સુરત: રાજ્યમાં વિધાનસભાની અમુક બેઠકો એવી છે, જેના પર કોઇ ચોક્કસ પરિવાર કે નેતાનો જ અધિકારી હોય તેમ વરસોથી તેની સતત જીત થતી આવી છે. આવી જ બેઠક જસદણ-વિછીયા છે. આ બેઠક પર વર્ષ-1995થી 2017 સુધી કુંવરજી બાવળિયાનો દબદબો છે. 2009માં કુંવરજી બાવળિયા સાંસદ બન્યા એટલે ધારાસભ્ય તરીકે 2012માં તેના જ અંગત ભોળાભાઇ ગોહેલને ટિકિટ આપી હતી અને જિત્યા હતા. પરંતુ 2014માં કુંવરજી સાંસદની બેઠક પરથી હારી જતાં 2017માં ફરી કોંગ્રેસે ટિકિટ આપી અને જીતી ગયા સીધી રીતે આ બેઠક કબજે કરવામાં ભાજપની મહેનત નિષ્ફળ રહેતા આખરે ભાજપે કુંવરજીને જ ભાજપમાં લઇ લીધા અને પેટા ચૂંટણીમાં પણ ભાજપ જિત્યુ, પરંતુ તે જીત પક્ષપલટા છતાં કુંવરજીની હતી. હવે આ વખત કુંવરજી ભાજપના ઉમેદવાર છે, અને કોંગ્રેસે તેના ચેલા ભોળાભાઇ ગોહેલને મેદાનમાં ઉતાર્યા છે. વળી, અહીં આપના ઉમેદવાર તેજસ ગાજીપરા પણ યુવા પાટીદાર ઉમેદવાર છે. જો કે, તેની સામે પાર્ટીમાં જ વિરોધ થયો હતો. ત્રિપાંખિયા જંગમાં કુંવરજીનો દબદબો યથાવત રહે છે કે નહીં તેના પર રાજકીય પંડિતોના મીટ મંડાઇ છે.
જસદણ બેઠક પર કોળી સમાજનું પ્રભુત્વ : મતોનું સમીકરણ
જસદણ બેઠક પર સૌથી વધુ 35 % કોળી સમાજનું પ્રભુત્વ રહેલું છે. જ્યારે બીજા નંબર પર 20 % લેઉવા પાટીદાર સમાજનું પ્રભુત્વ રહેલું છે અને બાકીના 45 % પર અન્ય સમાજનું પ્રભુત્વ રહેલું છે. તેથી કોળી સમાજના દિગ્ગજ નેતા કુંવરજી બાવળિયાનું અહીં 27 વર્ષથી એકચક્રી શાસન છે. જો કે, વચ્ચે બે વખત જસદણ વિધાનસભા બેઠક પર ભાજપ જિત્યુ હતું. પરંતુ તે બંને પેટા ચૂંટણી હતી, તેમાં પણ એક પેટા ચૂંટણીમાં તો કુંવરજી જ ભાજપના ઉમેદવાર હતા. જો કે, 2017ની ચૂંટણીમાં કુંવરજીની જીતનું માર્જીન માત્ર 9277 હતું. તેથી આ બેઠક પર કટોકટીનો જંગ છે. છેલ્લી પેટા ચૂંટણીથી લઈને અત્યાર સુધીમાં છેલ્લાં 4 વર્ષમાં કુલ 24 હજાર નવા મતદારોનો ઉમેરો થયો છે. ડિસેમ્બર-2022ની સામાન્ય ચૂંટણી માટે કુલ 2,56,289 મતદાર નોંધાયેલા છે. જેમાં કોળી સમાજ 35 %, લેઉવા પટેલ સમાજ 20 %, દલિત સમાજ 10 %, લઘુમતી સમાજ 7 %, કડવા પટેલ સમાજ 7 %, ક્ષત્રિય સમાજ 8 %, અન્ય સમાજ 13 %ને સમાવેશ થાય છે.
જસદણ બેઠકનો રાજકીય ઇતિહાસ
જસદણ બેઠકનો રાજકીય ઇતિહાસ ઘણો જ રસપ્રદ રહ્યો છે. અત્યાર સુધીના ઇતિહાસમાં એક જ વખત કોંગ્રેસની ટિકિટ પર કાઠી દરબાર સમાજના નેતા શિવરાજ ખાચર અહીંથી ચૂંટણી જિત્યા હતા. રસપ્રદ બાબત એ છે કે, બેઠક પર કાઠી દરબાર મતદારો ફક્ત ૭ હજાર જેટલા જ છે. ૧૯૮૫ની ચૂંટણીમાં કુંવરજી બાવળિયા જનતા દળમાંથી ચૂંટણી લડ્યા હતા, પણ કોંગ્રેસના ભીખાભાઈ સામે કુંવરજીભાઈનો પરાજય થયો હતો. જનતાદળ અને કોંગ્રેસનું વિલિનીકરણ થતાં કુંવરજી કોંગ્રેસમાં જોડાયા હતા ને જીતતા રહ્યા હતા. કુંવરજીભાઈ ભાજપમાં જોડાતાં આ બેઠક પર છેલ્લી ચૂંટણીમાં ભાજપ જિત્યુ હતું.