેમજ ટી-20 સીરિઝ રમી પણ તે પછી ઇંગ્લેન્ડ ટીમ મેનેજમેન્ટે તેની એ ઇજાની યોગ્ય તપાસ કરાવવાનો નિર્ણય કર્યો, તે કોણીની ઇજાની સારવાર માટે સ્વદેશ પરત ફર્યો હતો.
જાઇલ્સે કહ્યું હતું કે કોણીની ઇજા માટે તે ઇન્જેક્શન લેવા ગયો અને તેને પોતાની આંગળી થોડી કડક લાગી એટલે તે નિષ્ણાત પાસે ગયો હતો. ભારત સામેની ટી-20 સીરિઝમાં તેની હાલત બગડી હતી અને તે પેઇન કિલર વગર રમી શકતો નહોતો. મને વિશ્વાસ છે કે તે ઝડપથી સાજો થઇ જશે.
નવા ઘટનાક્રમ વચ્ચે જોફ્રા આર્ચરના આઇપીએલમાં રમવા અંગે સસ્પેન્શ
લંડન, તા. 30 : જોફ્રા આર્ચરની હાથની મધ્યમા આંગળીમાંથી કાચનો નાનકડો ટુકડો સર્જરી કરીને બહાર કાઢવામાં આવ્યાના નવા ઘટનાક્રમ પછી આ વર્ષની આઇપીએલમાં તેના રમવા અંગે રહસ્ય ઘેરું બન્યું છે.
તે આઇપીએલની 14મી સિઝનમાં રમશે કે કેમ તે અંગે આ અઠવાડિયાના અંત સુધીમાં નિર્ણય લેવામાં આવે તેવી સંભાવના છે. પોતાની ઇજાને કારણે તે આઇપીએલના શરૂઆતના તબક્કામાં ભાગ લેવાનો નથી એ પહેલાથી નક્કી હતું પણ હવે આ નવા ઘટનાક્રમને કારણે તે આઇપીએલમાં રમશે કે કેમ તે અંગે સસ્પેન્શ ઘેરાયું છે.