જીવનમાં જીવદયા અને અપરિગ્રહ વૃત્તિનું આચરણ ઉન્નતિનો માર્ગ ચીંધે છે અને દરેક માનવી ઉન્નત જીવન જીવે તો આ પૃથ્વી ખરેખર સ્વર્ગ બની જાય પણ લાલચ માનવીની સહજ સ્વભાવ વૃત્તિ છે. એ જાણવા છતાં છોડી શકતો નથી, જો એ છોડી શકે તો સંત કે મહાત્મા બની જાય. જો કે કેટલાક સંતો કે કહેવાતા મહાત્માઓ પણ ‘આ લાલચવૃત્તિ છોડી શકયા નથી એટલે તો તેમનાં સંસ્થાનો મબલક સંપત્તિ અને લક્ષ્મીથી સંપન્ન બન્યાં છે. એ લક્ષ્મી કે સંપત્તિ પરોપકાર માટે વપરાય ત્યાં સુધી યોગ્ય છે પણ સ્વના વૈભવ માટે જ વપરાય તો સાધુતા લજવાય છે. આ એક સામાન્ય બાબત છે. જો કે એવા પણ સંતો-સાધુઓ થયા છે જે પોતાને જરૂર હોય એટલું જ રાખી બીજું બધું સમાજને અર્પણ કરે છે અને એ જ ખરી સાધુતા છે. એક વાર એવું બન્યું કે, ખૂબ ઠંડીના દિવસો હતો. હાંજા ગગડી જાય એવી ઠંડી, એવામાં એક રાજા નગરચર્યાએ નીકળ્યા. ઠંડી હોવાથી તેમણે ગરમ કપડાં, શાલ વગેરે ઓઢયાં હતાં. રસ્તામાં પસાર થતાં તેમની નજર એક સાધુબાવા પર પડી જે લંગોટીભેર એક ઝાડ નીચે ધોતી પાથરી સૂઇ રહેલા હતા. ઉપરનું શરીર ઉઘાડું હતું.
રાજાએ આ જોયું. તેને વિચાર આવ્યો કે આટલી ઠંડીમાં આ બાવો ઉઘાડો છે. ઠંડીથી ઠૂંઠવાઇ રહ્યો છે. લાવ, મારી શાલ ઓઢાડી દઉં અને રાજાએ બગીમાંથી નીચે ઊતરી પોતાની શાલ પેલા સાધુને ઓઢાડી દીધી. સંત ઘસઘસાટ ઊંઘતા હતા એટલે રાજા શાલ ઓઢાડીને આગળ ચાલતા થયા. સાધુ થોડી વારે ઊઠયા અને જોયું તો પોતાના ઉપર શાલ હતી. એ બેઠા થયા, વિચારવા લાગ્યા. મારે આ શાલનું શું કામ? સાધુને વળી શાલ કેવી? તેમણે ચારે તરફ જોયું. કોઇ જણાયું નહીં પણ એક કૂતરું ઠંડીથી ટૂંટિયુંવાળી સૂતેલું જોયું. એ બાવા ઊઠીને કૂતરા પાસે ગયા અને પોતાની શાલ તેને ઓઢાડી દીધી અને ચાલતા થયા. આ અપરિગ્રહ વૃત્તિ અને જીવદયા. આ જ ખરી સાધુતા, પોતાને જરૂરથી વધારે છે તો એ જરૂરતવાળાને આપવું. એ જીવન પણ સાધુજીવન ગણાય. આવી સાધુતાથી જ પૃથ્વી રળિયામણી છે.