SURAT

90 વર્ષથી પ્રાયમસ અને કૂકરના રિપેરીંગમાં માસ્ટરી છે જનતા પ્રાયમસ વર્ક્સ પેઢીની

આજની નવી જનરેશનને તો કદાચ ખ્યાલ પણ નથી કે વાસણોને કલાઈ પણ થતી હોય છે. પણ જે લોકો 40-45 વર્ષની ઉંમરે પહોંચી ગયા છે તેમને હજી પણ યાદ હશે કે તેમના શેરી-મોહલ્લા, સોસાયટીમાં વાસણોને કલાઈ કરી આપનારા કારીગરો આવતા હતા. હવે તો વાસણો પણ ફેન્સી આવી ગયા છે કોટેડ અને કાંચના, સિરામિક, સ્ટીલના, પલાસ્ટિકના વાસણોનો જમાનો આવતા વાસણોને થતી કલાઈ કરાવવની વાત વીતી ગયેલો જમાનો થઈ ગયો છે. 90 વર્ષ પહેલા લાલગેટ વિસ્તારમાં એક દુકાનમાં ભઠ્ઠીમાં વાસણો કલાઈ કરાવવા દૂર-દૂરના વિસ્તારોથી લોકો આવતા.

પણ જમાનો આધુનિક બનતા ઘરના કિચનમાં વપરાતા વાસણોમાં આધુનિકતા પ્રવેશતા આ પેઢીએ પણ પોતાનો કલાઈનો વ્યવસાય બદલી પ્રાયમસ રિપેરીંગનો વ્યવસાય અપનાવી પોતાની આર્થિક સ્થિતિ ટકાવી રાખી પણ ગેસના ચૂલા, ઇલેક્ટ્રિક સગડીનો જમાનો આવતા પ્રાયમસ વપરનારો વર્ગ પણ ઘટી ગયો. ફરી આ પેઢીને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા ધંધો બદલવાની ફરજ પડી. આ પેઢીના વારસદારોએ કૂકર રિપેરીંગનો ધંધો અપનાવી લીધો. આ પેઢી એટલે જનતા પ્રાયમસ વર્ક્સ. ધંધો બદલ્યો પણ લોકોમાં વિશ્વાસના જે બીજ રોપેલા તેના કારણે આજે પણ દૂર-દૂરથી લોકો અહીં પોતાના કૂકર, ફ્રાય પેન, તવા રીપેરીંગ કરાવવા આવે છે. આ પેઢીનાં વર્તમાન સંચાલકો પાસેથી જાણીએ કે, આજે લોકો મલાઈદાર ધંધા અપનાવે છે ત્યારે આ પેઢી વાસણ રિપેરીંગના પોતાના ધંધાને શા માટે હજી પણ વળગી રહી છે? આ પેઢીનું ભવિષ્ય કેવું રહેશે? તે જાણીએ.

30-35 વર્ષથી પ્રાયમસ રીપેરીંગ બંધ કરી કૂકર રીપેરીંગ ચાલુ કર્યંુ: જયેશ કંસારા
આ દુકાનના ચોથી પેઢીનાં સંચાલક જયેશભાઇ કંસારાએ જણાવ્યું કે પહેલા છૂટથી કેરોસીન વપરાતું એટલે પ્રાયમસનું ચલણ હતું. પહેલાના સમયમાં તો ગેસના ચૂલાનો જમાનો નહીં હતો. વળી, લોકો ગેસ સળગાવતા પણ ડરતા. અમારી દુકાન પર અમરોલી, કોસાડ, છાપરાભાઠા, હજીરા, રાંદેર અને અન્ય દૂરના સ્થળો પરથી લોકો પ્રાયમસ રીપેર કરાવવા આવતા. જોકે, પછી તો પ્રાયમસના બદલે લોકો ગેસના ચૂલા પસંદ કરવા લાગતા. અમે 30-35 વર્ષથી સ્ટવ રિપેરીંગનું કામ છોડી દીધું. હું પોતે પણ એક સમયે જાતે પ્રાયમસ બનાવતો હતો અને પ્રાયમસનું રીપેરીંગ પણ કરતો હતો.

અમારો દીકરો જોબ કરે છે એટલે ભવિષ્યમાં પેઢીનું અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ છે: શિલ્પાબેન કંસારા
જયેશભાઈના પત્ની શિલ્પાબેને જણાવ્યું કે અમારો દીકરો સમીર બેંકમાં જોબ કરે છે. એટલે અમારી આ 90 વર્ષની પેઢીનું ભવિષ્ય કેવું રહેશે તેની સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. લોકો નવા-નવા ધંધા અપનાવે છે પણ અમે અમારા પૂર્વજોના આ ધંધાને હજી પણ યથાવત રાખ્યો છે. જ્યારે આ ધંધાની શરૂઆત થઈ ત્યારે પેઢીનું કોઈ નામ નહીં હતું. મારા દાદા સસરા જેકીશનદાસ કંસારાએ પેઢીને જનતા પ્રાયમસ વર્ક્સ નામ આપ્યું હતું. હવે અમે પ્રાયમસ રીપેર નથી કરતા છતાં પેઢીનું એ જ નામ યથાવત રાખ્યું છે. કેમકે, લોકો અમને પેઢીનાં આ નામથી જ ઓળખે છે.

કોરોનાકાળમાં દુકાનમાં બેસીને હું કૂકર રીપેરીંગનું કામ કરતો: સમીર કંસારા
પાંચમી પેઢીનાં સમીરભાઈ કંસારાએ જણાવ્યું કે કોરોના કાળના સમયમાં હું કૂકર રિપેરીંગનું કામ કરતો હતો. હું રિપેરીંગનું 50થી 60 ટકા કામ શીખી ચુક્યો છું. જોકે, હવે હું બેંકમાં જોબ કરું છું. અમારી આ દુકાનમાં 40-50 વર્ષથી વાસણોનું કલાઈ કામ બંધ થઈ ગયું છે. 2006માં સુરતમાં ભયંકર રેલ આવી હતી ત્યારે અમારી દુકાનમાં જરા સરખું પાણી ઘુસ્યું હતું. એટલે અમારા માલ-સામાનને કોઈ નુકસાન નહીં થયું હતું પણ 6 દિવસ દુકાન બંધ રહેવાને કારણે અમને આર્થિક ફટકો પડયો હતો.

લલ્લુભાઇ કંસારાએ આ પેઢીનો પાયો 1932માં નાખ્યો હતો
1932 એટલે કે 90 વર્ષ પહેલા વાસણોને કલાઈ કરવાના ધંધામાં શું કમાણી થતી હશે? ત્યારે તો આના-બે આનાનો જમાનો હતો. કોઈ ખાસ આવકની અપેક્ષા નહીં હોવા છતાં લલ્લુભાઈ પરસોત્તમભાઈ કંસારાએ નાની સરખી દુકાન કે જેમાં બે દુકાનની વચ્ચે છાપરાની દીવાલ હતી ત્યાં ભઠ્ઠી નાંખી લલ્લુભાઈ લોકોના કાંસાના, જર્મનના, પિત્તળ અને તાંબાના વાસણોને કલાઈ કરી આપતા. એ જાતે જ કલાઈ કરતા બીજા કોઈ કારીગર તેમની દુકાનમાં નહીં હતા. આર્થિક સ્થિતિ સારી નહીં હતી મજૂર જેવું જીવન જીવતા હતા.

પહેલાના સમયમાં લોકો પાનપેટી થેલીમાં રાખી સાથે લઈને ફરતા
એક સમય એવો હતો કે પ્રૌઢ લોકો પોતાની સાથે પાનપેટી લઈને ફરતા. પહેલાના લોકોમાં આવી જર્મન ધાતુની આકર્ષક બનાવટની પાનપેટી થેલીમાં રાખીને ફરવાનું પ્રચલન જોવા મળતું. જોકે, હવે પાનપેટીનો જમાનો નથી રહ્યો અમે પણ પાનપેટીના એ જમાનાની યાદો સાચવી રાખવા 40-50 વર્ષ જૂની પાનપેટી અને ફૂલદાની દુકાનમાં રાખી છે.

હું પર્વત પાટિયાથી અહીં કૂકર રીપેરીંગ માટે વર્ષોથી આવું છું: મનીષાબેન દૂધવાળા
પર્વત પાટિયા વિસ્તારમાં રહેતા મનીષાબેને જણાવ્યું કે હું 30-35 વર્ષથી જ્યારે પણ કૂકર બગડે તો તેના રીપેરીંગ માટે અહીં આવું છું. મારા નણંદ નાણાવટ વિસ્તારમાં રહે છે. એમને આ દુકાનમાં થતા રિપેરીંગના કામ પર વિશ્વાસ છે એટલે હું પણ અહીં જ રીપેરીંગ કરાવું છું. એવું નથી કે પર્વત પાટિયા વિસ્તારમાં રીપેરીંગની દુકાન નથી પણ અહીં થતું રીપેરીંગનું કામ વિશ્વસનીય છે.

પિતાનું નિધન થતા કિશોરચંદ્રએ ભણવાનું છોડ્યું અને જાતે પ્રાયમસ બનાવવાનું ચાલુ કર્યું
લલ્લુભાઇના પૌત્ર કિશોરચંદ્રએ 16-17 વર્ષની ઉંમરે તો ધંધો સંભાળી પણ લીધો હતો. તેઓ મેટ્રિકની પરીક્ષા આપી રહ્યા હતા ત્યારે જ તેમની માતાનું નિધન થતા કિશોરચંદ્રએ પરીક્ષા નહીં આપી અને ઘરે આવી ગયા હતા. પિતા જેકીશનદાસનું નિધન થતા કિશોરચન્દ્રના માથે 6 બહેનોની જવાબદારી આવી ગઈ. ઘર ચલાવવા 16-17 વર્ષની ઉંમરે ધંધાનું સંચાલન હાથમાં લીધું. તેઓ પ્રાયમસ અને પેટ્રોમેકસનું રીપેરિંગ પણ કરતા હતા અને પ્રાયમસ જાતે પણ બનાવતા હતા.

પહેલાના સમયમાં પ્રાયમસ અમદાવાદ અને મુંબઈથી આવતા
જયેશભાઈએ જણાવ્યું કે પહેલાના સમયમાં પ્રાયમસ અમદાવાદ અને મુંબઈથી આવતા. પ્રાયમસના સ્પેરપાર્ટ્સ પણ મુંબઈથી આવતા હતા. હોટેલવાળા જે પ્રાયમસ યુઝ કરતા હતા તે અમદાવાદથી આવતા હતા. એક સમયે દિવેટવાળા પ્રાયમસનો જમાનો હતો. એક, બે અને ત્રણ નમ્બરના પ્રાયમસ પિત્તળના રહેતા હતા. અમે 50-60 વર્ષ જુના પ્રાયમસ યાદગીરી તરીકે સાચવી રાખ્યા છે.

ફેન્સી કૂકરના આ જમાનામાં પણ એલ્યુમિનિયમના કૂકર વધારે ચાલે છે
શિલ્પાબેને જણાવ્યું કે હવે તો કોટિંગવાળા, SS, એલ્યુમિમિયમ અને સ્ટીલના કૂકર મળે છે. ફેન્સી કૂકરના આ જમાનામાં પણ સામાન્ય વર્ગના લોકો એલ્યુમિનિયમના કૂકર વધારે પસંદ કરે છે. સામાન્ય કૂકર રીપેરીંગના અમે 50થી 100 રૂપિયા લઈએ છીએ. જ્યારે કૂકરમાં કોઈ સામાન નાખવાનું હોય તો રિપેરીંગના 150 રૂપિયા લઈએ છીએ. પહેલા સો-સવાસો રૂપિયામાં પ્રાયમસ મળતા હવે 700-800 રૂપિયાથી વધારે કિંમતમાં મળે છે.

Most Popular

To Top