Columns

જો શહીદ હુએ હૈ ઉનકીજરા યાદ કરો કુરબાની…

જહાં ડાલ ડાલ પર સોનેકી ચીડિયા કરતી હે બસેરા વો ભારત દેશ હૈ મેરા, વો ભારત દેશ હૈ મેરા, જહાં સત્ય શિવા ઔર પ્રેમ ધરમ કા પગ પગ લગતા ડેરા વો ભારત દેશ હૈ મેરા…!’
કાલે પ્રજાસત્તાકદિન-26મી જાન્યુઆરી, ચારેકોર ઉત્સાહનો માહોલ છે. સરકારી મકાનો-શાળાઓ, સોસાયટીઓમાં, કોલેજમાં ધ્વજવંદન થશે. દિલ્હીના લાલ કિલ્લા પર આજે તિરંગો લહેરાવવામાં આવશે. મનમોહક પરેડ યોજાશે. ભારતીય સેનાની ત્રણેય પાંખો તેના વડાઓ સહિત ઝંડાને સલામી આપશે. ટી.વી.ના માધ્યમ દ્વારા ઘર ઘરમાં લોકો આ દૃશ્ય નિહાળશે અને આઝાદીના લડવૈયા-શહીદોને યાદ કરી વંદન કરશે.
‘ગયા એ મર્દ માથા આપનારો વતન માટે
નથી એ વિરલાઓ, પ્રાણ દેનારા વતન માટે
જરૂર છે દેશને આજે, જવામર્દો જતન માટે
નથી જોઈતા અમીચંદો, હવે અમને વતન માટે
આ કાતિલ મોંઘવારીમાં નથી રોટી, નથી રોજી.
બેકારો બૂમ મારે છે, નથી સહારો જીવન માટે
થઇને માનવી ખુદ, માનવીના લોહી પીએ છે.
કરે છે માનવી પાપોયે પોતાના પતન માટે…
સાંપ્રત સમયની અરાજકતા માટે આ કાવ્યનાં શબ્દો-વાકયો આપણને ઘણું બધું કહી જાય છે. આઝાદી મળ્યાંને 78 વર્ષ પૂરાં થયાં છતાં દેશની પ્રવર્તમાન સ્થિતિ સંતોષકારક નથી. આ પરિસ્થિતિ સર્જાવાનાં અનેક કારણોમાં એક કારણ છે રાજકારણ. આ શબ્દ જ એવો છે ઘણું બધું કહી જાય છે. રાજ-કા-રણ એટલે કે ચાલે તો રાજ નહિ તો રણ બની જાય છે અને અત્યારે આપણે રણમાં જીવી રહ્યાં છીએ. આજે ભ્રષ્ટાચાર અને મોંઘવારીએ માઝા મૂકી છે. સામાન્ય માણસ બે ટંક પૂરું પેટ ભરીને ખાઈ શકતો નથી, પરિણામે તણાવયુકત માનવ આત્મહત્યા તરફ વળ્યો છે. સામાન્ય માણસથી માંડીને ઉચ્ચ પદ પર બિરાજમાન સૌને સત્તાનો અને પૈસાનો મોહ વધી ગયો છે. સ્વાર્થ, લાલસાથી પ્રેરાઈને પોતાની ફરજ ચૂકયો છે. આજનો માનવ શરાબ, અફીણ, ચરસ, ગાંજો, નશીલી ચીજો જેવા જીવલેણ વ્યસનોમાં ડૂબ્યો છે, યુવાધન રોળાઈ રહ્યું છે. આ યુવાધન જ તો દેશની રક્ષા કાજે સમર્થ છે. તો યુવાનો ચેતો: તમે જ પરિવર્તનશીલ સમાજના મશાલચી છે, દેશનો કાયાકલ્પ કરવા યુવાનોએ કટિબદ્ધ થવાનું છે. યાદ કરો આ દેશને માટે કુરબાની આપનાર નરબંકાઓને…
ઇ.સ. 1931ની 23મી માર્ચ યાદ કરીએ. તે દિવસે એક સાથે ત્રણ વીરોને ફાંસી દેવાઈ હતી. સરદાર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ. ખોલીમાંથી બહાર આવીને ત્રણે એકબીજાને ગાઢ આલિંગનથી ભેટ્યા હતા. પછી ગીત ગાયું – ‘દિલ સે નિકલેગી ન મરકર ભી વતનકી ઉલફત, મેરી મિટ્ટીસે ભી ખુશ્બૂ વતન કી આયેગી.’
આઝાદીની ચળવળ ચાલુ હતી. અનેક નવયુવાનો માથે કફન બાંધીને માભોમની રક્ષા કાજે નીકળી પડ્યા હતા. માત્ર 19 વર્ષનો બ્રાહ્મણપુત્ર મંગલ પાંડે પણ આ ચળવળમાં સામેલ થયો. મંગલ પાંડેને ખબર પડી કંપની સરકારે પ્રાઈવેટ કારખાનામાં બંદૂકની ગોળીઓને ગાયોની ચરબીમાં બોળવાનું કાવતરું ચાલુ કરી દીધેલું છે. એણે ચીસાચીસ કરી મૂકી અને સૈનિકોને એલાન કર્યું કે બહાર નીકળો. ધર્મરક્ષા માટે આગળ આવો. તેઓ બંદૂકો લઇને બહાર આવે તે પહેલાં લેફટેનન્ટ બર્ફ પાંડેને ગોળી મારી. પાંડેએ સામે ગોળીબાર કર્યો. પાંડેનું ઝનૂન જબરું હતું. તલવાર લઇને ધસ્યો. ઊભો ને ઊભો બર્ફ સાહેબને વેતરી નાંખ્યો. પાંડે કાળ મટીને મહાકાળ બની ગયો હતો. અંગ્રેજો ગભરાયા. મુસ્લિમ સિપાહી શેખપલ્ટુએ પાંડેને કમ્મરથી સજ્જડ રીતે બાથમાં પકડી રાખ્યો અને અંગ્રેજ સરકારને બચાવી ભગાડી મૂકયા. ધોળિયાઓએ મેજર જનરલને ફરિયાદ કરતાં તેણે જાહેરાત કરી પાંડેને મારી નાંખવાની. કશોક બીજો ઓર્ડર છોડે તે પહેલાં જ તેઓના હાથે મરવું એના કરતાં હું જાતે જ શહીદ થઇ જાઉં અને પાંડેએ જાતે જ પોતાની છાતીમાં ગોળી હુલાવી દીધી. ગોળી સીધી હૃદય પર લાગવાને બદલે સાઇડમાંથી માંસ ફાડીને આરપાર નીકળી ગઇ. જનરલે ઘવાયેલા પાંડેને જીવતો પકડયો અને ફાંસી આપી દીધી. નફરત, વિરોધ અને દ્વેષની આગ ભડકી ઊઠી અને ત્યારથી 1857ના બળવાની શરૂઆત થઇ ગઇ. આજે તો આવા જેટલા દેશભકતોને યાદ કરીએ તેટલા ઓછા છે. વીર વિનાયક સાવરકર જેમને અંગ્રેજ સરકારે બે-બે કાળાપાણીની આંદામાનની કાળકોટડીમાં સજા ફટકારી હતી. એમની સાહસવૃત્તિ કેટલી પ્રચંડ હતી. 14 વર્ષની ઉંમરમાં બાળક માતૃભૂમિની મુક્તિ માટે શપથ લે, આંદામાનની કાળકોટડીમાં ખીલ્લી કાંટાના સાધનથી દીવાલો પર શ્રેષ્ઠ સાહિત્યનું લખાણ કરી 6000 પંક્તિઓ લખી અને પછી કંઠસ્થ કરી એવા અદમ્ય સાવરકરનું સાહિત્ય કે જીવનચરિત્ર વાંચીશું તો આપણે કેવા છીએ અને કેવા થઇ શકીએ તે ધ્યાન આવશે.
ગાંધીજી, સરદાર, જવાહરની ત્રિપુટીએ પછી રંગ રાખ્યો. બાબાસાહેબ આંબેડકર પણ ખરા અર્થમાં દેશને માટે ઝઝૂમ્યા. બાબાસાહેબ આંબેડકર દ્વારા 2 વર્ષ 11 મહિના અને 18 દિવસની જહેમત પછી તૈયાર થયેલ ભારતીય સંવિધાનને 26 જાન્યુઆરી 1950ના દિવસે પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને તત્કાલીન સંસદના સભ્યોની સહી સાથે લાગુ કરી ભારતને પૂર્ણ ગણતંત્ર રાષ્ટ્ર ઘોષિત કરવામાં આવ્યું હતું એ શુભદિવસને યાદ કરી પ્રતિ વર્ષ ભવ્યાતિભવ્ય રાષ્ટ્રીય કક્ષાએ ઉજવણી થાય છે. આઝાદીના પાયાના વીરોને વંદન. આ લિસ્ટ તો ઘણું લાંબું થાય તેમ છે. ખુમારી, શૌર્ય અને શહાદતની જવાલાઓથી ધબકતા આ દેશમાં ત્યારે અ…ધ…ધ…ધ… થઇ જાય એટલા શૂરવીર દેશભકતો હતા. આજે દેશદાઝ દાખવી દેશ માટે ફાંસી ખાનારા કેટલા?
તો વાચકમિત્રો…! રાષ્ટ્રભક્તિ સદાય દિલમાં રાખીએ.… આવો 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિને મા ભારતીને સલામી આપી વંદન કરીએ-બધી વ્યાપેલી બૂરાઈઓ, ભ્રષ્ટાચાર, સગાંવાદ, આતંકવાદ, અજ્ઞાનતા જેવા દૈત્યોના પંજામાંથી ભારતને મુકત કરીએ. સૂર્યનું પહેલું કિરણ ભલે દૂર હોય પણ એનો અજવાશ બળ આપી રહ્યો છે.
દેશ છે મારો દેવ, કોટિ કોટિ વંદના…! એની આન-બાન-શાન માટે આપણે સૌ કટિબદ્ધ રહીએ.
આપણે સૌ સાથે મળી એક ગીતનો સૂર પૂરા જોશથી રેલાવીએ… ‘આઓ મહેનત સે અપના ઇમાન બનાયે અપને હાથોં કો અપના ભગવાન બનાયે. રામકી ઇસ ધરતી કો, ગૌતમકી ભૂમિકો, સપનોં સે ભી પ્યારા હિન્દુસ્તાન બનાયે.
પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભેચ્છા.-

બિંદુબેન કચરા

Most Popular

To Top