નવી દિલ્હી: જાપાન (Japan) પછી અમેરિકા (America) પૂરની (Flood) ચપેટમાં આવી ગયું છે. રવિવારે રાત્રે ન્યૂયોર્કની હડસન વેલીમાં ભારે વરસાદ (Rain) અને પૂરના કારણે એક વ્યક્તિનું મોત (Death) થયું હતું. લોકોના ઘર અને ઓફિસોમાં (Office) પાણી ભરાઈ ગયા છે. ભારે પૂરના કારણે અનેક રસ્તાઓ (Road) પર વાહનોની અવરજવર બંધ કરવી પડી હતી. ઘણા રસ્તાઓ પર લોકોની અવરજવર સંપૂર્ણપણે બંધ કરી દેવી પડી હતી. નેશનલ વેધર સર્વિસે દક્ષિણપૂર્વીય ન્યુ યોર્ક માટે પૂરની ચેતવણી જારી કરી આ સ્થિતને “ખતરનાક” તરીકે વર્ણવી છે.
સૂત્રો પાસેથી જાણકારી સામે આવી છે કે પૂરને કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. રોકલેન્ડ કાઉન્ટીના એક્ઝિક્યુટિવ એડ ડેએ ત્યાંના સ્થાનિક રહેવાસીઓને ભારે વરસાદ બંધ ન થાય ત્યાં સુધી જ્યાં સલામત હોય તેવા સ્થળે રહેવા સૂચના આપી છે. પૂરમાં ફસાયેલા લોકોને રેસ્કયુ કરવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગની ચેતવણી અનુસાર અન્ય સંવેદનશીલ વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ જવામાં આવી રહ્યા છે.
જાપાનમાં પણ ભારે વરસાદે તબાહી મચાવી છે. પૂરના પ્રકોપે સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિત સર્જાઈ છે. લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવાની ફરજ પડી છે. દક્ષિણ-પશ્ચિમ જાપાનમાં મુશળધાર વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલની સ્થિત સર્જાઈ છે જેમાં છ લોકો ગુમ થયાની જાણ થઈ છે. આ લોકોની શોધખોળ ચાલુ છે. આ ઉપરાંત ફસાયેલા 17 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવા માટે અપીલ કરવામાં આવી છે.
ક્યુશુ અને ચુગોકુ પ્રદેશોમાં પણ ભારે વરસાદનાં કારણે પૂરની સ્થિત સર્જાઈ છે આ સાથે ભૂસ્ખલનના અહેવાલો પણ છે. પૂર અને ભૂસ્ખલનના કારણે ધણાં રસ્તાઓ અવરોધાયા છે. રેલ્વે વ્યવસ્થાને પણ ભારે અસર થઈ છે. સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. જાપાનની હવામાન એજન્સીએ ફુકુઓકા અને ઓઇટા પ્રીફેક્ચરમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.