નવી દિલ્હી: જેડીયુની (JDU) રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક (National Executive Meeting) આજે સવારે 11 વાગ્યે દિલ્હીમાં યોજાઇ હતી. જેમાં સંગઠન અને બિહારના (Bihar) હિત સાથે સંબંધિત નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બેઠકની અધ્યક્ષતા પાર્ટીના વડા અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે (Nitish Kumar) કરી હતી. ત્યારે બેઠકમાં JDUના વરિષ્ઠ નેતા સંજય ઝાને (Sanjay Jha) પાર્ટીના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
લોકસભા ચૂંટણી બાદ પહેલીવાર જેડીયુની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક દિલ્હીની કોન્સ્ટિટ્યૂશનલ ક્લબમાં યોજાઇ હતી. ત્યારે બિહારના સીએમ નીતિશ કુમાર આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ માટે તેઓ શુક્રવારે બપોરે જ દિલ્હી પહોંચી ગયા હતા. આ સાથે જ પાર્ટીના તમામ કેન્દ્રીય મંત્રીઓ, બિહાર સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને પ્રદેશ અધ્યક્ષ અને 100થી વધુ કાર્યકારી સભ્યો દિલ્હી પહોંચ્યા હતા. ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રી અને JDU પ્રમુખ નીતિશ કુમારે પોતે સંજય ઝાને કાર્યકારી અધ્યક્ષ બનાવવાની જાહેરાત કરી હતી.
નીતીશ કુમારે દિલ્હીમાં કોન્સ્ટિટ્યુશન ક્લબમાં યોજાયેલી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં આ નિર્ણય લીધો હતો. તેમજ બેઠકમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. ત્યારે જેડીયુ નેતા રાજીવ રંજને જણાવ્યું હતું કે અમે ઈચ્છીએ છીએ કે બિહારમાં રેલ્વે લાઈન સારી હોવી જોઈએ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોવું જોઈએ, એટલા માટે જ નીતીશ કુમાર બિહારને સ્પેશિયલ પેકેજ આપવાની ઘણા સમયથી માંગ કરી રહ્યા છે.
નીતિશના નેતૃત્વમાં આગામી વિધાનસભા ચૂંટણી લડશે
આ બેઠકમાં સંગઠન સંબંધિત એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે રાષ્ટ્રીય કાર્યકારિણી નીતિશ કુમારના નેતૃત્વમાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરશે અને જેડીયુએ આ ઠરાવમાં 2025માં આવનારી બિહાર વિધાનસભાની ચૂંટણી નીતિશ કુમારના નેતૃત્વમાં લડવાનો સંકલ્પ પણ કર્યો છે. ઉપરાંત જનતા દળ યુનાઈટેડએ 2024ની ઝારખંડ ચૂંટણીમાં તેના ઉમેદવારો ઉભા રાખવા અને ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.
સંગઠન સંબંધિત પ્રસ્તાવમાં કેન્દ્ર અને રાજ્ય સરકારમાં પાર્ટીના મંત્રીઓને કાર્યકર્તાઓ સાથે વાતચીત જાળવી રાખવા માટે કહેવામાં આવ્યું હતું. આ સાથે જ પાર્ટીના ઠરાવમાં એવો પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો કે જ્યાં પણ મંત્રીઓનો કાર્યક્રમ હોય, બૂથ લેવલના કાર્યકર્તાઓ તેની જાણકારી રાખશે. તેમજ રાષ્ટ્રીય કાર્યકારિણીએ બૂથ સ્તરે પક્ષને મજબૂત કરવાનો સંકલ્પ લીધો હતી.
બિહારને વિશેષ દરજ્જાની માંગ
રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં જનતા દળ યુનાઈટેડે એક રાજકીય ઠરાવ પણ પસાર કર્યો હતો જેમાં નીતીશ કુમારને લોકસભા ચૂંટણીમાં પાર્ટીની જીત બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એનડીએની જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. રાજકીય પ્રસ્તાવમાં નીતિશ કુમારની પાર્ટીએ ફરી એકવાર બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો અથવા વિશેષ પેકેજ આપવાની જૂની માંગને દોહરાવી હતી. આ સાથે જ જેડીયુની રાષ્ટ્રીય કાર્યકારિણીએ બિહારમાં જાતિ સર્વેક્ષણ રિપોર્ટના આધારે અનામતનો વ્યાપ વધારવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો.