રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના (Reliance Industries) ચેરમેન મુકેશ અંબાણીએ (mukesh ambani) 44મી એન્યુઅલ જનરલ મીટિંગ (AGM) ની શરૂઆત કરી છે. આ બેઠકમાં કંપનીના તમામ 12 ડાયરેક્ટર હાજર છે. બેઠકની શરૂઆતમાં કંપની એ તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી, જે કોવિડ-19ની મહામારી દરમિયાન મૃત્યુ પામ્યા છે. ત્યારબાદ મુકેશ અંબાણીએ એજીએમ પર ‘જિયોફોન નેક્સ્ટ’ સ્માર્ટફોન (Jiophone Next smartphone) રજૂ કર્યો. એન્ડ્રોઇડ પર આધારીત આ સ્માર્ટફોન ગૂગલ અને જિઓ દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવ્યો છે. તે આ વર્ષે 10 સપ્ટેમ્બરથી બજારમાં ઉપલબ્ધ થશે. રિલાયન્સ જિઓ વિશે જાહેરાત કરતા મુકેશ અંબાણીએ કહ્યું કે જિઓ વિશ્વનો બીજો સૌથી મોટો ડેટા કેરિયર નેટવર્ક બની ગયો છે.
આ સ્માર્ટફોન કેવો હશે, હાલ એ વિશે કોઈ માહિતી નથી. જોકે ગૂગલે ગત વર્ષે જિયોમાં 4.5 અબજ ડોલર( લગભગ 33 હજાર 600 કરોડ રૂપિયા) નું રોકાણ કર્યું છે. આ રકમના કેટલાક હિસ્સાનો ઉપયોગ જિયો ખૂબ જ સસ્તા સ્માર્ટફોન બનાવવામાં કરશે. એનાથી જિયો અને ગૂગલ દેશના એ બજાર પર કબજો કરી શકે છે, જેમાં લોકોએ હજી સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કર્યો નથી.
મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયન્સ સતત સારુ પ્રદર્શન કરી રહી છે. તેની કુલ રેવન્યુ 5.40 લાખ કરોડ રૂપિયા છે. દેશની મોટી કંપનીના રૂપમાં રિલાયન્સનું દેશની ઈકોનોમીમાં યોગદાન સારુ રહ્યું છે. મર્ચેન્ડાઈઝ એક્સપોર્ટમાં 6.8 ટકા હિસ્સો રહ્યો છે. કંપનીએ 75 હજાર નવા રોજગાર આપ્યા છે. રિલાયન્સ જિયોએ સમગ્ર વર્ષ દરમિયાન 3.79 કરોડ નવા ગ્રાહકોને જોડ્યા છે. તે 42.5 કરોડ ગ્રાહકોને સેવા આપે છે. તે દેશના 22 સર્કલમાંથી 19 સર્કલમાં રેવન્યુ લીડર છે. રિટેલ શેર ધારકોએ એક વર્ષમાં રાઈટ ઈશ્યુથી 4 ગણા રિટર્નની કમાણી કરી છે.
અમારો ઓઈલ ટુ કેમિકલ બિઝનેસ ઈકોનોમીમાં ઘટાડાને કારણે પડકારોનો સામનો કરતો રહ્યો. હાલ પણ ગ્લોબલ લેવલે રિલાયન્સ એકમાત્ર કંપની છે જે સંપૂર્ણ ક્ષમતાની સાથે પોતાનું ઓપરેશન ચલાવી રહી છે અને દરેક ત્રિમાસિકમાં નફો કમાઈ રહી છે. મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને એજીએમમાં ગ્લોબલ જવા માટેની જાહેરાત પણ કરી હતી. અંબાણીએ કહ્યું કે આગામી સમયમાં તેમની વૈશ્વિક યોજનાની ઘોષણા કરવામાં આવશે. અંબાણીએ ગ્રીન એનર્જી યોજનાની ઘોષણા કરી. કંપની જામનગરમાં ધીરુભાઇ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સનો વિકાસ કરશે.
આ અવસરે મુકેશ અંબાણીએ કહ્યું કે, 2021 માં રિલાયન્સ ન્યૂ એનર્જી અને મટીરિયલ વ્યવસાય માટે ચાર ગીગા પ્લાન્ટ સ્થાપશે. આ માટે, આગામી ત્રણ વર્ષમાં 75,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. કંપનીનું લક્ષ્ય છે કે 2030 સુધીમાં 100 ગીગાવોટ સોલાર એનર્જી ઉત્પન્ન કરે. હવે અમારું લક્ષ્ય છે કે દેશને વિશ્વના સૌથી મોટા ગ્રીન એનર્જા આયાતકારોમાંથી એક બનાવવું.