SURAT

બોમ્બે કોલોની નજીક BRTS રૂટમાં બાઈક ચાલકે ટક્કર મારતા કાપોદ્રાના રત્નકલાકારનું મોત

સુરત : કાપોદ્રા વિસ્તારમાં રત્નકલાકાર તરીકે કામ કરતા અને કારખાનામાં રહેતા યુવકનું બીઆરટીએસ રૂટમાં અકસ્માતમાં મોત નિપજ્યું હતું. યુવક બોમ્બે કોલોની પાસે રસ્તા ક્રોસ કરતો હતો ત્યારે અજાણ્યા બાઈકરે તેને ટક્કર મારતા ઘટના ઘટી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર નિખિલ મહેન્દ્રભાઈ પડવી (18 વર્ષ) કાપોદ્રા વિસ્તારના હીરના કારાખાનામાં રહે છે અને ત્યાં જ રત્ન કલાકાર તરીકે કામ કરીને પરિવારને મદદરૂપ થાય છે. 6 દિવસ પહેલા નિખિલ હીરાના કારખાનેથી છૂટીને તેના મિત્ર સાથે બોમ્બે માર્કેટ પાસે શાકભાજી લેવા માટે જતો હતો. તે સમયે બોમ્બે કોલોની નજીક બીઆરટીએસ રૂટની અંદર તે રસ્તો ક્રોસ કરતો હતો ત્યારે બીઆરટીએસ રૂટમાં ઘુસેલા અજાણ્યા બાઇકરે નિખિલને ટક્કર મારી હતી. જેથી નિખિલને માથામાં ગંભીર ઇજા થઈ હતી. તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં 6 દિવસ બાદ નિખિલનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

સઠવાવમાં બે બાઈક સામસામે ભટકાતાં એકનું મોત: પત્ની-પુત્રી ઘાયલ
માંડવી: માંડવીના સઠવાવ ગામે હટવાડામાં જતાં બાઈકસવાર પત્ની-પત્ની અને પુત્રી જવા નીકળ્યાં હતાં. દરમિયાન સામેથી આવતી મોપેડ ગાડીના ચાલકે પૂરઝડપે હંકારતાં અડફેટે લેતાં પતિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે પત્ની અને પુત્રીને સારવાર હેઠળ ખસેડાયાં હતાં.

  • તરસાડા ખુર્દ ગામના પરિવારને સઠવાવના હટવાડામાં જતી વેળા અકસ્માત નડ્યો

માંડવી-ઝંખવાવ રોડ પર આવેલા તરસાડા ખુર્દ ગામના ગોડાઉન ફળિયામાં રહેતા નિલેશ બાબુભાઇ ચૌધરી, પત્ની સુરેખા અને 4 વર્ષની પુત્રી મનસ્વી સાંજે પાંચ વાગ્યે બાઈક નં.(GJ-05-DF-2092) ઉપર સઠવાવના હટવાડામાં જતા હતા. ત્યારે સઠવાવ આશ્રમ શાળાની સામે અજાણ્યા મોપેડ બાઈક નં.(GJ-26-AD-9061)ના ચાલકે બાઇકને અડફેટે લેતાં નિલેશનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પત્ની અને પુત્રીને માંડવી રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડાયાં હતાં. જેની જાણ માંડવી પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી મૃતકનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top