Columns

જાતીય જીવનમાં લોકોને મૂંઝવતા સવાલ

આમ તો સેક્સને લઈને નવજુવાનથી લઈને પંચોતેર વર્ષનાં બુઝુર્ગને પણ મનમાં અનેક સવાલ હોય છે પરંતુ જેમના લગ્ન નજીકમાં થવાના છે અથવા હમણાં હમણાં જ થયેલ છે તેમને સેક્સ અંગે વધુ સવાલો, મૂંઝવણ રહેતી હોય છે. જો કે આ પાંચ સવાલ એવા છે કે જે અત્યાર સુધીમાં સૌથી વધુ વખત જવાબ આપવા છતાં વારંવાર પૂછવામાં આવ્યા છે.

સવાલઃ હસ્તમૈથુનથી ભવિષ્યમાં લગ્નજીવનમાં કોઈ તકલીફ આવી શકે? મૈથુન અને હસ્તમૈથુનમાં શું ફરક છે?

જવાબઃ હસ્તમૈથુન એક નોર્મલ પ્રક્રિયા છે જે મોટાભાગના પુરુષો તેમના જીવનમાં લગ્ન પહેલાં અને લગ્ન પછી પણ માણતા હોય છે. ઘણી સ્ત્રીઓ પણ તેમના જીવનમાં હસ્તમૈથુનનો આનંદ લેતી હોય છે. જે ક્રિયા હસ્તમૈથુન વખતે ઇન્દ્રિય હાથની મુઠ્ઠીમાં કરે છે તે જ ક્રિયા સંભોગ વખતે ઇન્દ્રિય સ્ત્રીના યોનિમાર્ગમાં કરે છે.  હસ્તમૈથુન તમે કોઈની કલ્પનામાં કરતા હો છો જ્યારે મૈથુન કોઈ બીજી વ્યક્તિ જોડે હકીકતમાં થતું હોય છે. જો સંભોગ ખરાબ ના હોય તો હસ્તમૈથુન પણ ખરાબ ના હોય. હસ્તમૈથુન કરવાથી શરીરમાં નબળાઈ આવી જતી હોય છે, નપુંસકતા આવી જતી હોય છે અને ભવિષ્યમાં લગ્નજીવનમાં તકલીફ અનુભવાતી હોય છે. આ તમામ વસ્તુ ખોટી અને ગેરમાન્યતાથી ભરેલી છે. હસ્તમૈથુનથી આવું કંઈ જ થતું નથી. જો ખરેખર હસ્તમૈથુનથી જાતીય નબળાઈ આવી જતી હોય તો આજે ભારત દેશની વસ્તી એક સો ત્રીસ કરોડ સુધી પહોંચી જ ન હોત. હસ્તમૈથુન કોઈ બીમારી નથી, એક આદત છે.

સવાલઃ બજારમાં મળતાં હર્બલ સેક્સ ટોનિક, વિદેશી નામ ધારક મસાજ કરવાનાં તેલ કેટલાં ફાયદાકારક?

જવાબઃ આપણા દેશનું આયુર્વેદિકનું જ્ઞાન ખૂબ જ પ્રાચીન અદભુત વિજ્ઞાન છે. જો તેને યોગ્ય રીતે સમજીને ઉપયોગ કરવામાં આવે તો તેના ઘણા ફાયદાઓ થતાં હોય છે. પરંતુ બજારમાં મળતાં આ કહેવાતાં જાહેરખબરિયા સેક્સ ટોનિક અને તેલો માત્ર ને માત્ર અજાણ લોકોને જાહેરખબર દ્વારા લોભાવી ઉલ્લુ બનાવવાનું કામ કરતાં હોય છે. મોટાભાગનાં આવાં કહેવાતાં સેક્સ ટોનિકો આયુર્વેદિક સિદ્ધાંતો પ્રમાણે બનાવવામાં આવતાં નથી. જેથી તેનાથી કોઇ ફાયદો થતો હોતો નથી. છતાં પણ જો તેનાથી કોઇ ફાયદો થાય તો બોટલની અંદર ભરવામાં આવેલી દવા કે તેલ અસરથી નથી થતો પરંતુ બોટલની ઉપર દોરવામાં આવેલ ઘોડા કે સાંઢના ચિત્રની અસર થતી હોય છે. ટૂંકમાં કહું તો આ કહેવાતાં સેકસવર્ધક ટોનિક અથવા તેલ ખરીદવાથી, ખાવાથી અને માલિશ કરવાથી માત્ર બે જ વ્યક્તિઓને ફાયદો થતો હોય છે. એક જે બનાવે છે તેને અને બીજું જે વેચે છે એને. મારા મત મુજબ દુનિયાનું ઉત્તમ સેક્સ ટોનિક એટલે તમારા પ્રેમાળ અને સમજદાર સાથી છે.

સવાલઃ સ્વપ્નદોષ એ શું મર્દાના કમજોરીની નિશાની છે?

જવાબઃ જ્યારે છોકરો 12 થી 14 વર્ષની ઉંમરમાં આવે છે ત્યારે તેના શરીરમાં સેકસ હોર્મોન બનવાની શરૂઆત થાય છે.  જેથી તેને દાઢી-મૂછ આવે છે, ઈન્દ્રિયોનો વિકાસ થાય છે, મનમાં સેક્સની ઈચ્છા થાય છે, વિજાતીય વ્યક્તિ તરફ આકર્ષણ અનુભવાય છે અને વીર્ય બનવાની શરૂઆત થાય છે. જે રીતે ફેક્ટરીમાં માલ બને અને ગોડાઉનમાં જમા થાય તે જ રીતે વૃષણ કોથળીની અંદર વીર્ય બનતું હોય છે અને સેમાયઈનલ વેસિકલ નામની ગ્રંથિમાં આ જમા થતું હોય છે. આ વીર્ય બનવાની પ્રક્રિયા ચોવીસે કલાક, ત્રણસો પાંસઠ દિવસ ચાલુ રહેતી હોય છે. જે વ્યકિત નિયમિત રીતે હસ્તમૈથુન અથવા તો સંભોગ નથી કરતા તેમને કુદરતી રીતે ઊંઘમાં કે સ્વપ્નમાં સ્ખલન થઈ જાય છે. આ પ્રકૃતિનો ક્રમ છે. દરેકના જીવનમાં આવતો એક અગત્યનો માઈલ સ્ટોન છે. ટાંકીમાં પાણી ભરાયા કરે અને તમે એને ખાલી ન કરો તો એ છલકાઈ જ જશે. તે જ રીતે વીર્ય ગ્રંથિમાં વીર્ય તમે ખાલી નહીં કરો તો એ આપોઆપ બહાર આવી જશે. આ કોઈ બીમારી નથી. આ કોઈ કમજોરીની નિશાની નથી. નોર્મલ હોવાની એક નિશાની છે. સ્વપ્નદોષ શબ્દ પ્રયોગ જ ખોટો છે. સ્વપ્નદોષ એ કોઈ દોષ નથી.

સવાલઃ સ્ત્રી ઉપર હોય અને પુરુષ નીચે હોય એવા આસનમાં સેક્સ કરવાથી તે કુદરતી રીતે ગર્ભનિરોધક તરીકે કામ કરે છે?

જવાબ: ગર્ભ ના રહે તે માટે જાતીય આસનો નહીં પરંતુ નોન ફર્ટાઈલ દિવસો અગત્યના હોય છે. સામાન્ય રીતે માસિકના બારમાથી અઢારમા દિવસના સમયગાળામાં  સ્ત્રીબીજ છૂટું પડતું હોય છે અને તેથી આ સમય દરમ્યાન બાળક રહેવાની સંભાવના સૌથી વધારે હોય છે. બાકીના દિવસો  સેફ દિવસો ગણાય છે. સંભોગ વખતે સ્ત્રીના યોનિમાર્ગની અંદર વીર્ય સ્ત્રાવ થતો હોય છે. આ સ્ત્રાવની અંદર 99% આજુબાજુની ગ્રંથિનો સ્રાવ હોય છે અને એક ટકો વીર્ય હોય છે અને આ એક ટકો વીર્યની અંદર લાખો અને કરોડો શુક્રાણુ હોય છે. જે આપણને નરી આંખે દેખાતા હોતા નથી. જે 99% સ્રાવ હતો તે બધો જ યોનિમાર્ગમાંથી બહાર આવી જતો હોય છે. અને જે એક ટકો સ્રાવ વીર્ય હતો, કે જેની અંદર રહેલા શુક્રાણુઓ યોનિમાર્ગની દીવાલ ઉપર ચોંટી જતાં હોય છે અને આ શુક્રાણુઓ ધીરેધીરે ગતિ કરતા ઉપરની તરફ સરકવા લાગે છે  અને ત્યાંથી તેઓ ગર્ભાશય સુધી પહોંચી જતા હોય છે. જો તે વખતે સ્ત્રીબીજ ત્યાં આવેલું હોય, તો આ શુક્રાણુ અને સ્ત્રી બીજનું મિલન થાય છે. જે ગર્ભમાં પરિવર્તન થવાની શક્યતા હોય છે. આ શુક્રાણુઓ, સ્ત્રી જાતીય સંબંધ વખતે કોઈ પણ પોઝિશનમાં હોય તો પણ એમની ગતિમાં કે દિશામાં કોઈ જ ફેરફાર થતો હોતો નથી માટે એમ માનવું કે સ્ત્રી ઉપર હોય એવા આસનથી બાળક રહેતું નથી તે એક માત્ર ભ્રમ જ છે. નવપરિણીત યુગલોને જો બાળક રાખવાની ઈચ્છા શરૂઆતમાં ના હોય તો તેમના માટે નિરોધ અથવા ગર્ભનિરોધક ગોળીઓ ઉત્તમ અને સચોટ રસ્તો છે.

સવાલ : પ્રાઇવેટ ભાગના વાળને કાપવા જોઈએ કે નહીં? વાળ લાંબા રાખવાથી સેક્સમાં કોઈ ફાયદો થાય ?

જવાબ:  લાંબા વાળ રાખવાથી સેક્સમાં કોઈ ફાયદો થતો નથી. જે રીતે માથાના વાળ આપણે અમુક સમય બાદ કપાવતા હોઈએ છીએ તે જ રીતે થોડા થોડા દિવસે પ્રાઇવેટ ભાગના વાળને પણ તમારે ટ્રિમ કરવા જોઈએ.  આને ટ્રિમ કરવા માટે તમે ટ્રિમર અથવા કાતરનો ઉપયોગ કરી શકો છો. અથવા પ્રાઇવેટ ભાગના વાળને દૂર કરવા સ્પેશ્યલ હેર રીમુવિંગ ક્રીમ પણ બજારમાં મળે છે. જેનો પણ તમે પ્રયોગ કરી શકો છો. બને ત્યાં સુધી બ્લેડ કે રેઝરનો ઉપયોગ ટાળવો જોઈએ. આનાથી કોઈક વાર વાગી જવાની શક્યતા રહેતી હોય છે અને આ ભાગ ખરબચડો અને કાળો થઈ જતો હોય છે. નિયમિત હેર ટ્રિમ કરવાથી આ ભાગની સફાઈ થશે, પરસેવો ઓછો થશે. જેથી ફંગલ ઇન્ફેક્શન થવાની શક્યતા ઘટી જાય છે. પ્રાઇવેટ પાર્ટની સફાઈ પણ ખૂબ જ અગત્યની છે. ઘણા બધા પુરુષો આની સફાઈ રાખવામાં બેદરકાર હોય છે. જેથી તેમના પાર્ટનરને સૂગ ચડતી હોય છે. દરરોજ સ્નાન કરતી વખતે ઇન્દ્રિયની અગ્રત્વચાને નીચે સુધી ઉતારી, મેલ ઈન્ટિમેટ વોશથી સાફ કરવું જોઈએ. આમ કરવાથી ઈન્દ્રિયની ચોખ્ખાઈ રહેશે બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શન નહીં થાય અને ખરાબ વાસ નહીં આવે. બજારમાં સ્ત્રીઓ માટે  ઈન્ટિમેટ વોશ તો ઘણી બધી કંપનીઓના મળી જતા હોય છે પરંતુ પુરુષ માટે કેમિકલરહિત નેચરલ વોશ ખૂબ જ ઓછા અવેલેબલ છે. ‘ઇટ મેટર’ નામનું આવું વોશ તમને ઓનલાઈન મળી જશે.

Most Popular

To Top