જહાનવી કપૂર ‘મિલી’ થી પોતાના અભિનય માટે વધારે પ્રશંસા મેળવવામાં સફળ થઇ શકે છે. આલિયાએ પોતાના અભિનયથી નેપોટિઝમના આરોપ ખોટા સાબિત કર્યા છે ત્યારે જહાનવી પણ એક અભિનેત્રી તરીકે પોતાનું સ્થાન બનાવી શકે એવી મુખ્ય ભૂમિકાવાળી ‘મિલી’ લાગી રહી છે. જહાનવીની આગામી ૪ નવેમ્બરે થિયેટરોમાં રજૂ થનારી ફિલ્મ ‘મિલી’ ના ટીઝરને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તેનો ઠંડીમાં થથરતી યુવતીનો અભિનય પ્રભાવિત કરી રહ્યો છે. ટીઝરમાં બતાવાયું છે કે જહાનવી રૂમમાં ફ્રિઝરમાં ફસાઇ ગઇ છે અને હદ બહાર ઓછા તાપમાનમાં પોતાની જિંદગી બચાવવા સંઘર્ષ કરી રહી છે. તે શ્રીદેવીનો અભિનય વારસો સાચવી શકે એવી પુત્રી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
તેની છેલ્લી ફિલ્મ ગુડલક જેરી’ OTT પર રજૂ થઇ હતી અને મિશ્ર પ્રતિભાવ મળ્યો હતો. હવે પહેલી વખત પિતા બોની કપૂરે પુત્રી જહાનવી માટે ફિલ્મ બનાવી છે. જેમાં તે એક અલગ અવતારમાં દેખાઇ રહી છે. સાચી વાર્તા પર આધારિત મલયાલમ ફિલ્મ ‘હેલેન’ ની આ હિન્દી રીમેક છે. એના નિર્દેશક મથુકુટ્ટી ઝેવિયર દ્વારા જ ‘મિલી’ નું નિર્દેશન થયું છે. ‘હેલેન’ માટે તેમને શ્રેષ્ઠ નવોદિત નિર્દેશકનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો. તેથી તે હિન્દી રીમેકને પણ બરાબર ન્યાય આપી શકે છે. જહાનવીની કારકિર્દી માટે આ ફિલ્મ મહત્વની બની રહેશે. પહેલી ફિલ્મ ‘ધડક’ પછી તેણે બહુ ઓછા સમયમાં અલગ ભૂમિકાઓ કરીને અભિનેત્રી તરીકે ઓળખ ઊભી કરવામાં સફળતા મેળવી છે.
પરંતુ તે સતત રીમેકમાં જ કામ કરી રહી છે. તેની આ ત્રીજી હિન્દી રીમેક છે. સમીક્ષકોનું કહેવું છે કે જહાનવીમાં સારી પ્રતિભા હોવાથી અસલ વાર્તાવાળી હિન્દી ફિલ્મ વધુ કરવી જોઇએ. જોકે, ‘મિલી’ જેવી ભૂમિકા હજુ બીજી કોઇ અભિનેત્રીએ કરી નથી ત્યારે જહાનવીએ પડકારરૂપ ભૂમિકા કરવાનું સાહસ કર્યું છે. સોશિયલ મિડિયામાં ગ્લેમરસ તસવીરોથી છવાયેલી રહેતી જહાનવીએ ફરીથી એક ગંભીર ભૂમિકાને અંજામ આપવાનો પ્રયત્ન કર્યો છે. બોલિવૂડમાં ક્યારેક જ સર્વાઇવલ થ્રીલર બનતી હોવાથી ‘મિલી’ ની નોંધ લેવામાં આવી રહી છે. ફિલ્મમાં વિકી કૌશલના ભાઇ સનીએ જહાનવીના મિત્રની ભૂમિકા ભજવી છે. જ્યારે મનોજ પાહવા તેના પિતાની ભૂમિકામાં દેખાશે.