National

J&K: કબાટમાં મળ્યું આતંકવાદીઓનું ઠેકાણું, અથડામણમાં છ આતંકી ઠાર

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં (Jammu&Kashmir) સેના દ્વારા આતંકવાદીઓને ખતમ કરવા માટે સતત ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે. ત્યારે શનિવારે કુલગામ જિલ્લામાં બે સ્થળોએ અથડામણમાં સુરક્ષા દળોએ 6 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. જેમાં કુલગામના મોદરગામ એન્કાઉન્ટર સાઇટ પરથી બે આતંકવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે રવિવારે ચિન્નીગામ સાઇટ પરથી ચાર મૃતદેહો મળી આવ્યા હતા. આ દરમિયાન ચિન્નીગામ ફ્રિસલમાંથી એક વીડિયો સામે આવ્યો છે જે ચોંકાવનારો છે.

અસલમાં જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં માર્યા ગયેલા આતંકવાદીઓના છુપાયાના સ્થળને લગતો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં જોવા મળી રહ્યું છે કે આતંકીઓએ એક મકાનના કબાટની અંદર ગુપ્ત ઠેકાણું બનાવ્યું હતું. આ ઠેકાણું બહારથી એવી રીતે છુપાયેલું હતું કે અહીં બંકર છે કે નહીં તે જાણી શકાયું નથી. સૂત્રોનું માનીએ તો પોલીસ અને સુરક્ષા દળોની તપાસ બાદ આ આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ થયો છે. જો કે આ વીડિયોને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.

જણાવી દઇયે કે શનિવારે કુલગામમાં બે સ્થળોએ એન્કાઉન્ટર થયા હતા, જે રવિવારે બીજા દિવસે પણ ચાલુ રહ્યા હતા. આ અથડામણમાં સુરક્ષા દળોએ જિલ્લાના ચિન્નીગામ ફ્રિસાલમાં ચાર અને મુદ્રાગામમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. જો કે આ ઓપરેશન દરમિયાન બે જવાનો પણ શહિદ થયા હતા. આતંકીઓ પાસેથી ત્રણ એકે-47 રાઈફલ, એક પિસ્તોલ અને દારૂગોળો મળી આવ્યો હતો.

માર્યા ગયેલા આતંકવાદીઓ હિઝબુલ મુજાહિદ્દીન અને લશ્કર-એ-તૈયબાના સહયોગી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) સાથે સંકળાયેલા હતા. તેમજ માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ કૈમોહના રહેવાસી યાવર બશીર, યારીપોરાના રહેવાસી ઝાહિદ અહેમદ ડાર, રાથેર નિવાસી તૌહીદ અહેમદ, કુલગામના રહેવાસી શકીલ અહેમદ વાની તરીકે થઈ છે. આ સાથે જ અન્ય બે આતંકવાદીઓની પણ ઓળખ કરવામાં આવી રહી છે.

ડીજીપી આરઆર સ્વૈને જણાવ્યું હતું કે એક જગ્યાએ એન્કાઉન્ટર પૂર્ણ થઈ ગયું છે. તેમજ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. તેમજ સર્ચ ઓપરેશન ચાલુ છે. એન્કાઉન્ટર સ્થળ પરથી ચાર આતંકીઓના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે પેરા કમાન્ડો લાન્સ નાઈક પ્રદીપ નૈન અને રાષ્ટ્રીય રાઈફલ્સના કોન્સ્ટેબલ પ્રવીણ પ્રભાકર મુદ્રાગામમાં એન્કાઉન્ટરમાં શહીદ થયા હતા.

Most Popular

To Top