જાપાનમાં નવા વર્ષના પહેલા દિવસે સ્મારકો અને મંદિરોમાં ભારે ભીડ જોવા મળે છે. આ દરમિયાન લોકો પોતાનાં પૂર્વજોને યાદ કરે છે અને સારા દિવસો માટે પ્રાર્થના કરે છે. આ પરંપરાનો એક ભાગ છે. ૨૦૨૪ની પહેલી તારીખે પણ આવું જ વાતાવરણ હતું. પછી જમીનની નીચે એક હિલચાલ થઈ અને વિનાશક ભૂકંપ આવ્યો. ધરતીકંપ એ જાપાનની દિનચર્યાનો એક ભાગ છે અને ત્યાં દર વર્ષે સરેરાશ ૨,૦૦૦ થી વધુ ભૂકંપ આવે છે. જાપાનનાં નાગરિકો તેની સાથે જીવતાં શીખી ગયાં છે. ભૂકંપ બાદ સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી હતી. બાદમાં આ ચેતવણીનું સ્તર ઘટાડવામાં આવ્યું હતું. જો કે ખતરો ટળ્યો નથી. હજારો ઘરોમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે. એક લાખથી વધુ લોકોને સલામત સ્થળે ખસી જવા માટે કહેવામાં આવ્યું છે.
જાપાન નામનો દેશ સાત હજારથી વધુ ટાપુઓની સાંકળ છે, પરંતુ એવા ૪૦૦ ટાપુઓ છે, જ્યાં લોકો રહે છે. તેના નકશા પર પશ્ચિમ તરફ નોટો પેનિન્સુલા છે; એટલે કે એક છેડો જમીન સાથે જોડાયેલો છે અને બાકીનો છેડો પાણી સાથે જોડાયેલો છે. જાપાન ટેક્ટોનિક પ્લેટોના સંગમ પર આવેલું છે. કેટલીક વાર આ પ્લેટોમાં હલનચલન થાય છે, જેને કારણે ધરતીકંપો સમયાંતરે થાય છે. જાપાનમાં અચાનક ભૂકંપના આંચકા લોકોના સામાન્ય જીવનનો એક ભાગ બની ગયા છે.
જાપાનની આજની પેઢીએ ૧૩ વર્ષ પહેલાં ૧૧ માર્ચ ૨૦૧૧ના રોજ સૌથી મોટા ભૂકંપનો સામનો કર્યો હતો, જ્યારે આખી બે મિનિટ સુધી જમીન આ રીતે ધણધણી ઊઠી હતી. ત્યારે આખી જિંદગીમાં કોઈએ આવો અનુભવ કર્યો ન હતો. જાપાન ભૂકંપનું કેન્દ્ર હોવાથી જાપાનમાં ભૂકંપ મોનિટરિંગ સિસ્ટમ એકદમ મજબૂત અને અદ્યતન છે. જાપાનની મેટ્રોલોજીકલ એજન્સી (JMA) જાપાન પર છ સ્તરે સતત નજર રાખે છે. સુનામી ચેતવણી પ્રણાલી પણ આ એજન્સી હેઠળ કામ કરે છે. ધરતીકંપ મોનિટરિંગ સિસ્ટમ હેઠળ તે સિસ્મિક સ્ટેશનો સાથે છ પ્રાદેશિક વિસ્તારોનું નિરીક્ષણ કરે છે. JMA માત્ર ત્રણ મિનિટમાં ભૂકંપ અને સુનામીની ચેતવણીઓ જારી કરે છે.
જાપાનમાં ભૂકંપ અને સુનામીનું મુખ્ય કારણ તેનું સ્થાન છે. જાપાન પેસિફિક રિંગ ઓફ ફાયર સાથે આવેલું છે, જે વિશ્વમાં સૌથી વધુ સક્રિય ધરતીકંપ ટેક્ટોનિક પટ્ટો છે. લાઈવ સાયન્સના અહેવાલ મુજબ રિંગ ઓફ ફાયર એ પ્રશાંત મહાસાગરના કિનારે સ્થિત એક ઘોડાની નાળના આકારનો પ્રદેશ છે, જ્યાં વિશ્વના ઘણા ધરતીકંપો થાય છે અને જ્વાળામુખી ફાટી નીકળે છે. રિંગ ઓફ ફાયરની અંદર પેસિફિક પ્લેટ, યુરેશિયન પ્લેટ અને ઈન્ડો-ઓસ્ટ્રેલિયન પ્લેટ સહિત ટેક્ટોનિક પટ્ટાઓ સતત એકબીજા સાથે અથડાતા રહે છે, જેના કારણે ધરતીકંપ, જ્વાળામુખી, વિસ્ફોટ અને સુનામી થાય છે.
૨૦૧૧ માં ૯.૦ ની તીવ્રતાનો ભૂકંપ જાપાનમાં આવ્યો હતો એ તેનું પરિણામ હતું. આ સુનામીમાં જાપાનના ઉત્તર-પૂર્વીય દરિયાકાંઠાના પ્રદેશો બરબાદ થયા હતા, લગભગ ૧૮,૦૦૦ લોકો માર્યા ગયા હતા અને હજારો વધુ વિસ્થાપિત થયા હતા. તે સુનામીના મોજાંઓને કારણે ફુકુશિમા પાવર પ્લાન્ટમાં પરમાણુ મેલ્ટડાઉન થયું હતું, જેના કારણે સમુદ્રમાં રેડિયેશન ફેલાઈ ગયું હતું. ૧૯૮૬માં રશિયાના ચેર્નોબિલ પછીની આ સૌથી મોટી અણુ દુર્ઘટના હતી.
જાપાનની વર્તમાન પેઢીએ ૧૧ માર્ચ ૨૦૧૧ના રોજ તેમના જીવનના સૌથી ખરાબ ભૂકંપનો સામનો કર્યો હતો. બે મિનીટ સુધી જમીન એવી રીતે હલી ગઈ કે આખી જિંદગીમાં કોઈએ આવો અનુભવ કર્યો ન હતો. ભૂકંપના આ આંચકા આવતા જ રહ્યા. આ ઘટનામાંથી પસાર થનાર કોઈ પણ વ્યક્તિ ચોક્કસ કહી શકે છે કે તે સમયે તે ક્યાં હતો અને તે કેટલો ડરી ગયો હતો, પરંતુ વધુ ખરાબ પરિસ્થિતિઓ આવવાની હતી. ૪૦ મિનિટની અંદર પ્રથમ સુનામી દરિયાકાંઠે આવી. જાપાનના ઉત્તર-પૂર્વ કિનારે સેંકડો કિલોમીટર સુધી દરિયાની આસપાસની દિવાલો તોડીને શહેરો અને ગામડાંઓ સુધી તે પહોંચી ગઈ હતી. સેન્ડાઈ શહેર પર ફરતા હેલિકોપ્ટરે આ ઘટના લાઈવ ટી.વી. પર બતાવી હતી. આ દરમિયાન એક વધુ ભયાનક સમાચાર પ્રકાશમાં આવ્યા કે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પણ જોખમમાં છે. ફુકુશિમામાં દુર્ઘટના સર્જાઈ હતી અને લાખો લોકોને તેમના ઘર છોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ટોક્યો પણ સલામત માનવામાં આવતું ન હતું.
જાપાનમાં વર્ષ ૨૦૨૪ના પ્રથમ દિવસે એટલે કે સોમવારે આવેલા ભયાનક ભૂકંપ અને અસરગ્રસ્ત વિસ્તારોનાં દૃશ્યો જોઈને ઘણાં ગુજરાતીઓને વર્ષ ૨૦૦૧ની ૨૬મી જાન્યુઆરીએ ગુજરાત અને ખાસ કરીને કચ્છને ધમરોળી નાખનારો ભયાનક ભૂકંપ જરૂર યાદ આવ્યો હશે, જેમાં હજારો લોકોનાં મૃત્યુ થયાં હતાં. લાખોને બેઘર બનાવનારા કચ્છના ૬.૯ની તીવ્રતાના ભૂકંપ કરતાં પણ જાપાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર વધુ (૭.૬) હતી.
છતાં જાણકારોના મતે જાપાનનો આ આ ભૂકંપ દેશનું ઝાઝું કંઈ બગાડી શક્યો નથી. કચ્છના ભૂકંપની વાત કરીએ તો એ ૧૧૦ સેકન્ડ સુધી ચાલ્યો હતો. આ ભૂકંપ એટલો ભયાનક હતો કે તેમાં છ લાખ લોકો બેધર બન્યાં હતાં. અહેવાલો પ્રમાણે આ ભૂકંપના આંચકા ૭૦૦ કિલોમીટરના વિસ્તાર સુધી અનુભવાયા હતા. જાપાનના ભૂકંપમાં દેશને થયેલા નુકસાનની વાત કરીએ તો અત્યાર સુધી તેમાં ૫૮ લોકોનાં મૃત્યુ થયાંના અહેવાલ છે તેમજ હજારો જાહેર-ખાનગી મિલકતને નુકસાન થયું છે.
અહીં એ પણ વાત નોંધનીય છે કે ભૂકંપની ભયાનકતા માટે માત્ર રિક્ટર સ્કેલ પર દેખાતી તીવ્રતા જ ધ્યાનમાં લેવાતી નથી. જાપાનના ભૂકંપમાં દેશની જાહેર-ખાનગી સંપત્તિને ભારેખમ નુકસાન થવા છતાં મોટા ભાગની ઇમારતો અડીખમ ઊભી હતી. આ વાતને જાણકારો જાપાનની ઍન્જિનિયરિંગની સફળતાની અસાધારણ કહાણી ગણાવી રહ્યા છે. ભૂકંપ સમયના ધરતી ધ્રુજાવતાં વાઇરલ વિડિયોથી જાપાનમાં આવેલા આ ધરતીકંપની બિહામણી સ્થિતિનું અનુમાન લગાવી શકાય છે. તો આ સ્થિતિમાં સવાલ એ થાય છે કે આખરે જાપાનના પક્ષે એવાં તો કયાં પરિબળો કામ કરી ગયાં જે તેને ભૂકંપના ઝાઝા નુકસાનથી બચાવવા માટે ચાવીરૂપ સાબિત થયાં?
જાપાને લગભગ એક સદીના અનુભવે ભૂકંપ સામે લડવાની સચોટ ટેકનોલોજી વિકસાવી કાઢી છે. તે એન્જિનિયરિંગની સફળતાની અસાધારણ વાર્તા છે, જે એક સદી પહેલાં ૧૯૨૩ માં શરૂ થઈ હતી, જ્યારે ટોકિયોમાં વિનાશક ભૂકંપ આવ્યો હતો. ગ્રેટ કેન્ટો ભૂકંપ તરીકે ઓળખાતી આ ઘટના દરમિયાન શહેરનો મોટો ભાગ સમતળ કરવામાં આવ્યો હતો. યુરોપિયન શૈલીમાં બનેલી આધુનિક ઈંટની ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. આ અકસ્માત બાદ જાપાનનો પ્રથમ ભૂકંપ પ્રતિરોધક બિલ્ડીંગ કોડ બનાવવામાં આવ્યો હતો.
ત્યારથી તમામ નવી ઇમારતો માટે સ્ટીલ અને કોંક્રિટનો ઉપયોગ ફરજિયાત બન્યો હતો. તે જ સમયે લાકડાની ઇમારતો માટે જાડા બીમ હોવું ખૂબ જ મહત્વપૂર્ણ બન્યું હતું. જ્યારે પણ દેશમાં મોટા ભૂકંપનો સામનો કરવો પડે છે, ત્યારે નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને આ નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે. સૌથી મોટો ફેરફાર વર્ષ ૧૯૮૧માં જોવા મળ્યો હતો જ્યારે તમામ નવી ઇમારતો માટે નવા ભૂકંપના નિયમો લાગુ કરવામાં આવ્યાં હતાં. ૧૯૯૫ના કોબેના ભૂકંપ પછી તેમાં વધુ નિયમો ઉમેરવામાં આવ્યાં હતાં.
આ પગલાંની સફળતા ૨૦૧૧માં ૯.૦ની તીવ્રતાના ભયાનક ભૂકંપ પછી જોવા મળી હતી. આ એ જ પ્રકારનો ભૂકંપ હતો જે ૧૯૨૩માં જાપાનની રાજધાનીમાં અનુભવાયો હતો. વર્ષ ૧૯૨૩ માં ૧.૪ લાખ લોકો માર્યા ગયા હતા, જ્યારે વર્ષ ૨૦૧૧માં મોટી ગગનચુંબી ઈમારતો પડી ગઈ હતી, બારીઓ તૂટી ગઈ હતી પરંતુ કોઈ જાનહાનિ થઈ ન હતી. તે વખતે માત્ર સુનામીને કારણે હજારો લોકોના જીવ ગયા હતા, પરંતુ ભૂકંપને કારણે કોઈ લોકો મૃત્યુ પામ્યાં ન હતાં.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.