જામનગર(Jamnagar): ગુજરાતના (Gujarat) યુવાનો પર મોટી ઘાત બેઠી હોવાનું ચિત્ર ઉપસ્યું છે. હાર્ટ એટેક (Heart Attack) ગુજરાતના યુવાનોને એક બાદ એક ભરખી રહ્યો છે. હવે તો નાના બાળકોને પણ હાર્ટ એટેક આવી રહ્યાં છે. ત્યારે આજે જામનગરના વેપારીના માત્ર 13 વર્ષની ઉંમરના દીકરાનું હાર્ટ એટેકથી મોત (13 Years Old Boy Death Due To Heart Attack) નિપજ્યું હોવાની આઘાતજનક ઘટના બની છે.
નાની ઉંમરમાં હાર્ટ એટેકના બનાવોમાં ચિંતાજનક હદે વધારો થયો છે, ત્યારે વધુ એક આઘાતજનક ઘટના બની છે. મુંબઈમાં રહીને અભ્યાસ કરતા જામનગરના વેપારીના 13 વર્ષના પુત્રનું હાર્ટ એટેકથી મોત થયું છે. જામનગરમાં કામદાર કોલોની વિસ્તારમાં રહેતા અને પુરસ્કાર ગિફ્ટ શોપ ચલાવતા જામનગરના વેપારી સચીનભાઈ વેણીલાલ ગંઢેચાના 13 વર્ષની વયના પુત્ર ઓમનું મુંબઈમાં હાર્ટ એટેકથી મૃત્યુ નીપજ્યું હોવાથી ભારે કરુણતા સર્જાઇ છે,
આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર જામનગરના વેપારીનો પુત્ર ઓમ ગઢેચા મુંબઈના કાંદીવલીમાં રહી અભ્યાસ કરતો હતો. તે આજે સવારે યોગા કરી રહ્યો હતો ત્યારે તેની છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો અને થોડી જ સેકન્ડોમાં તે મૃત્યુ પામ્યો હતો. માત્ર 13 વર્ષની ઉંમરે ઓમનું હાર્ટ એટેકથી આમ અચાનક મોત થતા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.
ઓમના મૃતદેહને મુંબઈથી જામનગર લઈ જવામાં આવી રહ્યો છે. બપોર બાદ કામદાર કોલોની વિસ્તારમાં આવેલા પુષ્પ એપાર્ટમેન્ટમાંથી તેની અંતિમયાત્રા કાઢવામાં આવશે. આ દુઃખદ સમાચારને પગલે સમગ્ર વિસ્તારમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ છે.
સામાન્ય રીતે ઉંમરનો તબક્કો વટાવી ગયેલા લોકોમાં જ હાર્ટ એટેકના કિસ્સા જોવા મળતા હતાં પરંતુ હવે આ ખતરો નાના બાળકોમાં પણ જોવા મળી રહ્યો છે. જે ચોંકાવનારી બાબત છે. જામનગરના 13 વર્ષીય ઓમ પહેલાં ગુજરાતમાં એક દર્દનાક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. અહીં એક વિદ્યાર્થીને શાળામાં લંચ દરમિયાન સીડી પર હાર્ટ એટેક આવ્યો હતો અને તેનું મૃત્યુ થયું હતું. તેવી જ રીતે થોડા સમય પહેલાં તેલંગાણાના એક ગામમાં 13 વર્ષની બાળકીનું પણ હાર્ટ એટેકથી મોત થયું હતું. આમ દેશમાં બાળકોમાં હ્રદય રોગની વધતી જતી સંખ્યાએ બધાને ચિંતામાં મૂકી દીધા છે.