આણંદ : ખંભાતના ઉંદેલ ગામે રહેતી પરિણીતા 5મી ઓક્ટોબરના રોજ સાંજે ઘરે હતી, તે સમયે ભાવનગરથી તેનો જેઠ આવ્યો હતો અને તેની સાથે સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. જોકે, પરિણીતા તાબે ન થતાં તેણે ધારદાર ચપ્પાથી ઉપરા છાપરી ઘા ઝીંકી દેતાં લોહી લુહાણ થઇ ગઈ હતી. જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે ગુનો નોંધ્યો હતો.
ઉંદેલના ટાવર વાળા ફળીયામાં ભાડે રહેતા જીગ્નેશ નગીનભાઇ પારેખ ધર્મજ ચોકડી મુકામે હેરસલુનની દુકાનમાં કામ કરી ગુજરાન ચલાવે છે. તેમના પરિવારમાં પત્ની જ્યોતિબહેન અને ત્રણ વર્ષનો પુત્ર દેવરાજ છે. આ ઉપરાંત ભાવનગર ખાતે તેમના માતા જયાબહેન અને સાવકો ભાઇ શૈલેષ રમેશ જોટંગીયા રહે છે. છેલ્લા કેટલાક સમયથી શૈલેષની નજર જીગ્નેશના પત્ની જ્યોતિબહેન પર બગડી હતી. તે બે મહિનાથી તેના મોબાઇલ પરથી અવાર નવાર ફોન કરી લગ્નેત્તર સંબંધો રાખવા દબાણ કરતો હતો.
પરંતુ જ્યોતિબહેન તેનો વિરોધ કરતાં હતાં. દરમિયાનમાં જ્યોતિબહેન તેના પુત્ર દેવરાજ સાથે બુધવારના રોજ સાંજે ઘરે એકલા હતા તે સમયે શૈલેષ રમેશ જોટંગીયા ધસી આવ્યો હતો અને સંબંધ રાખવા બુમાબુમ કરવા લાગ્યો હતો. તું મારી સાથે સંબંધ નહીં રાખે તો તને પતાવી દઇશ. આથી, જ્યોતિબહેને તાત્કાલિક તેના પતિને જાણ કરતાં શૈલેષ વધુ ઉશ્કેરાઇ ગયો હતો અને ધારદાર ચપ્પુ કાઢી આડેધડ ઘા ઝીંકવા લાગ્યો હતો. જેમાં પેટ, કમરમાં ઘા વાગતા લોહી લુહાણ હાલતમાં જ્યોતિબહેન ફસડાઇ પડ્યાં હતાં.
આટલેથી ન અટકતા શૈલેષે તેને ઢસડીને બીજા રૂમમાં લઇ ગયો હતો. જેથી જ્યોતિબહેને બુમાબુમ કરતાં આસપાસના લોકો દોડી આવ્યાં હતાં. જેથી શૈલેષ ત્યાં જ ચપ્પુ નાંખી ભાગી ગયો હતો. આ ઉપરાંત તું મારી નહીં તો કોઇની નહીં. જો તું મારી નહીં થાય તો હું તને તારા ઘરના માણસોને મારી નાંખીશ. તેમ જણાવી જતો રહ્યો હતો. આ ઘટના બાદ જીગ્નેશ ઘરે આવી જતાં તેણે તુરંત 108માં સારવાર માટે ખંભાત જનરલ હોસ્પિટલમાં લઇ ગયો હતો. જ્યાં હાલત વધુ ગંભીર જણાતા કરમસદ હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. આ અંગે પોલીસે શૈલેષ જોટંગીયા સામે ગુનો નોંધ્યો છે.