વિશ્વના અર્થતંત્રમાં કદી ન જોયેલી ઊથલપાથલ થઈ રહી છે, જેમાં જાપાન પણ જોડાયું છે. જાપાને વ્યાજના દર લગભગ શૂન્ય રાખવાના તેના ૩૦ વર્ષના મુખ્ય વલણને તોડી નાખ્યું છે, જેનાથી વિશ્વભરનાં બજારો હચમચી ગયાં છે. જાપાનનો વ્યાજનો દર વધીને ૨.૮ ટકા થયો છે, જે એક સમયે નફાકારક ગણાતા યેન કેરી ટ્રેડ માટે ખતરો ઊભો કરે છે. દાયકાઓ સુધી જાપાનના ખૂબ જ ઓછા વ્યાજ દરો વિશ્વભરનાં રોકાણકારો માટે નાણાં ઉછીના લેવાનો સૌથી સસ્તો રસ્તો હતો.
મોટી નાણાં સંસ્થાઓએ ઓછા વ્યાજ દરે અબજો યેન ઉધાર લીધા હતા અને તેનું અમેરિકા અને ભારત જેવા ઉચ્ચ ઉપજ આપતાં બજારોમાં રોકાણ કર્યું હતું. હવે જાપાનના આ યેમ જાપાનમાં પાછા ફરી રહ્યા છે, જેને કારણે વિશ્વભરમાં આંચકા અનુભવાઈ રહ્યા છે. આ દેશોના બોન્ડ અને શેરબજારોએ ૪ ટકાથી ૮ ટકા સુધી વળતર આપ્યું હતું. આ તફાવત નોંધપાત્ર નફો આપતો હતો. આ વૈશ્વિક યેન કેરી ટ્રેડ હવે સમાપ્ત થઈ રહ્યો છે. ૧૯ નવેમ્બરના રોજ, જાપાનનો ઉધાર દર ૨.૮ ટકાના ૩૦ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. જો આ દર ૩ ટકાને વટાવી જાય તો જાપાનનું દેવું બેકાબૂ બની જશે. આ દેવું પહેલાંથી જાપાનના GDP ના અઢી ગણા જેટલું ઊંચું છે.
પ્રશ્ન એ ઊભો થાય છે કે જાપાન અચાનક આવું કેમ કરી રહ્યું છે? તેનું કારણ ફુગાવો છે. ૨૫ વર્ષમાં પહેલી વાર જાપાનનો ફુગાવાનો દર ૨.૫ ટકાથી વધુ થઈ ગયો છે, છતાં લોકોનું વાસ્તવિક વેતન યથાવત્ રહ્યું છે. હવે, માંગને કાબૂમાં રાખવા અને કિંમતને નિયંત્રિત કરવા માટે બેંક ઓફ જાપાનને વ્યાજનો દર વધારવાની ફરજ પડી છે. જાપાને દરોમાં વધારો કર્યો હોય તેવું આ પહેલી વાર નથી. ઓગસ્ટ ૨૦૨૪ માં જ્યારે દરોમાં થોડો વધારો કરીને ૦.૨૫ ટકા કરવામાં આવ્યો હતો, ત્યારે વ્યાપક ગભરાટ ફેલાયો હતો. નિક્કી (જાપાનનો શેરબજાર સૂચકાંક) તે દિવસે ૧૨ ટકા ઘટ્યો હતો. જો કે, તે પછીથી સુધર્યો હતો. આ તાજેતરનો વધારો ઘણો ગંભીર છે.
જાપાનના વ્યાજ દરમાં વધારા અને તેની શૂન્ય વ્યાજ દર નીતિના અંતનો ભારત માટે મુખ્ય અર્થ એ છે કે સસ્તી મૂડીની ઉપલબ્ધિ ઘટી શકે છે. આનાથી જાપાની રોકાણ પ્રવાહ પર અમુક અંશે નકારાત્મક અસર પડી શકે છે. છેલ્લાં ૩૦ વર્ષથી જાપાનની શૂન્ય વ્યાજ દર નીતિએ રોકાણકારોને સસ્તા દરે યેનમાં ઉધાર લેવાની અને ભારત જેવા ઉચ્ચ ઉપજ આપતાં બજારોમાં રોકાણ કરવાની સવલત આપી હતી. હવે જ્યારે જાપાનમાં વ્યાજ દરો વધ્યા છે ત્યારે રોકાણકારો માટે પોતાના દેશમાં રોકાણ કરવું અથવા તેમના ભંડોળને જાપાનમાં પાછા ખસેડવાનું વધુ આકર્ષક બની શકે છે. આનાથી ભારતીય શેર બજારોમાં જાપાની રોકાણની ગતિ ધીમી પડી શકે છે.
જાપાન સરકારનું દેવું હવે લગભગ ૧ ક્વાડ્રિલિયન યેન સુધી પહોંચી ગયું છે. ક્વાડ્રિલિયન એટલે ૧ પછી ૧૫ શૂન્ય. આ રકમ ૧,૦૦૦ ટ્રિલિયન યેન છે. ડોલરની દૃષ્ટિએ તે લગભગ ૮.૭ ટ્રિલિયન ડોલર જેટલી છે. આ દેવું જાપાનના અર્થતંત્રના કદ કરતાં લગભગ અઢી ગણું મોટું છે. જાપાનમાં રોકાણકારો અચાનક યેન અને સરકારી બોન્ડ મોટા પાયે વેચી રહ્યા છે. આનાથી ઉધાર ખર્ચ રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. આ ઘટાડાએ જાપાનના શેરબજારને પણ હચમચાવી નાખ્યું છે. નવા વડા પ્રધાન સના તાકાઈચીએ એક મોટા ઉત્તેજના પેકેજની જાહેરાત કરી છે, જેને કોવિડ પછીનું સૌથી મોટું રાહત પેકેજ માનવામાં આવે છે. બજારમાં એવો ભય છે કે આ પેકેજ વધુ દેવાં તરફ દોરી જશે. આનાથી જાપાનના પહેલાંથી જ તણાવગ્રસ્ત અર્થતંત્ર પર દબાણ વધશે.
જાપાનમાં વીમા કંપનીઓ સતત સુપર-લોંગ બોન્ડ વેચી રહી છે. ઓક્ટોબરમાં આ વેચાણ ૨૦૦૪ પછી સૌથી લાંબા સમયગાળા સુધી રહ્યું. બીજી તરફ, વિદેશી રોકાણકારોએ પણ તેમની ખરીદી ધીમી કરી દીધી છે. આને કારણે બોન્ડ માર્કેટમાં સપોર્ટ અદૃશ્ય થઈ ગયો છે. બેન્ક ઓફ જાપાન હવે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. જો તે વ્યાજ દર વધારશે, તો રાજકીય દબાણ વધશે. જો તે વ્યાજ દરમાં વધારો નહીં કરે તો યેન વધુ ઘટશે. બેંકે કહ્યું છે કે જો ઉપજ ખૂબ વધારે વધે તો તે દરમિયાનગીરી કરશે, પરંતુ આમ કરવાથી બોન્ડ ખરીદવા માટે વધુ યેન છાપવાની જરૂર પડશે, જેનાથી યેન વધુ નબળો પડશે. અર્થતંત્ર પહેલાંથી જ આવા નબળા યેનથી પીડાઈ રહ્યું છે.
યેન કેરી ટ્રેડ એ એક વ્યૂહરચના છે, જેમાં રોકાણકારો જાપાન પાસેથી ખૂબ જ ઓછા દરે નાણાં ઉછીના લે છે અને તેને અન્ય દેશોમાં રોકાણ કરે છે, જે ૪ થી ૫ ટકાના વ્યાજ દર આપે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ રોકાણકાર ૦.૧ ટકાના દરે ૧૦,૦૦૦ યેન ઉધાર લે છે, તેને ડોલરમાં રૂપાંતરિત કરે છે અને તેને ૪.૨૫ ટકા વ્યાજ ઓફર કરતાં બોન્ડમાં રોકાણ કરે છે, તો તેમને વ્યાજ દરના તફાવતમાંથી નોંધપાત્ર નફો મળે છે. યેન કેરી ટ્રેડ વૈશ્વિક નાણાંકીય વ્યવસ્થાનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે, તેથી તેનું ઊલટું થવું એ ફક્ત જાપાન માટે સમસ્યા નથી. ઘણા દેશોના ભંડોળ, બેંકો અને હેજ ફંડો પણ તેમાં સામેલ છે અને હવે તેની સીધી અસર તેમના પર થઈ રહી છે. નિષ્ણાતો ચેતવણી આપે છે કે જો જાપાનમાં કટોકટી વધશે તો તે અમેરિકાના અને યુરોપિયન બજારોમાં વધુ ઊથલપાથલ તરફ દોરી શકે છે. વધતા વૈશ્વિક જોખમો ઊભરતા એશિયન દેશોને પણ દબાણ હેઠળ લાવી શકે છે, જે આગામી અઠવાડિયાને બહુ જ મહત્ત્વપૂર્ણ બનાવી શકે છે.
જો યેન વધતા વ્યાજ દરો સાથે મજબૂત થાય છે, તો કેરી ટ્રેડનું નુકસાન બમણું થાય છે. ઉદાહરણ તરીકે, જો એક ડોલર પહેલાં ૧૫૦ યેન મળતા હતા, પરંતુ હવે તેના ૧૪૦ યેન મળે છે, તો રોકાણકારને ભંડોળની આપ-લે કરતી વખતે નુકસાન થશે. વર્તમાન પરિસ્થિતિ એવી છે કે ઉધાર ખર્ચ, વિનિમય દરમાં અસ્થિરતા અને વળતરમાં નુકસાન બધું એકસાથે આવી ગયું છે. પરિણામે રોકાણકારોએ પૈસા ઉપાડવાનું શરૂ કર્યું છે, જેના કારણે બજારમાં તીવ્ર ઘટાડો થયો છે.
જાપાને ત્રણ મુખ્ય કારણોસર આ પગલું ભર્યું છે. એક, ફુગાવાને નિયંત્રિત કરવો, બે, નબળા અર્થતંત્રને સ્થિર કરવું અને ત્રણ, વધતા દેવાનું સંચાલન કરવું. શૂન્ય વ્યાજના નિયમને કારણે સસ્તી લોનની નીતિએ લાંબા ગાળે અર્થતંત્રને ધીમું કરી દીધું હતું. જ્યારે આ નીતિ બિનઅસરકારક બનવા લાગી, ત્યારે વ્યાજ દરમાં વધારો કરવો જરૂરી બન્યો હતો. હવે એવો ભય છે કે જો વ્યાજ દર વધશે તો યેન વધુ અસ્થિર બનશે, લોન વધુ મોંઘી થશે અને અર્થતંત્ર દબાણ હેઠળ આવશે. જાપાનની લાંબા સમયથી ચાલતી શૂન્ય વ્યાજ દર નીતિ હવે કામ કરી રહી ન હતી. ફુગાવો સતત વધી રહ્યો હતો અને ભાવ સ્થિરતા જાળવવી મુશ્કેલ બની રહી હતી. તેથી, બેંક ઓફ જાપાને વ્યાજ દરોમાં વધારો કરીને સંકેત આપ્યો કે ફુગાવાને નિયંત્રિત કરવો સર્વોપરી છે.
કેટલાંક વિદેશી રોકાણકારો શેરો ખરીદી રહ્યાં છે, પરંતુ બોન્ડ માર્કેટ હજુ પણ ઉદાસ છે. ઘણા પોર્ટફોલિયો મેનેજરો કહી રહ્યા છે કે આ વાતાવરણમાં JGBs (જાપાની સરકારી બોન્ડ) ખરીદવાનું કોઈ કારણ નથી. જો ઉપજ વધુ વધે, તો કેટલાંક સ્થાનિક ખરીદદારો પાછાં આવી શકે છે, પરંતુ ત્યાં સુધી અનિશ્ચિતતા ચાલુ રહેશે. આ જાપાની બોન્ડ થ્રિલરનો ફક્ત પહેલો ભાગ છે.
વાસ્તવિક વળાંક ત્યારે જોવા મળશે જ્યારે બેન્ક ઓફ જાપાન અને સરકાર અર્થતંત્રને ટેકો આપવા માટે કયાં જોખમો લેવાં તે નક્કી કરશે. જાપાનની સેન્ટ્રલ બેંક સૌથી વધુ કટોકટીનો સામનો કરી રહી છે, કારણ કે બજાર ઉપજને નિયંત્રિત કરવાના તેના પ્રયાસો નબળા પડી રહ્યા હોય તેવું લાગે છે. નીચા વ્યાજ દર જાળવી રાખવા એ બેંક ઓફ જાપાનની અગાઉની નીતિઓનો મુખ્ય આધારસ્તંભ રહ્યો છે, પરંતુ વૈશ્વિક બોન્ડ દરમાં વધારો થવાથી હવે તેના પર દબાણ વધ્યું છે.
IMF અને અનેક વૈશ્વિક સંસ્થાઓએ ચેતવણી આપી છે કે જો જાપાનની નીતિ બદલાય છે, તો વૈશ્વિક બજારોમાં અસ્થિરતા વધી શકે છે.
આનું કારણ એ છે કે જાપાન વિશ્વના સૌથી મોટા ધિરાણકર્તા દેશોમાંનો એક છે. જો રોકાણકારો નાણાં પાછાં ખેંચી લે તો તેની અસર સમગ્ર વિશ્વમાં અનુભવાશે. ઘણા દેશોનાં ચલણો નબળાં પડશે અને વિદેશી દેવાની કિંમત વધશે, જે આર્થિક દબાણમાં વધારો કરી શકે છે. આ તે વ્યૂહરચના હતી જેણે ઘણાં વર્ષોથી વિશ્વભરનાં બજારોમાં પ્રવાહિતા જાળવી રાખી હતી. હવે ઘણા દેશો મોંઘાં દેવાં, નબળાં ચલણો અને ઓછા રોકાણનો સામનો કરી રહ્યા છે. જો આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો વૈશ્વિક અર્થતંત્ર ધીમું પડી શકે છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.