નવી દિલ્હી: ઈંગ્લેન્ડ (England) સામેની બીજી ટેસ્ટ મેચમાં તેના શાનદાર પ્રદર્શન બાદ બુધવારે જસપ્રિત બુમરાહ (JaspritBumrah) આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં (ICCTestRanking) ટોચ પર પહોંચનાર પહેલો ભારતીય ફાસ્ટ બોલર બન્યો છે. બુમરાહ પહેલીવાર ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં ટોચ પર પહોંચ્યો છે. આ પહેલા તે ટેસ્ટ રેન્કિંગમાં ત્રીજા સ્થાનથી ઉપર પહોંચી શક્યો ન હતો. બુમરાહ ટેસ્ટ બોલરોની ટોચની રેન્કિંગમાં પહોંચનારો ભારતનો ચોથો ખેલાડી છે.
બુમરાહે ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની સિરિઝની બીજી મેચમાં 91 રન આપીને 9 વિકેટ લીધી હતી. વિશાખાપટ્ટનમમાં રમાયેલી આ ટેસ્ટ મેચમાં મજબૂત પ્રદર્શનને કારણે તે ‘પ્લેયર ઓફ ધ મેચ’ બન્યો હતો. આ પ્રદર્શનના કારણે જસપ્રીત બુમરાહના રેન્કિંગમાં ફેરફાર થયો છે.
બુમરાહના આ શાનદાર પ્રદર્શનને કારણે રવિચંદ્રન અશ્વિનને નુકસાન થયું હતું, તે હવે ત્રીજા સ્થાને સરકી ગયો છે. બુમરાહે આ રેન્કિંગમાં અશ્વિનનું સ્થાન લીધું છે, જે છેલ્લાં 11 મહિનાથી આ યાદીમાં ટોચ પર હતો. ટેસ્ટ મેચમાં 499 વિકેટ લેનાર અશ્વિન ત્રીજા સ્થાને સરકી ગયો છે. દક્ષિણ આફ્રિકાના કાગિસો રબાડા નંબર 2 પર છે.
જસપ્રીત બુમરાહ ICC ટેસ્ટ બોલરોની રેન્કિંગમાં ટોચ પર પહોંચનાર ભારતનો પ્રથમ ઝડપી બોલર છે. આ પહેલા ભારતીય ફાસ્ટ બોલર કપિલ દેવ ટેસ્ટ રેન્કિંગમાં નંબર 2 પર પહોંચ્યા હતા. તેનો અર્થ એ કે અગાઉનું સર્વોચ્ચ રેન્કિંગ કપિલ દેવનું હતું, જે ડિસેમ્બર 1979 થી ફેબ્રુઆરી 1980 સુધી બીજા સ્થાને રહ્યા હતા. બુમરાહ ઉપરાંત ઝહીર ખાન પણ ઓક્ટોબર-નવેમ્બર 2010 દરમિયાન ભારતીય ઝડપી બોલરોમાં નંબર 3 પર હતા.
બુમરાહ ટેસ્ટ બોલરોની રેન્કિંગમાં ટોચ પર પહોંચનારો ભારતનો ચોથો ખેલાડી છે. આ પહેલા બિશન સિંહ બેદી, અશ્વિન અને રવિન્દ્ર જાડેજા રેન્કિંગમાં ટોચ પર પહોંચવામાં સફળ રહ્યા છે. બુમરાહ પાસે હવે 881 રેટિંગ પોઈન્ટ છે, જ્યારે અશ્વિન (904) અને જાડેજા (899) એવા ભારતીય બોલર છે જેમણે વધુ રેટિંગ પોઈન્ટ એકત્રિત કર્યા છે. માર્ચ 2017માં અશ્વિન અને જાડેજા સંયુક્ત રીતે ટોચ પર હતા.