કાલોલ: કાલોલ તાલુકાના એરાલ ગામમા ગત મે માસમાં કાલોલ આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસની વિગતો મુજબ કાલોલ તાલુકાના એરાલ ગામમાં પરપ્રાંતીય યુવકો ભાડાના મકાનમાં એલોપથીની હાટડીઓ ખોલીને બોગસ ડોક્ટરો બની બેઠા હોવાનો પર્દાફાશ થયો હતો. જે મધ્યે પશ્ચિમ બંગાળમાંથી આવેલા ઉજજવલ નિર્મલન્દુ હલદર એરાલ ગામમાં વિમલાબેન વિરેન્દ્રભાઈ પરમારના મકાનમાં શ્રેયા કલીનીક અને સરનંદુ શુકલાલ હલદર નિશાળ ફળિયામાં ખુમાનસિંહ માનસિંહ ચૌહાણના મકાનમાં કલીનિક ખોલીને બન્ને ઈસમોએ કોઈપણ પ્રકારની તબીબી અંગેની માન્યતા પ્રાપ્ત ડિગ્રી કે લાયસન્સ વિના ગેરકાયદેસર તબીબી પ્રેક્ટિસ કરતા ઝડપાયા હતા.
આરોગ્ય વિભાગ દ્વારા ફરિયાદ નોંધાવી વેજલપુર પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ત્યાર બાદ પુનઃ આ બન્ને સ્થળો એ બન્ને બોગસ ડોકટરો દ્વારા પોતાની હાટડીઓ ખોલી નાખી હોવાની માહીતી આધારે મિડીયા ટીમ દ્વારા તપાસ કરતા ઉજ્જવલ નામનો ઝોલાછાપ ડોકટર દરદીઓને તપાસ કરતો જોવા મળેલ મિડીયા ટીમ અને કેમેરા જોઈને પોતાની ખુરશી માથી ઉભો થઈ ગયો હતો અને પોતે કમ્પાઉન્ડર હોવાનો દાવો કર્યો હતો અને આ દવાખાનુ ડો દેવાંગ પંડયા નું હોવાનુ જણાવતો હતો અને દેવાંગ પંડયાની ડિગ્રી બતાવતો હતો મિડીયા દ્વારા ડોકટર નો કોન્ટેક નંબર માંગતા પોતાની પાસે નહિ હોવાનુ જણાવતો હતો.
સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ અહીંયા બહારથી કોઈ ડોક્ટર આવતો નથી પરંતુ ઝોલાછાપ ઉજ્જવલ નામનો ડોક્ટર જ પોતે દવા સારવાર કરે છે. વહીવટી તંત્ર દ્વારા આ ડિગ્રી બાબતે યોગ્ય તપાસ કરશે કે કેમ? આ ડિગ્રી ભાડે રાખીને ઝોલાછાપ ડોક્ટરો નિર્દોષ ગ્રામજનોના આરોગ્ય સાથે કેટલા અંશે ચેડા કરી રહ્યા છે તેઓને કાયદા નો કોઈ ડર લાગતો નથી.