ઝઘડિયા: (Jhagadia) ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસમથકના (Police Station) પીઆઈ (PI) એચ.કે.હુમ્બલે દુમાલા વાઘપુરાના રહીશને માર મારી ધમકી (Threat) આપી હોવાના આક્ષેપ સાથે જિલ્લા પોલીસ વડા સહિત રાજ્યના ગૃહમંત્રીને રજૂઆત કરાતાં ચકચાર મચી ગઈ છે. ઉમલ્લા પીઆઈ એચ.કે.હુમ્બલ ઉપરાંત તેમની સાથે આવેલા અન્ય પાંચ પોલીસકર્મીઓ વિરુદ્ધ માર મારવા ઉપરાંત ધમકીઓ આપવા સંબંધી રજૂઆત કરવામાં આવી છે.
- ઝઘડિયાના દુમાલા વાઘપુરાના રહીશને પીઆઈએ માર મારી ધમકી આપતાં જિલ્લા પોલીસ વડા, ઉચ્ચ અધિકારીઓ તથા ગૃહમંત્રીને રજૂઆત
- પીઆઈ હુમ્બલે તેને કહ્યું કે, આર.ટી.આઇ.ની અરજીઓ કરવાનું બંધ કરી દેજે. નહીં તો તને કોઈપણ કેસમાં ફસાવી દઇશ
ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં થોડા સમય પહેલાં પીઆઈ તરીકે એચ.કે.હુમ્બલની નિમણૂક કરવામાં આવી છે. ઉમલ્લાના દુમાલા વાઘપુરા ગામે ચંદનનગરીમાં રહેતા અજયભાઈ ચુનીલાલ વસાવા નામના ઈસમે પીઆઈ હુમ્બલે અન્ય પાંચ પોલીસકર્મી સામે માર મારીને ધમકીઓ આપી હોવા બાબતના આક્ષેપ સાથે જિલ્લા પોલીસવડાને રજૂઆત કરી છે. અજય વસાવાએ તેની લેખિત રજૂઆતમાં આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, તા.૧૯મીના રોજ રાતના પોણા એક વાગ્યા આસપાસના સમયે પીઆઈ હુમ્બલ તેમજ ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા શૈલેશ જમાદાર, થોમસ જમાદાર અને અન્ય ત્રણ પોલીસકર્મી અજયના ઘરે આવ્યા હતા અને દરવાજો લાતો મારી ખોલી ઘરમાં ઘુસ્યા હતા.
પીઆઈ હુમ્બલે તેને લાત મારીને નીચે પાડી દીધો હતો. તેમજ તેમની સાથેના થોમસ જમાદારે અજયની ફેટ પકડી લીધી હતી. પીઆઈ હુમ્બલે તેને કહ્યું કે, આર.ટી.આઇ.ની અરજીઓ કરવાનું બંધ કરી દેજે. નહીં તો તને કોઈપણ કેસમાં ફસાવી દઇશ, એટલે હવે તું સીધો થઈ જજે. સાથે આવેલા અન્ય ત્રણ પોલીસકર્મીઓ પણ એલફેલ બોલી ગર્ભિત ધમકીઓ આપતા હતા. તેમણે ઘરમાં તપાસ કરવાની હોવાનું જણાવી કબાટને નુકસાન કર્યું હતું. અજયની પત્નીએ આ બાબતનો વિરોધ કરતાં તેને બોલવાની ના પાડી હતી. તેમણે જણાવ્યુ઼ં હતું કે, એકને તો મેં આવતાની સાથે જ પાડી દીધો છે. હવે તારો વારો છે. હવે તું તૈયાર રહેજે તેવી ગર્ભિત ધમકી આપી હતી.
અજય ચુનીલાલ વસાવાએ ઉમલ્લા પીઆઈ એચ.કે.હુમ્બલ ઉપરાંત તેમની સાથે આવેલા અન્ય પાંચ પોલીસકર્મીઓ વિરુદ્ધ માર મારવા ઉપરાંત ધમકીઓ આપવા સંબંધી જિલ્લા પોલીસ વડા, ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત રાજ્યના ગૃહમંત્રીને લેખિત રજૂઆતો કરતાં ઝઘડિયા તાલુકામાં ચકચાર મચી ગઈ છે.