રામપુરની (Rampur) સાંસદ/ધારાસભ્ય અદાલતે અભિનેત્રીમાંથી (Actress) રાજકારણી બનેલા જયા પ્રદાની ધરપકડ કરવા અને 27 ફેબ્રુઆરીએ કોર્ટમાં (Court) રજૂ કરવાનો પોલીસ અધિક્ષકને આદેશ આપ્યો છે. પોલીસ અધિક્ષકને વિશેષ ટીમ બનાવવા અને પૂર્વ સાંસદની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. વરિષ્ઠ ફરિયાદી અધિકારી અમરનાથ તિવારીએ કહ્યું કે પૂર્વ સાંસદ વિરુદ્ધ સાતમી વખત બિનજામીનપાત્ર વોરંટ જારી થયા બાદ પણ તે સોમવારે સુનાવણી માટે કોર્ટમાં પહોંચ્યા ન હતી. જણાવી દઈએ કે પૂર્વ સાંસદ જયા પ્રદા આચાર સંહિતા ભંગના બે કેસમાં ‘ફરાર’ છે.
શું છે સમગ્ર મામલો
વર્ષ 2019માં જયા પ્રદાએ ભાજપની ટિકિટ પર રામપુર લોકસભા સીટથી ચૂંટણી લડી હતી. ચૂંટણી દરમિયાન જ અભિનેત્રી પર આચારસંહિતાનો ભંગ કરવાનો આરોપ લાગ્યો હતો. આ સંબંધમાં તેમની સામે બે કેસ નોંધાયા હતા. બંને કેસ રામપુરની સાંસદ/ધારાસભ્ય કોર્ટમાં ચાલી રહ્યા છે. જયા પ્રદા સળંગ ઘણી સુનાવણીમાં હાજર થયા ન હતા. આ પછી જ તેમની સામે એક પછી એક બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યા. આમ છતાં તે કોર્ટમાં પહોંચ્યા ન હતા. તેથી કોર્ટે આદેશ આપ્યો છે કે હવે તેમની ધરપકડ કરીને રજૂ કરવામાં આવે.