નવી દિલ્હી: જેઈઈ મેઈન્સ ટુની (JEE MAINS EXAM) પરિક્ષાનું રિઝલ્ટ (Result) જાહેર થયું છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ 24 એપ્રિલની મોડી રાત્રે જેઈઈ મેઈન્સ 2024 બીજા સત્રનું પરિણામ જાહેર કર્યું છે. આ પરિક્ષામાં 56 સ્ટુડન્ટે 100 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. મહારાષ્ટ્રના ખેડૂતના દીકરાએ દેશમાં નં. 1 રેન્ક હાંસલ કર્યો છે.
આ સાથે ટોપર્સની યાદી પણ બહાર પાડવામાં આવી છે. આ વખતે મહારાષ્ટ્રના એક નાનકડા ગામડાના નીલકૃષ્ણએ જેઈઈ મેઈન્સની એક્ઝામમાં દેશભરમાં પહેલો રેન્ક મેળવ્યો છે. નીલના પિતા ખેડૂત છે અને માતા ગૃહિણી છે. મર્યાદિત સંસાધનોની વચ્ચે પોતાનો પ્રાઈમરી એજ્યુકેશન કરનાર નીલે કોટામાં રહીને કોચિંગ લીધું અને સખત મહેનત બાદ આ સફળતા મેળવી છે. તેને ઓલ ઈન્ડિયા રેન્ક 1 હાંસલ કર્યો છે.
નીલ ઉપરાંત 56 સ્ટુડન્ટ્સે જેઈઈ મેન્સની પરીક્ષામાં 100 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર નીલનું પ્રારંભિક શિક્ષણ મહારાષ્ટ્રના બેલખેડા ગામમાં થયું હતું. તેણે કંજલા ટાંડામાંથી મિડલ સ્કૂલ અને હાઈસ્કૂલ પૂર્ણ કરી હતી. જેઇઇ મેઇન્સ અને આઇઆઇટીમાં એડમિશન લેવાના સપના સાથે નીલ કોટા શિફ્ટ થયો અને અહીંથી 11મું અને 12મું કર્યું અને કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લઈને જેઇઇની તૈયારી પણ કરી હતી.
નીલ તેની સફળતાનો શ્રેય તેના માતાપિતાને આપે છે અને કહે છે કે તેઓએ તેને શિક્ષિત કરવા માટે ઘણું બલિદાન આપ્યું છે. તે વધુમાં કહે છે કે જો ક્યારેય તેના માર્કસ ઓછા હોય અથવા તેનું પ્રદર્શન સારું ન હોય તો તેના માતા-પિતા તેને પ્રોત્સાહિત કરતા અને વધુ સારું કરવા માટે પ્રેરિત કરતા. નીલ માને છે કે સતત પ્રયત્નોથી સફળતા મળે છે.
દિવસમાં દસથી પંદર કલાકનો અભ્યાસ
નીલ રોજના દસથી પંદર કલાક અભ્યાસ કરતો હતો અને નોટ્સ બનાવવાની સાથે સાથે ખૂબ પ્રેક્ટિસ પણ કરતો હતો. અભ્યાસ ઉપરાંત નીલને તીરંદાજીનો પણ શોખ છે. તેણે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે આમાં પોતાનો હાથ અજમાવ્યો છે. તમને જણાવી દઈએ કે આ વખતે ટોપર્સમાં ત્રણ કોટા કોચિંગના વિદ્યાર્થીઓ છે. ટોપ પાંચમાંથી ત્રણ અહીંના છે. ઓલ ઈન્ડિયા રેન્કની સાથે NTAએ કટ-ઓફ પણ બહાર પાડ્યો છે.