Entertainment

જાન્હવીનું ધ્યાન બસ કામ હી કામ

જાન્હવી કપૂર કેવી એકટ્રેસ-સ્ટાર છે તે ચર્ચવા પહેલાં એવું ચર્ચી શકાય કે તેનામાં ભવિષ્યની ટૉપ હીરોઈન બનવાનું ગાંભીર્ય અને ધૈર્ય છે. બીજી બાબત એ ચર્ચી શકાય કે શ્રીદેવીની દિકરી તરીકે ભલે ઘણા ઓળખતા હશે પણ તે પોતાની સ્વતંત્ર ઓળખે ઓળખાવા માંગે છે. ત્રીજો મુદ્દો એ પણ ઉમેરી શકો કે તે પોતાના કામનાં કેન્દ્રમાં જ રહે છે. ફિલ્મજગત કે જાહેરજીવનના મુદ્દાઓમાં પોતાની પ્રતિક્રિયા આપવાથી તે દૂર રહે છે. તે એક મેર્ચ્યાર પ્રોફેશનલ એકટ્રેસ તરીકે આગળ વધી રહી છે. રણબીર કપૂર જો પૃથ્વી-રાજકપૂર કુટુંબનું ખરા અર્થમાં પ્રતિનિધિત્વ કરતો હોય તો સુરેન્દ્ર અને બોની-અનિલ કપૂર કુટુંબનું પ્રતિનિધિત્વ જાન્હવી કરે છે.

અલબત્ત, તે પોતાને તેમાં પણ થોડી અળગી રાખી શકે છે. જાન્હવીને જાન્હવી બનવામાં અને રહેવામાં જ ઈન્ટ્રેસ છે. જાન્હવીને જો પૂછો કે તું તારી કારકિર્દીથી ખુશ છે? તો તેનો જવાબ છે અરે હજુ તો મેં આરંભ કર્યો છે. થોડા વર્ષ પછી તમે આ પ્રકારના પ્રશ્ન પૂછજો. પણ જાન્હવી અત્યારના ટ્રેન્ડને પણ બરાબર સમજે છે એટલે કહે છે કે મારે તમિલ, તેલુગુ, મલયામલ ફિલ્મોમાં પણ કામ કરવું છે. મને યોગ્ય તક મળશે તો જરૂર કરીશ. જાન્હવીની મમ્મી શ્રીદેવી સાઉથથી હિન્દીમાં આવી હતી ને જાન્હવી હિન્દીમાંથી સાઉથમાં જવા ઈચ્છે છે અને સાઉથની ભાષા સાથે તે કમ્ફર્ટ છે.

કદાચ આ કારણે જ તે જે ‘ગુડ લક જેરી’ અને ‘મિલી’ ફિલ્મમાં કામ કરી રહી છે તે સાઉથની ફિલ્મોની જ રિમેક છે. રિમેક કરતી વેળાનો તેનો તર્ક હોય છે કે એ ફિલ્મ ઘણા બધા પ્રેક્ષકોની પસંદ રહી ચૂકી હોય એટલે કામ કરતી વેળા અંદરથી અમુક ખાતરી હોય છે. એક ભાષના પ્રેક્ષકથી આગળ વધધી બીજી ભાષાના પ્રેક્ષક સુધી પહોંચવાની ય ઉત્તેજના હોય છે. તેને એ ફિલ્મોમાં રસ છે જે પ્રેક્ષકોના મોટા વર્ગ સુધી પહોંચી શકે. સાઉથની ફિલ્મો હિન્દીમાં સફળ થતી હોય તો સારી વાત છે. તેના કારણે હિન્દી ફિલ્મ બનાવનારા પણ જૂદી રીતે વિચારતા થશે. જાન્હવીની ‘ગુજન સક્સેના’, ‘રુહી’ અને હવે ‘ગુડ લક જેરી’ અને ‘મિલી’ પણ સ્ત્રીના પાત્રને કેન્દ્રમાં રાખી બની રહી છે પણ જાન્હવીની ફિલ્મોમાં કંગના, તાપસીમાં જે પ્રકારે સ્ત્રીની વાત અને મુદ્દા હોય તેનાથી જુદુ હોય છે અને મનોરંજનકતાની કાળજી રાખે છે. આ ફિલ્મો અત્યારની યુવતીને દર્શાવે છે જેનામાં ખાસ પ્રકારનું સાહસ છે. વળી જાન્હવીએ આવી ફિલ્મો સમજી વિચારીને પસંદ નહોતી કરી બલ્કે એ ફિલ્મોએ જ તેને પસંદ કરી હતી. •

Most Popular

To Top