Madhya Gujarat

આણંદ અક્ષરફાર્મ ખાતે મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં જન્માષ્ટમીની ભાવભેર ઉજવણી

આણંદ: તા. ૧૯ ઓગષ્ટ,૨૦૨૨, શનિવારના રોજ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના પ્રત્યક્ષ સાનિધ્યમાં અક્ષરફાર્મ, આણંદ ખાતે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ખૂબ ભકિતભાવ પૂર્વક ઉજવવામા આવ્યો હતો. સાંજે ૫.૩૦ વાગ્યે ધૂન પ્રાર્થનાથી સભાની શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ મહાભારતમાં નિરૂપણ થયેલ ભગવાન શ્રીકૃષ્ણના ઐશ્વર્ય, પ્રતાપને નિરૂપણ કરતા વીડિયોની પ્રસ્તુતિ કરવામાં આવી. ત્યારબાદ મંચ ઉપર ટોક શો રજૂ થયેલ જેમાં પૂજ્ય રસિકવિહારીદાસ સ્વામીએ ભગવાન શ્રીકૃષ્ણના જીવન ચરિત્રો, ગોપીઓની ભક્તિ વગેરે પ્રસ્તુત કર્યા જેમાં ઉભરીને આવતા ગુણો જેવા કે ભગવાન અને ગુરુની આજ્ઞા – અનુવૃતીનું સતત અનુસંધાન, પ્રભાવ, અજોડતા વગેરે અનંત ગુણો પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજના જીવનમાં જોવા મળતા. એ દિવ્ય વ્યક્તિત્વના પ્રસંગોની પ્રસ્તુતિ પૂજ્ય વિજ્ઞાનાનંદાસ સ્વામીએ કરી હતી. અટલાદરા ખાતે પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજના સાનિધ્યમાં ઉજવાયેલા જન્માષ્ટમીના ઉત્સવની ઝાંખી વિડિયો માધ્યમથી કરવામાં આવી.

આ પ્રસંગે પૂજય આત્મસ્વરૂપદાસ સ્વામીએ પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યું ‘શ્રીકૃષ્ણ ભગવાનના અનંત ચરિત્ર છે. તેમનું મોટામાં મોટું પ્રદાન હોય તો એ છે કે તેમણે શ્રીમદ્ ભગવદ્ ગીતાની ભેટ આપી. તેઓ ભક્તવત્સલ હતા.સુદામા જેવા અતિ દરિદ્ર સાથે પણ આત્મીયતાનો ભાવ બતાવ્યો અને ભગવાનના ભક્તનો મહિમા ઉજાગર કર્યો. ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતમાં ભગવાનના ઉત્તમ ભક્ત એવા પરમ એકાંતિક સંતનો મહિમા કહ્યો છે. એવા સંત વર્તમાન સમયમાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ રૂપે આપણને મળ્યા છે. ગીતામાં જે સ્થિતપ્રજ્ઞની વાત છે એ લક્ષણો આપણને મહંતસ્વામી મહારાજના જીવનમાં અનુભવાય છે’.

આજના પ્રસંગે કૃષ્ણલીલાઓ અંતર્ગત કાલિય દમન, કંસનો સંહાર, મટકી ફોડ વગેરે લીલાઓને યુવકો – બાળકોએ મંચ ઉપરથી પ્રસ્તુત કરી. ત્યારબાદ વિવિધ કલાત્મક હારથી સ્વામીશ્રીને સન્માન્યા. આ પ્રસંગે આશીર્વાદ આપતા સ્વામીશ્રીએ જણાવ્યું. “જ્યાં સાચો ભાવ હોય, અંતરની ભક્તિ હોય તે દેખાય છે. જેમાં ભગવાનનો આનંદ આવે છે. આજે કૃષ્ણ લીલા આપણે જોઈ એમાં ભગવાનના આનંદનો અનુભવ થાય છે. લૌકિક ક્રિયા – પદાર્થ માટે આપણે જે કંઈ કરીએ છીએ એ રીતે ભગવાન માટે કરવાનું છે. તો ભગવાનનો આનંદ આવશે. આ રીતે સદાય ભગવાનના આનંદમાં રાચીએ એ ભગવાનને પ્રાર્થના.” ત્યારબાદ સ્વામીશ્રીએ કલાત્મક પારણામાં બિરાજીત ઠાકોરજીની આરતી ઉતારી હતી અને યુવકોએ જન્મોત્સવના કીર્તનો રજૂ કર્યા હતા. બાળકોએ જન્મોત્સવના નૃત્ય કર્યા હતા. દરમિયાન સ્વામીશ્રીએ ઠાકોરજીને પારણામાં ઝુલાવ્યા હતા. આ પ્રસંગે ઠાકોરજી સમક્ષ કલાત્મક અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આજના દિવસે ૧૦૦૦૦ ઉપરાંત હરિભક્તોએ લાભ લીધો હતો.

Most Popular

To Top