ડાકોર: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિરમાં ગુરૂવારના રોજ શ્રાવણ વદ આઠમના પવિત્ર દિવસે જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. રાત્રીના બરાબર બાર વાગ્યાના ટકોરે ઠાકોરજીને લલાટ પર તિલક કરી, શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જે બાદ શ્રી રણછોડરાય મહારાજને દૂધ, કેસર, દહીં, ઘી, મોરસ અને મધ આ પંચ તત્વો દ્વારા પંચામૃત સ્નાન કરાવાયું હતું.
ત્યારબાદ ઠાકોરજીને અતિ ભારે આભૂષણો, રત્ન જડિત માળાઓ, ઉપરાંત શંખ, ચક્ર, પદ્મા, ગદા સહિત ચતુર્ભુજ સ્વરૂપ શણગાર કરાયો હતો. પરંપરા મુજબ ઠાકોરજીને સવા લાખનો મોર મુગટ પણ ધારણ કરાવાયો હતો. જે બાદ મોડી રાત્રે બે વાગે ગોપાલ લાલજી મહારાજને સોનાના પારણે ઝૂલાવવામાં આવ્યાં હતાં. સોનાના પારણે ઝુલતાં ગોપાલ લાલજી મહારાજના અલૌકિક દર્શનનો લ્હાવો લઈ હજારો શ્રધ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી. શ્રધ્ધાળુઓએ ઠાકોરજીને માખણ-મીસરી, પંજરી, ચોકલેટ, કેક ધરાવી, ભક્તોમાં વહેંચી હતી.
ભગવાનને ધરાયેલો પ્રસાદ મેળવવા માટે ભક્તોમાં ભારે પડાપડી જોવા મળી હતી. વહેલી સવાર સુધી મંદિર ખુલ્લાં રહ્યાં હતાં. સમગ્ર દિવસ તેમજ રાતે મંદિરમાં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુ ઉમટી પડ્યાં હતાં રેન્જ આઈ.જી, એસ.પી, ડીવાયએસપી, 3 પીઆઈ, 9 પીએસઆઈ સહિતના ચુસ્ત પોલીસ બંદોબસ્તને કારણે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.
બીજા દિવસે એટલે કે શુક્રવારના રોજ સવારે 8-45 વાગ્યે મંદિર ખુલ્યાં હતાં અને 9 વાગ્યાના અરસામાં મંગળા આરતી થઈ હતી. જે બાદ નિત્યક્રમ મુજબની સેવાપુજા બાદ બપોરે 12 વાગ્યે મંદિર પરિસરમાં નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મંદિરના સેવક ભાઈઓ નંદબાબા, ગોપીઓ અને રાધાજી બની દહીં-માખણની ઉછાળ્યું હતું. સેવકો તેમજ દર્શનાર્થે આવેલાં ભક્તોએ ફુંદરડી ફરી વ્હાલાના જન્મના વધામણાં કર્યાં હતાં. આ નંદ મહોત્સવનો લ્હાવો લેવા માટે પણ મંદિરમાં હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યાં હતાં.