નવ સ્પંદન, આત્મીયતાને સર્જકો અવનવી રીતે રજૂ કરતાં હોય છે. આ કળા પાષાણ યુગથી માનવીએ વિકસાવી છે. પથ્થરોમાં કોતરીને પોતાની સર્જકતા અમર બનાવી છે પણ આધુનિક યુગમાં આત્મીયતાને કેમેરામાં ઝીલી તેની શ્રેણી બનાવવી તે પણ અલગ અલગ અંદાઝમાં અને વાસ્તવિકતા ઉપસાવવા ક્ષણ માટે બિલકુલ શ્વાસ લીધા વગર! હારૂહિકો કાવાગુચી નાઈટ કલબોમાં કમર્શ્યલ ફોટોગ્રાફર તરીકે જતો તે યુગલોના ફોટા પાડી કમાણી કરતો. તેની લાક્ષણિકતા અને કલાત્મકતા તેને બીજા ફોટોગ્રાફરોથી વિશેષ તક મેળવી આપતી. તેમાંથી તેને પ્રોત્સાહન મળ્યું.
તેણે કમાણી સાથે કીર્તિ મળે તેવી થીમ આધારિત ફોટોગ્રાફી પર ધ્યાન કેન્દ્રિત કર્યું! પરિણામો અને અરમાન તેને આત્મીયતાની અલગ દુનિયામાં ખેંચી લાવ્યા. જ્યારે આ શ્રેણી શરૂ કરી ત્યારે કેટલાક નજીકના મિત્રો પર પ્રયોગ કર્યો. તેમના શ્વાસને અટકાવી ફોટો પાડવાનો અભ્યાસ કર્યો. તેને અનોખા પ્રયત્નમાં અણધારી સફળતા મળી! તેને જાણવા મળ્યું કે લગભગ 15 સેકન્ડ બેગમાં રહી શ્વાસ અટકાવી સરસ હાવભાવ સાથે લાગણીનું પ્રતિબિંબ ઝીલી શકાય છે! ત્યાર બાદ દશ સેકન્ડનો નિયમ સેટ કર્યો. સીલ કરી શકાય તેવી બેગની અંદર પુરાયેલાં પ્રેમીઓની ઘનિષ્ઠ છબીઓ લીધી! ફોટોગ્રાફર હારૂહિકો કાવાગુચી કલાત્મક ફોટોગ્રાફી માટે જાણીતા હતા. તેમણે ફોટોગ્રાફીને ચોક્કસ વિષયમાં વાળી, થીમ ધ્યાનમાં રાખી એક અલગ ઓળખ બનાવી છે. તેમનો વિષય આત્મીયતાની શોધ છે જે મહત્ત્વાકાંક્ષામાં પલટાયો. તે શૂન્યાવકાશમાં માનવીય આત્મીયતાની શોધ કરવા માટે યુગલો, પરિવારો અને ક્યારેક આખા ઘરોને પ્લાસ્ટિકમાં લપેટી નાખે છે!
ફોટામાં માનવીય આત્મીયતાને તેના ઘણા સ્વરૂપોમાં દર્શાવવાનો હેતુ છે. હારૂહિકો કાવાગુચીએ પરિવારના પ્રેમનું દ્રશ્ય એક કુટુંબને નિકટ લાવી એક અસામાન્ય સ્થિતિમાં આબાદ ફોટો ઝીલ્યો છે. તસવીરમાં પ્લાસ્ટિકમાં લપેટાયેલાં પરિવારે અસાધારણ રીતે એર પેક બેગમાં વેક્યુમ-સીલમાં પોઝ આપ્યો છે!
કાવાગુચીનાં આકર્ષક ચિત્રો ઘણા પરિવારો માટેના સ્મારક ફોટા બની ગયા છે, તે તેમની શ્રેણી ‘ફ્લેશ લવ’નો એક ભાગ છે, પ્લાસ્ટિકમાં સંકોચાઈને માનવ આત્મીયતા શોધવાનું લગભગ બે દાયકાથી પગ માંડતું અને સિધ્ધિ તરફ આગળ વધતું મિશન છે!
‘ફ્લેશ લવ ઓલ’ શીર્ષકવાળી તેની શ્રેણીમાં નવીનતમ ઇન્સ્ટોલેશનમાં તે યુગલોને, તેમના પરિવારોને અને તેમનાં મનગમતાં સૌથી મહત્ત્વપૂર્ણ સ્થાનો જેમ કે તેમના ઘરો, ખાસ બેઠકો, વૃક્ષો, કાર અને મોટરબાઈકથી ભરેલાં પોઝ કસ્ટમ-મેઇડ પ્લાસ્ટિક શીટ્સમાં સમાવી લઈ નિતનવા ફોટાનું આલ્બમ બનાવી આપે છે! કમ્પ્યુટરની કમાલ ઉમેરતાં ફોટોગ્રાફર હેલ નામથી હવે ઓળખાતાં કાવાગુચીએ તેના ફોટા મુખ્યત્વે પ્રેમની આસપાસ પારિવારિક આત્મીયતા તરફ સ્થાનાંતરિત થયું છે, ત્યારે તેનું ધ્યેય એક જ રહે છે: માનવીય જોડાણને તેના ઘણા સ્વરૂપોમાં દર્શાવવાનું!
જે બહારની દુનિયા સાથેના જોડાણનો સંદેશ ધરાવે છે અને દરેક વસ્તુ માટે સમાન રીતે પ્રેમ વ્યક્ત કરે છે, તે સામાજિક જોડાણને રજૂ કરવા માટે પૃષ્ઠભૂમિમાં બધું પેક કરે છે જે વિષયો બહારની દુનિયા સાથે છે! આ કામ સહેલું નથી. કસ્ટમ રેપ્સ બનાવવામાં અને એક જ ઇમેજ સેટ કરવામાં બે અઠવાડિયા લાગે છે, જ્યારે અંતિમ ફોટો શૂટ માટે લગભગ સાત લોકોની મદદની જરૂર પડે છે. આમ કરવા માટે સહાયકો હંમેશાં બેગ સાથે તૈયાર હોય છે. તેમની સાથે પોર્ટેબલ ઓક્સિજન ટાંકી પણ રાખે છે, તેમ જ ઉનાળામાં ગરમ ફોટો શૂટ દરમિયાન વાતાવરણ ઠંડું રાખવા માટે સ્પ્રે પણ રાખે છે.‘ફ્લેશ લવ રિટર્ન્સ’ માટે કાવાગુચીએ યુગલોને માટે અર્થપૂર્ણ હોય તેવાં સ્થળોએ ફોટોગ્રાફસ લીધા છે. તે બધા જાણે છે કે હવાચુસ્ત બેગમાં એક સાથે અંદર બંધ રહેવું કેટલું ગૂંગળામણ જેવું લાગે છે કારણ કે તેણે જાતે જ તેનો પ્રયાસ કર્યો છે. તે ક્ષણ એવી હોય છે જ્યારે એવું મહેસૂસ થાય કે જીવન અને મૃત્યુ સંપૂર્ણપણે અન્ય લોકો દ્વારા નિયંત્રિત છે! ખરેખર વિસ્મય અનુભવ હોય છે જ્યારે લોકો આવા વિષયને ફલિત કરવા તેમના જીવનને ક્ષણ માટે દિલથી સોંપે છે! કહેવાય છે ને કે એક ચિત્ર હજાર શબ્દોનું વર્ણન કરી શકે, પ્રેમ કે લાગણીને પ્રદર્શન ન બનાવતાં તેમાં અર્થપૂર્ણ વિવિધતા જોડી હારૂહિકો કાવાગુચીએ એક નવી ભાત જગત સામે રજૂ કરી છે પ્રેમ વ્યક્ત કરવો તે પણ પ્લાસ્ટિકના પડમાં શ્વાસ લીધા વગર વિશ્વાસ વ્યક્ત કરવાં જેવું અઘરું કામ છે. હાલ તો કેમેરાના હઠયોગી નવી પ્રેમની શ્રેણી રજૂ કરવાની તજવીજમાં છે! નિકટ આવવું એ પ્રેમ નથી, નિકટ છીએ તે વ્યક્ત કરવા યુગલો આ રમતમાં પુરાશે! – મુકેશ ઠક્કર