World

જાપાનને મળશે પહેલી મહિલા વડાપ્રધાન, સંસદના ખાસ સત્રમાં ચૂંટણી થશે

જાપાનના રાજકારણમાં એક ઐતિહાસિક ક્ષણ નોંધાઈ છે. ભૂતપૂર્વ આર્થિક સુરક્ષા પ્રધાન સનાઈ તાકાઈચીએ શનિવારે શાસક લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP) ના પ્રમુખ માટે ચૂંટણી જીતી લીધી. તાકાઈચીને હવે જાપાનના પ્રથમ મહિલા વડા પ્રધાન બનવાનો માર્ગ લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.

કૃષિ મંત્રી શિંજીરો કોઈઝુમી સામેના બીજા તબક્કાના મતદાનમાં તાકાઈચીને 185 મત મળ્યા, જ્યારે કોઈઝુમીને 156 મત મળ્યા. ચૂંટણીના પ્રથમ રાઉન્ડમાં કોઈપણ ઉમેદવાર બહુમતી મેળવી શક્યા નહીં.

તાકાઈચીને સાંસદો તરફથી 149 અને પ્રાંતીય ચેપ્ટર તરફથી 36 મત મળ્યા, જ્યારે કોઈઝુમીને સાંસદો તરફથી 145 અને ચેપ્ટર તરફથી માત્ર 11 મત મળ્યા. પક્ષનું નેતૃત્વ મેળવવાનો આ તાકાઈચીનો ત્રીજો પ્રયાસ હતો.

જીત બાદ તાકાઈચીએ શું કહ્યું?
ચૂંટણી જીત્યા પછી તેણીએ કહ્યું, “ખુશ થવા કરતાં પણ વધુ,મને ખ્યાલ આવી રહ્યો છે કે આગળની સફર કેટલી મુશ્કેલ હશે. પાર્ટીનું પુનર્નિર્માણ ત્યારે જ શક્ય છે જો આપણને બધી પેઢીઓનો ટેકો મળે. હું મારા કાર્ય-જીવન સંતુલનનો ત્યાગ કરીશ અને ફક્ત કામ કરીશ.”

પહેલા તબક્કામાં પણ તાકાઈચી આગળ હતી
દરમિયાન કોઈઝુમીએ તાકાઈચીને અભિનંદન આપ્યા અને પાર્ટીને નવા પ્રમુખના નેતૃત્વ હેઠળ એક થવા વિનંતી કરી. તાકાઈચી પ્રથમ રાઉન્ડમાં 183 મતો સાથે આગળ રહી જ્યારે કોઈઝુમીને 164 મતો મળ્યા. મુખ્ય કેબિનેટ સચિવ યોશિમાસા હયાશી 134 મતો સાથે ત્રીજા સ્થાને રહ્યા.

સંસદ સત્રમાં વડા પ્રધાનની પસંદગી કરવામાં આવશે
વડા પ્રધાનની પસંદગી માટે ઓક્ટોબરના મધ્યમાં સંસદનું એક ખાસ સત્ર બોલાવવામાં આવશે. LDP-કોમેઇટો ગઠબંધન પાસે બંને ગૃહોમાં સંપૂર્ણ બહુમતી ન હોવા છતાં, વિપક્ષ એક સામાન્ય ઉમેદવાર પર સહમતિ સાધી શક્યું નથી. તકાઈચીની ચૂંટણી લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.

Most Popular

To Top