World

જાપાનના તબીબોએ ફેફસાંના ટિસ્યુનું ટ્રાન્સપ્લાન્ટ કરી કોરોના સામે લડવાનો નવો રસ્તો શોધી કાઢ્યો

આખા વિશ્વને કોરોના ( corona ) એ હચમચાવી નાખ્યું છે. દોઢ વર્ષથી કોરોના લોકોનો ભોગ લઈ રહ્યો છે પરંતુ તેની સામેનો અકસીર ઈલાજ હજુ સુધી શોધી શકાયો નથી. જેને કોરોના થાય છે અને જો તે દર્દીના ફેફસાં ઈન્ફેકશનને કારણે વધારે ડેમેજ થઈ ચૂક્યા હોય તો તેવી વ્યક્તિને ભાગ્યે જ બચાવી શકાય છે. વિશ્વમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે લાખો લોકો મોતને ભેટી ચૂક્યા છે. કોરોના સામેની વેક્સિન શોધવામાં આવી છે પરંતુ હજુ સુધી વેક્સિનેશન ( vaccination ) દ્વારા કોરોનાને અટકાવી જ શકાય તેવો કોઈ દાવો કરી શકતું નથી. આ સંજોગોમાં જાપાનના ડોકટરોએ જે રીતે કોરોના થઈ જવાને કારણે ફેફસાં ખરાબ થઈ ગયા હોવા છતાં દર્દીને બચાવી લીધો તે કાબિલે તારીફ છે. જાપાનની ( japan ) આ ટેકનિકે વિશ્વમાં કોરોના ગમે તેટલો ગંભીર હોવા છતાં દર્દીને બચાવી શકાય છે તેવો વિશ્વાસ અપાવ્યો છે. જાપાનની આ ટેકનિકને આખા વિશ્વએ અપનાવી લેવાની જરૂરીયાત છે. હાલના સંજોગોમાં જો ફેફસાં ખરાબ થઈ ગયા હોય તો તેવા દર્દીને બચાવી શકાતો નથી. પરંતુ આ ટેકનિકને કારણે હવે તબીબોને નવો વિશ્વાસ ઉભો થયો છે. ખાસ કરીને ભારતના તબીબોએ આ ટેકનિકનો ઉપયોગ કરવો જોઈએ.

જાપાનના ડો. હિરોશી ડેટની આગેવાનીમાં કોરોનાના દર્દી પર આ સર્જરી કરવામાં આવી હતી. જેમાં ગંભીર રીતે કોરોનાથી પિડાતા દર્દીના ફેફસાં ખરાબ થઈ ગયા હતાં. આ દર્દીને બચાવવું મુશ્કેલ થઈ ગયું હતું. પરંતુ આ મહિલા દર્દીના પતિ અને તેના પુત્રએ પોતાના ફેફસાંના ટિસ્યુ ડોનેટ કર્યાં. ડોકટરોએ આ ટિસ્યુનો ઉપયોગ કરીને મહિલાના ફેફસાંના ટિસ્યુ ટ્રાન્સપ્લાન્ટ કરી નાખ્યાં. જાપાનની ક્યોટો યુનિવર્સિટી હોસ્પિટલમાં 11 કલાક સુધી આ સર્જરી કરવામાં આવી હતી. સર્જરી બાદ દર્દી અને ટિસ્યુ આપનારા તેના સંબંધી ડોનરોની તબિયત હાલમાં સારી છે. પતિએ ડાબા અને પુત્રએ જમણાં ફેફસાંના ટિસ્યુ આપ્યા હતાં. આ ટિસ્યુના આધારે નવા ફેફસાં વિકસાવવામાં આવ્યા અને બાદમાં તેનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. આશરે 30 જેટલા ડોકટરો દ્વારા આ સર્જરી કરવામાં આવી હતી.

દર્દીની સર્જરી બાદ ડો. હિરોશી ડેટએ જણાવ્યું હતું કે, આ સર્જરી માટે દર્દીની ઉંમર 65 વર્ષથી ઓછી હોવી જોઈએ. જ્યારે ડોનરની ઉંમર 20થી 60 વર્ષની હોવી જોઈએ. ફેફસાંના ટિસ્યુના ડોનેશન માટે 13 જેટલા માપદંડ નિયત કરવામાં આવ્યાં છે. આ માપદંડ પર ખરા ઉતરે તો ટિસ્યુ ડોનેટ કરી શકાય છે. આ પ્રક્રિયામાં બે લોબ ટ્રાન્સપ્લાન્ટ કરાય છે એટલે ડૉનર અને રેસિપિયન્ટના ઓર્ગનનની સાઈઝ પણ મેચ થવી જરૂરી છે. કોઈ બાળક માટે મોટી ઉંમરની વ્યક્તિનું લોબ મોટું પડે છે. જો લોબ મોટું હોય તો ટ્રાન્સપ્લાન્ટ કર્યા બાદ છાતીનો ભાગ ફરી બંધ કરવો મુશ્કેલ બની જાય છે. જેથી તે જોખમી બને છે. આજ રીતે મોટી ઉંમરની વ્યક્તિમાં નાનું લોબ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે તો પણ તકલીફ પડે છે.

તબીબોના કહેવા પ્રમાણે, કોઈનાં ફેફસાંનો એક ભાગ કાઢી દઈએ, તો તેનાથી જે તે ડોનરના શરીરમાં કોઈ ખાસ ફરક પડતો નથી. વ્યક્તિના ફેફસાંના બંને ભાગમાં અપર, મિડલ અને લૉઅર તેમજ ડાબા ભાગમાં અપર લોબ, લિંગુલા અને લૉઅર લોબ હોય છે. લોબમાં પણ અનેક સેગમેન્ટ હોય છે. આ ફેફસાંના જે ટિસ્યુ હોય છે તેનો ઉપયોગ કરીને તેને બીજાના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે. જે રીતે જાપાનના તબીબોએ આ સર્જરીમાં સફળતાં મેળવી તેવી રીતે ભારતના તબીબો પણ જો આ ટેકનિકનો ઉપયોગ કરે તો શક્ય છે કે ભારતમાં કોરોનાથી થતાં મોતના આંકડાને નિયંત્રિત કરી શકાય. સંભવ છે કે આ પ્રકારની સર્જરીમાં મોટો ખર્ચ થાય પરંતુ તેનું આયોજન સરકાર કરી શકે તેમ છે. જાપાનમાં જે દર્દી પર આ સર્જરી કરવામાં આવી તે દર્દી બે માસમાં હરતો ફરતો થઈ જશે. હાલના કોરોનાની ભારતમાં ગંભીર સ્થિતિ જોતાં ભારતના તબીબો અને સરકારે જાપાનમાં થયેલી આ સર્જરીને ગંભીરતાપૂર્વક લેવાની જરૂરીયાત છે.

Most Popular

To Top