ઝઘડિયા: ઝઘડિયાના વેલુગામમાં ભત્રીજાએ ધારિયા વડે સગા કાકાને મારતાં ઈજાગ્રસ્ત થતાં તેઓ ઢળી પડ્યા હતા. આ અંગે ઉમલ્લા પોલીસ સૂત્રો અનુસાર ઝઘડિયાના વેલુગામ ગામે રહેતા કાલિદાસ ઉર્ફે કાભાઇ ડાહ્યાભાઈ માછીના પાડોશમાં તેમના ભાઇનો પરિવાર રહે છે.
- ઝઘડિયાના વેલુગામ ગામે ભત્રીજાએ ધારિયું મારતાં કાકાના ત્રણ દાંત તૂટી ગયા
- ‘હું મારા ઘરે ઝઘડો કરું છું ત્યારે મને કેમ ઠપકો આપવા આવો છો’ કહી હુમલો કર્યો
ગત તા.૧૦મીના રોજ કાલિદાસભાઇ સવારે ઊઠીને ઘરની પાછળ આવેલા બાથરૂમની ચોકડીમાં બ્રસ કરવા ગયા હતા. એ વેળા પાડોશી તેમનો ભત્રીજો કમલેશ કંચન માછી ત્યાં આવ્યો હતો અને કાલિદાસભાઇને કહેતો હતો કે, હું જ્યારે મારાં મમ્મી-પપ્પા સાથે ઝઘડો કરું છું ત્યારે તું મને ઠપકો આપવા કેમ આવે છે. આમ કહી તેણે ઉશ્કેરાઇ જઇ હાથમાં રહેલા લોખંડના હાથાવાળા ધારિયાનો આગળનો ધારવાળો ભાગ કાલીદાસભાઇને ગાલ પર મારી દીધો હતો. અને કહ્યું હતું કે, હવે પછી જો મને ઠપકો આપવા આવીશ તો જાનથી મારી નાંખીશ. આ હુમલામાં કાલિદાસભાઇને ગંભીર ઇજા સાથે ત્રણ દાંત પડી ગયા હતા. ઇજાગ્રસ્ત કાલિદાસભાઇને તરત ઉમલ્લાથી રાજપીપળા અને વડોદરા સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયા હતા. આ બાબતે ઇજાગ્રસ્ત કાલિદાસભાઇની પત્ની પુષ્પાબેન માછીએ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ આપતાં ભત્રીજા કમલેશ માછી વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
અંકલેશ્વરમાં મહિલાનું ATM કાર્ડ બદલી ભેજાબાજે 1.36 લાખ રૂપિયા ઉપાડી લીધા
અંકલેશ્વર: અંકલેશ્વરમાં એક મહિલાને અજાણ્યા ભેજાબાજે ATMમાંથી રૂપિયા ઉપાડવા માટેની મદદ મોંઘી પડી હતી. ભેજાબાજોએ મહિલાનું એટીએમ કાર્ડ બદલી લઈ અન્ય કાર્ડ પધરાવી દીધું હતું અને મહિલાના ખાતામાંથી રૂ.૧,૩૬,૫૦૦ની રકમ લેવાયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.
દીપિકા અમૃત ચૌધરી (રહે., પોલીસ હેડક્વાર્ટર, ભરૂચ) અંકલેશ્વરમાં પીરામણ નાકા પાસેના યુનિયન બેન્કના ATMમાં પોતાના ખાતામાંથી રૂપિયા ઉપાડવા માટે ગયાં હતાં. જો કે, કોઈ કારણસર રૂપિયા નહીં ઉપડતાં એક અજાણ્યા ભેજાબાજે તેના ATMથી અન્ય મશીનમાંથી રૂપિયા ઉપાડવાનો પ્રયત્ન કરવાના બહાને તેણીનું ATM કાર્ડ બદલી નાંખ્યું હતું, અને ATM સેન્ટરની બહાર ઊભેલા અન્ય એક તેના સાગરીત સાથે બાઈક ઉપર સવાર થઈને ફરાર થઇ ગયો હતો. જો કે, આ અંગે દીપિકાબેન કંઈક સમજે એ પહેલાં આ ભેજાબાજોએ તેણીના એટીએમનો ઉપયોગ કરી જુદા જુદા દિવસે ATMમાંથી કુલ રૂ.૧,૩૬,૫૦૦ ઉપાડી લીધા હતા. આ અંગેની જાણ થયા બાદ દીપિકાબેને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસમથકમાં ગુનો નોંધાવતાં વધુ કાર્યવાહી હાથ ધરી છે.