Columns

જીવનો કર્માનુસાર પુનર્જન્મ અવશ્ય થાય છે

ઈશ્વરનું પ્રત્યક્ષ સ્થૂળ સ્વરૂપ એટલે શ્રી ગુરુમહારાજ. બાળપણથી માતા-પિતાના આધ્યાત્મિક સંસ્કારોથી પ્રભાવિત, ગુરુમહારાજના શરણાપન, મુદમંગલમય મહાપુરુષો અને સંતસેવી, શ્રી સ્વામી અભિરામ પરિવાર, બારડોલી અને રામજી મંદિર ટ્રસ્ટ, બારડોલીના સહમંત્રી તેમ જ સ્વામી રામાનંદ સંત આશ્રમના સેવાર્થી નીલય હેમલભાઈ ઠાકોરના આધ્યાત્મિક વિચારો તેમના શબ્દોમાં.

તમે ઈશ્વરને કેવી રીતે પ્રાર્થના કરો છો?
મને તો મારા ગુરુમહારાજ સ્વામી શ્રી અભિરામદાસ ત્યાગીજી મહારાજે એક જ પ્રાર્થના શીખવી છે કે “જેહિ બિધિ પ્રભુ પ્રસન્ન મન હોઈ, કરુણાસાગર કીજીએ સોઈ.” અર્થાત્ હે ઈશ્વર, હે પ્રભુ.. તમારી જે પ્રસન્નતા હોય તે જ પ્રમાણે કરશો. મારી માંગણી કે પ્રાર્થના પ્રમાણે કરશો નહિ. અમારો તો કંઈ જ ભરોસો નથી, આજે આ પ્રાર્થના – યાચના, કાલે ફરીથી કંઈ નવી પ્રાર્થના-માંગણી. બીજું અમે અમારું હિત – અનહિત પણ જાણતા નથી. અમે તો એવા અબોધ શિશુ છીએ કે જે સર્પ, અગ્નિ અને વિષની પણ માંગણી કરીએ છીએ માટે અમારી પ્રાર્થના તરફ ન જોતા આપનું મન જે રીતે પ્રસન્ન થાય તે જ કરશો. સાથે સાથે અમને નિશ્ચિત ખબર છે કે… હે પ્રભુ.. આપનું પ્રત્યેક વિધાન અમારા કલ્યાણ અને મંગલને માટે જ છે તેથી પ્રભુને…. ઈશ્વરને…. તો એક જ પ્રાર્થના થાય કે.. “જેહિ બિધિ પ્રભુ પ્રસન્ન મન હોઈ, કરુણા સાગર કીજીએ સોઈ.”

ઈશ્વર હોવાની પ્રતીતિ તમે કેવી રીતે કરો છો?
આપણે જયારે પ્રગાઢ નિદ્રામાં હોઈએ છીએ ત્યારે પણ આપણી શ્વાસોચ્છવાસની ક્રિયા, પાચનસંસ્થાનની ક્રિયા, હૃદય ધબકવાની ક્રિયા અવિરત ચાલુ રહે છે એ જ ઈશ્વર આપણી અંદર હોવાની નિશ્ચિત પ્રતીતિ છે. આંખના પલકારા અને શરીરનું હલનચલન. ઈશ્વર આપણી અંદર અંતર્યામીરૂપે હોવાની પ્રતીતિ છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત, ઋતુઓનું વૈવિધ્ય, પક્ષીઓનું વ્યોમવિહાર, મત્સ્યોનો જલવિહાર આ સર્વે ઈશ્વર હોવાની પ્રતીતિ જ છે. બીજું ઈશ્વરનું પ્રત્યક્ષ સ્વરૂપ એટલે ગુરુમહારાજ. ગુરુમહારાજનું આધ્યાત્મિક પ્રભાષણ, ગુરુમહારાજનો સંગ-સત્સંગ, ગુરુમહારાજની દિવ્ય વાણી એ જ ઈશ્વર હોવાની સ્પષ્ટ પ્રતીતિ છે.

તમે પુનર્જન્મમાં માનો છો? પુનર્જન્મ શા માટે માંગો છો?
નિશ્ચિત પુનર્જન્મમાં વિશ્વાસ ધરાવું છું. દા.ત, એક જ માતાપિતાના બે જોડિયા સંતાનોના સ્વભાવ અને આચારવિચારમાં કેટલો બધો વિરોધાભાસ દેખાય છે તે જ દર્શાવે છે કે બંને બાળકોના ગત જન્મોના કર્મો અલગ-અલગ છે અને તે જ પ્રમાણે તેમને પ્રારબ્ધ અને પ્રકૃતિ મળે છે. એ જ પુનર્જન્મની સત્યતા દર્શાવે છે. નહિ તો એક જ માતાપિતા અને ઉપરથી જન્મ પણ સાથે જ છતાં બંનેના નસીબ, દેખાવ કે સ્વભાવમાં આટલો તફાવત કેમ? આ બધી બાબતો જ સ્પષ્ટ નિર્દેશ આપે છે કે જીવનો કર્માનુસાર પુનર્જન્મ અવશ્ય થાય છે. મનુષ્ય જન્મ અતિ દુર્લભ છે. પ્રભુ પ્રત્યે પ્રેમ, શ્રધ્ધા અને ભકિત હોવા તેથી દુર્લભ છે. પુનર્જન્મ કે નવીન જન્મ હંમેશાં પરમાત્માની પ્રેમાભકિત કરવા માટે માંગું છું. પ્રેમરસમાં તરબોળ બની જવા માટે પુનર્જન્મ માંગું છું.

તમને તમારા પ્રશ્નોના ઉત્તર ઈશ્વર પાસેથી મળે છે?
જયારે ગુરુમહારાજ પૂર્ણ રૂપથી પ્રત્યક્ષ હોય છે ત્યારે ઈશ્વર અને ગુરુમહારાજ વચ્ચે કોઈ જ ભેદ નથી. ગુરુમહારાજ સાક્ષાત હાલતાં-ચાલતાં ઈશ્વર જ છે અને તેમની પાસે મારા દરેક પ્રશ્નનું નિરાકરણ અવશ્ય થાય છે. ચાહે તે પ્રશ્નોત્તર સ્વરૂપમાં હોય અથવા તેમના સત્સંગના માધ્યમથી. ગુરુમહારાજ દ્વારા બધા જ પ્રશ્નનો ઉકેલ સરળતાથી મળી રહે છે. “ગુરુ બિન ભવનિધિ તરહિન કોઈ, જો બિરંચી શંકર સમ હોઈ”.

Most Popular

To Top