Entertainment

જયા પ્રદાનું અંગત જીવન એટલું સુંદર ન હતું

આ ત્રીજી એપ્રિલે જ્યા પ્રદા 62 વર્ષની થશે. રાખી જેવી અભિનેત્રી હજુ ફિલ્મોમાં કામ કરવા તૈયાર છે તો જયા પ્રદા પણ તૈયાર હોય તેમાં નવાઈ નથી. હમણાં તે ‘રિવાજ’ નામની ફિલ્મમાં કામ કરી રહી છે જેમાં તેના જેવા જ કેટલાક નિવૃત્ત અભિનેતા અભિનેત્રી છે જેમકે મિથુન ચક્રવર્તી, અનિતા રાજ. આ ઉપરાંત દક્ષિણની ‘કિરાવની’માં તે મામુદ્રી સાથે આવી રહી છે. જો કે સહુ જાણે છે કે આ બધા તો નિવૃત્તિમાં મળતાં કામો છે. તે ‘પર્ફેક્ટ પતિ’, ‘સસુરાલ સિમરકા-2’ જેવી ટી.વી. સિરીયલોમાં પણ આવી ચૂકી છે, પણ લોકો તેને યાદ કરે છે તો ‘સરગમ’થી શરૂ થતી ફિલ્મોથી. એ સમયે દક્ષિણથી આવેલી રેખા, શ્રીદેવી છવાઈ રહી હતી. હિન્દીમાં તેણે કામ શરૂ કર્યું ત્યારે તેલુગુ સિવાય કોઈ ભાષા બોલવાનું તેને આવડતું નહોતું. આજે તો તેના નામે તમિલ, તેલુગુ, મરાઠી, બંગાળી સહિતની ફિલ્મો ચડી ચૂકી છે. હિન્દી ફિલ્મમાં તેમને કે. વિશ્વનાથ લાવ્યા અને ‘સરગમ’માં જયા પ્રદાનું પાત્ર ગુંગી યુવતીનું રખાયેલું હતું એટલે કોઈને ખબર જ ન પડી કે તેને હિન્દી આવડે છે કે નહીં? પણ પછી તેણે હિન્દી શીખવું શરૂ કર્યું. સવારે ચાર વાગ્યે ઊઠતી. ઉર્દૂ શીખવવા એક શિક્ષક આવે તેની પાસે સવારે રાત સુધી ઉર્દૂ શીખે. સેટ પર જાય તો મેકઅપ રૂમમાં બેઠા બધા ડાયલોગના ઉચ્ચારનાં રિહર્સલ કરે. તે અમિતાભ જેવા સાથે કામ કરતી હતી. એટલે નબળું હિન્દી ચાલે નહીં. પણ અમિતાભ બચ્ચને પણ તેને હિન્દી બોલવામાં મકક કરી. ‘શરાબી’, ‘આજ કા અર્જુન’માં તેમની જોડી જામી અને જીતેન્દ્ર સાથે ‘તોહફા’માં તે ખૂબ સફળ રહી. જ્યા પ્રદાની સફળતામાં તેના નૃત્યનો ફાળો મોટો છે. તેના પિતા તેલુગુ ફિલ્મોમાં નાણાં ધીરતા હતા અને મા નીલવાણીએ જયા પ્રદાને નાનપણથી જ નૃત્ય અને સંગીત શીખવેલું. ચૌદ વર્ષની ઉંમરે તેણે સ્કૂલના વાર્ષિક કાર્યક્રમમાં નૃત્ય રજૂ કર્યું તે પ્રેક્ષકોમાં બેઠેલા ફિલ્મ દિગ્દર્શકને ગમ્યું અને તેમણે ‘ભૂમિકોસમ’ નામની ફિલ્મમાં ત્રણ મિનિટનું નૃત્ય સોંપ્યું. જયા પ્રદા તૈયાર નહોતી, પણ તેના કુટુંબે પ્રોત્સાહન આપ્યું એટલે એ નૃત્ય કર્યું. તેના તેને 10 રૂપિયા મળ્યા. એ નૃત્ય પછી અનેક નિર્માતાઓએ પોતાની ફિલ્મોમાં જયાને લેવા તૈયારી બતાવી અને તેમાં કે. બાલચંદર, કે. વિશ્વનાથ વગેરે હતા. કે. વિશ્વનાથની ‘સિટી સિટીમુવ્વા’ માં તે એવી નૃત્યાંગના બની જે ગુંગી છે. ‘સીતા કલ્યાણમ’માં તેને સીતાની ભૂમિકા મળી. 1977માં ‘અડવી રામુડુ’ ફિલ્મ તો જબરદસ્ત સફળ રહી. જયા પ્રદા સ્ટાર બની ગઈ. કે. વિશ્વનાથે ‘સિરી સિરી મુવ્વા’ હિન્દીમાં બનાવવા વિચાર્યું અને જયા પ્રદાને રિશી કપૂર સામે હીરોઈન બનાવવામાં આવી. મૂળ ફિલ્મમાં તે જે કરી ગઈ હતી એ જ પાત્ર ફરી ભજવવાનું હતું એટલે વધુ સારી રીતે ભજવ્યું. કે.વિશ્વનાથની તે ફેવરીટ હતી તેથી ‘સૂર સંગમ’માં તેને જ ભૂમિકા મળેલી. પણ આ સિવાય ‘કામચોર’, ‘તોહફા’, ‘મકસદ’, ‘સંજોગ’ અને અમિતાભ સાથેની જ ‘આખરી રાસ્તા’, ‘આજ કા અર્જુન’ ઉપરાંત ધર્મેન્દ્ર સાથેની ‘એલાન-એ-જંગ’, જીતેન્દ્ર સંજયદત્ત સાથેની ‘થાનેદાર’, શશીકપૂર સાથેની ‘સિંદૂર’ જેવી ફિલ્મોથી તે ટોપ એક્ટ્રેસ તરીકે જામી ગઈ.
પણ શ્રીદેવી સામે તેનો જંગ છેડાઈ ગયો હતો અને નવાઈની વાત એ કે એ બંને લગભગ ડઝન જેટલી ફિલ્મોમાં સાથે આવ્યાં. ‘તોહફા’ ફિલ્મ મૂળમાં તો તેમની જ તેલુગુ ફિલ્મ ‘દેવથા’ની રિમેક હતી. તેમાં પણ તે બંને બહેનો જ હતી. ફિલ્મના દૃશ્યમાં હોય તો બંને બહેન જેવું વર્તે પણ દૃશ્ય પૂરું થાય એટલે જૂદા જૂદા ખૂણા પકડી લે. લોકોને તો ફિલ્મ સાથે નિસબત હોય છે અને જયા પ્રદા ફિલ્મના પરદે ક્યારેય નબળી પડી નથી.
તેની જિંદગીમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે તે ફિલ્મનિર્માતા શ્રીકાંત નાહશને પરણી કે જે બે સંતાનોનો પિતા હતો. આ લગ્નથી ખૂબ વિવાદો પણ થયા. જયા પ્રદા અંગત જીવન યોગ્ય રીતે સંભાળી નથી શકી. નાહટાએ તેની પત્નીને છૂટાછેડા પણ નહોતા આપ્યા. ખેર, જયા પ્રદા 1994માં તેલુગુ દેશમ પાર્ટીમાં જોડાઈ ગઈ જેના સ્થાપક એન.ટી.રામારાવ હતા. જો કે પછી તે ચન્દ્રાબાબુ નાયડુના પક્ષમાં જોડાઈ ગઈ અને 1996માં રાજયસભાની સભ્ય બની. જયા પ્રદાએ ઘણા રાજકીય પક્ષો બદલ્યા છે તેમાં એએક સમાજવાદી પક્ષ કે અન્ ત્યાં તે અમરસીંઘ સાથે ઘરોબો ધરાવતી હતી. 2019માં તે ભારતીય જનતા પક્ષમાં જોડાઈ ગઈ. આનો અર્થ એ થયો કે તે રાજકારણમાં બરાબર ખૂંપી ગઈ હતી. તેમાં થોડી ફ્રી પડી પછી તે ટી.વી. સિરીયલોમાં આવતી થઈ. પણ લોકો તેને અમિતાભ સાથેની પાંચ ફિલ્મોથી યાદ રાખશે. હમણાં તો તે ઉત્તરપ્રદેશના રામપુર જિલ્લામાં તેની સામે દાખલ કેસમાં ફસાયેલી છે. ત્યાં તેની પર ચૂંટણી આચારસંહિતા ઉલ્લંઘન બાબતે કેસ થયો છે, જે હકીકતે પાંચ વર્ષ જૂનો છે. તેની પર સાત વાર વોરંટ બહાર પડ્યા છે પણ તે હાજર નહોતી થઈ. આખર આ મહિને હાજર થતાં અદાલતે કહ્યું છે કે અદાલત બોલાવે ત્યારે હાજર થવું પડશે. ખેર! જયા પ્રદાનું ચરિત્ર બગડી ચૂક્યું છે પણ લોકો તેને ‘સરગમ’, ‘શરાબી’, ‘સંજોગ’, ‘કામચોર’ વગેરે ફિલ્મોથી યાદ રાખે એ પૂરતું છે. 30 વર્ષની કારકિર્દીમાં તેણે કુલ 300 જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે. ચેન્નઈમાં તેની માલિકીનું એક થિયેટર પણ છે. જયા પ્રદાને લગ્નજીવનથી બાળક નથી. નવાઈની વાત એ કે જયા પ્રદાને પરણ્યા પછી તેના પતિને તેની આગલી પત્ની સાથેના સંબંધથી બાળક થયું હતું ને આમ છતાં જયા પ્રદા કશું કરી શકી નહોતી. જયા પ્રદાની આવી અંગત કહાણી પરથી સામાજિક ફિલ્મ બની શકે અને તેમાં જયા સામે શ્રીદેવી જેવી જ કોઈ હીરોઈન અને જીતેન્દ્ર હીરો હોઈ શકે. સત્યજીત રેએ જે ખૂબ સુંદર અભિનેત્રી ગણાવી હતી તે જયા પ્રદાનું બધું જ સુંદર નથી. •

Most Popular

To Top