તમારે કોઈ વાર જય નારાયણ વ્યાસ જોડે પત્રાચાર થયો છે ? જો, થયો હોય તો તમને ખ્યાલ હશે જ કે…એમના લેટર-હેડ પર એમનું નામ એકદમ ઉપર (મથાળે) બરાબર વચમાં જોવા મળે છે ! આમ તો, ગુજરાતીમાં ‘જયનારાયણ વ્યાસ’ લખવું યોગ્ય છે પણ, ઘણાં ગુજરાતીઓ હિન્દી પદ્ધતિનું અનુકરણ કરીને પોતાનું નામ બે ટુકડામાં વહેંચી કાઢતાં જોવા મળે છે…જયનારાયણ વ્યાસ પણ એવા જ એક ગુજરાતી છે. એમના લેટર-હેડ પર “ જય નારાયણ વ્યાસ” છપાયેલું જોવા મળે છે.
સામાન્ય રીતે, ગ્રેજ્યુએટ પછી પોસ્ટ ગ્રેજ્યુએટ થવાય અને પોસ્ટ ગ્રેજ્યુએટ પછી પી.એચ.ડી. થવાય અને તેથી જ લોકો પોતાના નામ નીચે હાસલ કરેલી ડીગ્રીઓ-પદવીઓ લખવાની હોય ત્યારે વિદ્યાભ્યાસનો જ અનુક્રમ જાળવી રાખતા હોય છે…પણ, આ જય નારાયણ વ્યાસ આમાં એક બહુ જ મોટો અપવાદ સાબિત થયા છે ! તેઓ પોતાની ડીગ્રીઓ પોતાના લેટર-હેડ પર “પીએચ.ડી.,એમ.ટેક(આઇઆઇટી), એફઆઈઈ,એલએલબી” આ રીતે લખે છે ! પીએચ.ડી.માં બે વાજબી ટપકાં તેમ, એમ.ટેકમાં એક વાજબી ટપકું પરંતુ, એલએલબી વખતે ક્યાંય કોઈ વાજબી-ગેરવાજબી ટપકું તમને જોવા નહીં મળે !
જેમ, આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ આઈ.આઈ.ટી.ના વિદ્યાર્થી છે તેમ, આ જય નારાયણ વ્યાસ પણ આઈ.આઈ.ટી.ના વિદ્યાર્થી છે. જય નારાયણને તમે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના વિદ્યાર્થી પણ ગણી શકો છો. હાલના સંજોગોમાં જ્ય નારાયણે ભાજપ ગુમાવ્યું કે પછી ભાજપે જય નારાયણને ગુમાવ્યા તે કહેવું ખૂબ મુશ્કેલ છે. પંચોતેર વર્ષની વય પાર કરી ગયેલા જય નારાયણને આ વખતે પણ ચૂંટણી તો લડવી જ છે અને, ભાજપે પંચોતેર ઉપરના નેતાઓની પાસે ચૂંટણી લડાવવી નથી એટલે જય નારાયણે આ ઉંમરે ભાજપ છોડી હવે, નવો બીજો કોઈ રાજકીય પક્ષ શોધવાનો વારો આવ્યો. ભાજપે જય નારાયણને છોડવાના તેમજ જય નારાયણે ભાજપને છોડવાના આ અગાઉ પણ અનેક મોકાઓ ભૂતકાળમાં આવ્યા હતા પણ બંનેને આ સંજોગ સુયોગ્ય લાગ્યો હોવાથી બંનેએ એકબીજાને પ્રેમપૂર્વક છોડી દીધા ! એકબીજાની નિંદા કરવામાં તેઓ ઉતર્યા નહીં તેનું એક માત્ર મુખ્ય કારણ માથે લટકી રહેલી ચૂંટણી જ હોય તેવું સમજમાં આવે છે.
ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા તે પછી, ગુજરાતમાં કોંગ્રેસને પોતાના પક્ષમાંથી ગુજરાતના મુખ્યમંત્રી માટેનો ચહેરો જાહેર કરવામાં હંમેશા તકલીફ પડતી રહી છે… એક વાર, જાહેર મંચ પરથી શક્તિસિંહ ગોહિલ સાથે બેસીને કોંગ્રેસ માટે આ જય નારાયણ એમ બોલ્યા હતા કે…જે પક્ષ પોતાનો પ્રેસિડેન્ટ નક્કી નથી કરી શકતો તે ગુજરાતનો મુખ્યમંત્રીનો ચહેરો શું નક્કી કરવાનો ?! ઉગ્ર ચર્ચાઓ દરમ્યાન જય નારાયણ એમ પણ બોલ્યા હતા કે, રાહુલ ગાંધીને પણ ગુજરાતના મુખ્ય મંત્રીનો ચહેરો બનાવી શકાય છે-તેઓ ભારતના નાગરિક છે અને ગુજરાતના મુખ્યમંત્રી જરૂર બની શકે છે !
જય નારાયણ જયારે કોલેજમાં લેકચરરની નોકરી કરતા હતા ત્યારે એક વાર ડીન પાસે જઈને એમણે કહેલું કે, સાહેબ ! તમે મને વચન આપેલાં તે મુજબ મને અમલ થઇ રહેલો દેખાતો નથી ! તે કાળે ડીન વળી, ખબર નહીં કયા મૂડમાં હશે તે જાય નારાયણને ચોપડાવી દીધું કે તમે આટલા બધા ક્વોલીફાઈડ છો તો અમારી આગળપાછળ શું કામ રખડતા રહો છો !? અને, સ્વાભિમાની જય નારાયણના દિલને એવો ધક્કો લાગ્યો કે જય નારાયણે ભવિષ્યનો કંઈ પણ વિચાર કર્યા વગર એ નોકરી છોડી દીધી ! અને, ત્યારે એમનો મોટો દીકરો 11 દિવસનો હતો !
પછી, જય નારાયણના નસીબમાં સરકારી નોકરી આવી…સરકારી નોકરીમાં એમને એટલો પગાર મળવા લાગ્યો કે તેટલો પગાર રાજ્યમાં (એમના ક્ષેત્રમાં) માત્ર ત્રણ જ જણને મળતો હતો…! સરકારી નોકરી કરતાં કરતાં નસીબની શું ગતિ થઇ તે એક દિવસે જય નારાયણ કચેરીએથી હાર-તોરા સાથે ઘેર પાછા ફર્યા અને, કુટુંબીજનોને લાગ્યું કે કોઈ મોટું પ્રમોશન મળ્યું હશે ! જયારે, જય નારાયણે ઘરમાં કહ્યું કે…મેં નોકરી છોડી દીધી છે ત્યારે સમગ્ર કુટુંબમાં ચિંતા-કુતુહલનું મોજું ફરી વળ્યું હતું ! હા, તે એક એવો દિવસ હતો કે…જયારે ભાજપ સામે ચાલીને જય નારાયણ પાસે ગયેલું અને એમને ભાજપમાં વીનવ્યા હતા. પોતાની સરકારી નોકરીમાં કોઈ મગજમારી નહીં થાય તેટલા ખાતર ૩ મહિનાનો પગાર સરકારમાં જમા કરાવીને આ વ્યાસજીએ સરકારી નોકરી છોડી હતી ! (તે વખતે ગુજરાતમાં સરકાર કોંગ્રેસની હતી અને, જય નારાયણ માંડ 32 વર્ષના હશે !)
હા, જય નારાયણ ભાજપમાં જોડાયા ખરા પણ એમણે ભાજપનો ખેસ કદાપિ પહેર્યો નહીં…! એટલે સુધી કે, એક જાહેર કાર્યક્રમમાં ભાજપી નેતાઓએ આમને ભાજપનો ખેસ પહેરાવવાનો પ્રયાસ પણ કરેલો પરંતુ, આ તો જય નારાયણ…એ વળી ગાંઠે ! એમણે આટલાં વરસ ભાજપમાં કાઢ્યાં અને, કોઈ ચૂંટણી જીત્યા તો કોઈ ચૂંટણી હાર્યા પણ ખરા ! તેમ છતાંય ગમે તેવા સંજોગો ઊભા થયા પણ ભાજપના ખેસ વગર જ રાજકારણના મેદાન પર રમતા રહ્યા…
પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં સીએમ હતા ત્યારે વ્યાસજીએ ખાસ્સો સમય હેલ્થ મિનિસ્ટર તરીકે પણ મોદી સાથે કામ કર્યું હતું ! તેઓ ફાયનાન્સ મિનિસ્ટર હતા તે વખતે એક વાર હું તેમની પાસે રાવ લઈને ગયેલો કે શેરબજારમાં કોઈ કમાઈને બહાર નથી નીકળતું તો આવું નેસીયું બજાર બંધ જ નહીં કરાવી દેવાય ? ત્યારે, એમણે મને કહેલું કે શેરબજારમાં પણ માણસ વાણીયાને બદલે કણબી બનીને કામ કરતો રહે તો છેવટે કમાઈને બહાર નીકળે !
જય નારાયણ જ્ઞાતિએ બ્રાહ્મણ પરંતુ, એમની એક દીકરી સપના પટેલ સમાજમાં પરણેલી…અને, તેઓ જયારે ગુજરાતના ફાયનાન્સ મિનિસ્ટર હતા ત્યારે સપનાનું વજન ખૂબ વધી ગયેલું…પરંતુ, સપનાએ એક જ વર્ષમાં વગર કોઈ દવાએ-સારવારે પોતાનું વજન ૩૩ કિલોગ્રામ ઘટાડીને એ કક્ષાએ પહોંચી ગયેલી કે કોઈ તેને બોલીવુડની હિરોઈનો કરતાં જરાય ઉતરતી નહીં સમજી શકે ! અને, ત્યારે જય નારાયણને બેહદ ખુશી થયેલી.
કાંકરિયાનું પાણી તમે સોનાના ઘડાથી લો કે પછી માટીના મટકાથી લો કે પછી લોખંડના કોઈ પાત્રથી લો…એ પાણી કાંકરિયાનું જ રહેવાનું છે ! રાજકારણમાં વિહરી રહેલાં વિવિધરંગી માણસોનું મહત્વ સમજાવવા એક વાર જય નારાયણે કાંકરિયાનો દાખલો આપીને અમુક ગહન વાતો પણ સમજાવેલી. રાજકીય પાત્રોની પાત્રતાના વાંકે રાજકારણનું ક્ષેત્ર નંદવાય તે વ્યાસજીને બિલકુલ નહીં ગમે !
સિનેમાનાં ગીતો સાંભળવાનું વ્યાસજીને ખૂબ ગમે. તેઓ રાજકારણને પોતાનો શોખ હોવાનું આપણને જણાવે…સાથે, એમ પણ સમજે અને સમજાવે કે રાજકારણ મારી મજબૂરી નથી. તમે એમને જીવનમાં એમની સિદ્ધિ વિષે પૂછો તો નિ:સંદેહ તેઓ એમ જ કહે કે…ચૂંટણીઓ જીતું છું તે મારી સિદ્ધિ ! ચૂંટણીઓ જીતવાને તેઓ માત્ર ને માત્ર પોતાની જ સિદ્ધિ જણાવે ! ચૂંટણીઓ જીતવા સિવાયની સિદ્ધિ હોય ત્યાં તે અન્યોની પણ સિદ્ધિ હોવાનું કહે !