SURAT

‘બેટે આશીર્વાદ લે લે’ કહી મહિધરપુરા રિંગ રોડ પર માત્ર સેકન્ડમાં આ ખેલ રમાઈ ગયો

સુરત: શહેરના સતત ભીડથી ઊભરાતા અને ભરચક વિસ્તાર તરીકે ઓળખાતા ભાગળ ચાર રસ્તા નજીકના એર ઇન્ડિયા પાસેથી પસાર થતાં દાગીના (Jewelry) ભરેલી થેલી લઇ ડિલિવરી આપવા જતાં બંગાળી યુવાનને રસ્તામાં ગઠિયા ભેટી ગયા હતા. ગઠિયાઓએ પોતાને મહારાજ બતાવ્યા હતા અને આશીર્વાદ (Blessing) લેવાનું કહી યુવાનને રસ્તા વચ્ચે આંતરી વાચચીતમાં ભોળવી રૂ.6 લાખ કરતા વધુની કિંમતના દાગીના ભરેલી થેલી ચીલઝડપ કરી પલાયન થઇ ગયા હતા. આ બનાવ અંગે મહિધરપુરા પોલીસે (Police) તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

પ્રાપ્ત વિગત મુજબ દિવાળીના તહેવારોનાં પડઘમ વાગી રહ્યાં છે, ત્યારે શહેરમાં લૂંટ અને ચીલઝડપના બનાવો બની રહ્યા છે. સતત ટ્રાફિકથી ઊભરાતા ભાગળ નજીકના એર ઇન્ડિયાના રસ્તેથી સોમવારે સાંજે સોનાના દાગીના બનાવતો સૌરભ સોમનાથ પસાર થતો હતો. જ્વેલર્સને ત્યાં દાગીના આપવા જતાં રસ્તામાં બે ગઠિયા ભેટી ગયા હતા. સૌરભ નામના બંગાળી યુવાનને બે ગઠિયાએ વાતચીત કરીને તેને આ મહારાજનાં આશીર્વાદ લઇ લે, બંગાળી યુવાનને હાથમાં અગરબત્તી અને લોખંડનો પદાર્થ પકડાવી દઇ દાગીના ભરેલી થેલીની ચીલઝડપ કરી હતી. થેલીમાં આશરે છ લાખ કરતાં વધુ રકમના કીમતી દાગીના હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ બાદ બંગાળી કારીગર સૌરભને પોતે છેતરપિંડીનો ભોગ બન્યો હોવાની જાણ થતાં જ્વેલર્સ અને પોતાના મિત્રને જાણ કરી હતી, એ પછી તેઓએ મહિધરપુરા પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. આમ, દિવાળીના તહેવાર અગાઉ ચીલઝડપની ઘટના બનતાં પોલીસ સ્ટાફમાં દોડધામ મચી ગઇ છે. પોલીસે સીસીટીવી કેમેરાના આધારે ગઠિયાઓની શોધખોળ આદરી છે.

મોટા વરાછાના વેપારી સાથે 7 લાખનું છેતરપિંડી ઇલેક્ટ્રોનિક શો-રૂમનો વેપારી અને ખેડૂત ઝડપાયા
સુરત: મોટા વરાછા ડી-માર્ટની બાજુમાં રહેતા વેપારીના નામે ભેજાબાજે અમેરિકન એક્સપ્રેસ કંપનીનો ક્રેડિટ કાર્ડ મેળવી રૂપિયા 7 લાખનું ટ્રાન્ઝેક્શન કરી છેતરપિંડી કરી હતી. સાયબર પોલીસે આ કેસમાં ઇલેક્ટ્રોનિક શો રૂમના માલિક અને ખેડૂતની ધરપકડ કરી હતી. મોટા વરાછા ખાતે શિવધારા કેમ્પસમાં રહેતા 54 વર્ષીય દીપક હરદાસ બાવચંદ કપોપરા કાપોદ્રા વિસ્તારમાં શ્રીકૃપા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ગુજરાત એમ્બ્રોઇડરી સ્પાર્ટસ નામની દુકાન ચલાવે છે.

ડિસેમ્બર-2021ના તેમના ઘરે બે અજાણ્યાએ આવી એકે પોતાની ઓળખ દીપક ભોજ તરીકે આપી હતી. પોતે અમેરિકન અક્સપ્રેસ ક્રેડિટ કાર્ડ કંપની તરફથી આવ્યા હોવાનું કહી દીપકભાઈને આ કાર્ડનું 5.69 લાખ બિલ ભરવાનું બાકી હોવાનું અને બિલ ક્યારે ભરશો તેવું પૂછ્યું હતું. બાદ દીપકભાઈને મેઈલ આવ્યો હતો કે, જો તમે અમેરિકન એક્સપ્રેસ કંપનીનું ક્રેડિટ કાર્ડ લીધું ન હોય તો આ મેઈલ આઈડી પર મેઈલ કરી જાણ કરો.

ઉપરાંત આ અજાણ્યાઓએ કોઈક રીતે પાસપોર્ટ સાઇઝનો ફોટો, પાનકાર્ડ તથા આધારકાર્ડ મેળવી લીધાં હતાં. અને દીપકભાઈનાં નામ ઉપર અમેરિકન એક્સપ્રેસ કંપનીનું ક્રેડિટ કાર્ડ મેળવી લીધું હતું. દીપકભાઈની જાણ બહાર ક્રેડિટ કાર્ડનો પાસવર્ડ ગમે તે રીતે મેળવી ક્રેડિટ કાર્ડમાંથી કુલ 7.04 લાખનું ટ્રાન્‍ઝેક્શન કરી છેતરપિંડી કરી હતી. સાયબર પોલીસે આ અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરતાં સાયબર પોલીસે ઇલેક્ટ્રોનિક શો રૂમ ધરાવતા વેપારી પંકજ મધુ રામોલિયા (ઉં.વ.૨૮) (રહે.,સૂર્યકિરણ સોસાયટી, ચીકુવાડી, વરાછા તથા મૂળ તા.જેસર, જિ.ભાવનગર) અને ખેતીકામ કરતા નરેશ રામ ડેર (ઉં.વ.૨૬) (રહે., ગામ-માંડવી, ગારિયાધાર રોડ, જિ.ભાવનગર)ની ધરપકડ કરી હતી. બંને આરોપીની વધારે પૂછપરછ હાથ ધરાઈ છે.

Most Popular

To Top