જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના (Jammu kashmir) કુલગામ જિલ્લામાં રવિવારની (Sunday) વહેલી સવારના રોજ સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યાં હતા. મળતી માહિતી મુજબ ઠાર કરેલા બે આતંકવાદીઓમાં એક આતંકવાદી પાકિસ્તાનનો (Pakistan) હતો. આ ઉપરાંત આ બંને આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબાના હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ આતંકવાદીઓની બાતમી મળ્યા પછી ત્યાંના વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યાં પછી જિલ્લાના ચેયાન દેવસર વિસ્તારમાં એન્કાઉન્ટર (Ancounter) કરવામાં આવ્યું હતું.
- બંને આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબાના હતા
- માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી એકની ઓળખ પાકિસ્તાની આતંકવાદી હૈદર તરીકે થઈ
- સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યાં
સૂત્રો પાસેથી માહિતી મળી આવી છે કે આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીઓની વર્ષા કરી હતી. સુરક્ષાદળોએ સામે ગોળીબાર કરતા બંને આતંકવાદીઓ માર્યા ગયા હતાં. IGP વિજય કુમારે જાણકારી આપી હતી કે માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી એકની ઓળખ પાકિસ્તાની આતંકવાદી હૈદર તરીકે થઈ છે. તે ઉત્તર કશ્મીરમાં બે વર્ષ કરતાં પણ વધુ સમયથી સક્રિય હતો અને અનેક આતંકી ગુનાઓમાં તેણે પોતાનો ફાળો આપ્યો હતો.
આ અગાઉ શનિવારના રોજ સવારના સમયે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો જેમાં એક પોલીસકર્મી માર્યા ગયાં હતાં. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા પોલીસકર્મીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જયાં તેઓએ મોડી સાંજે પોતાનો છેલ્લો શ્વાસ લીધો હતો. જે પોલીસ અધિકારીએ પોતાના પ્રાણ ગુમાવ્યાં તે પોલીસ કંટ્રોલ રૂમ હેલ્પલાઈન 112માં ડ્રાઈવર તરીકે પોતાની ફરજ બજાવતાં હતાં. ઘટના બાદ આસપાસના તમામ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ આતંકવાદીઓ અંગે કોઈ માહિતી મળી આવી ન હતી.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના સવારે 8.50 વાગ્યાની આસપાસ ધટી હતી. બાઈક પર જઈ રહેલા કોન્સ્ટેબલ ગુલામ હસનને સફાકદલ વિસ્તારમાં આઈવા બ્રિજ પાસે આતંકવાદીઓએ ગોળી મારી દીધી હતી. ગોળી વાગતાની સાથે જ તેઓ બાઇક પરથી નીચે પડી ગયાં હતા. ત્યારપછી આતંકવાદીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. લોહીથી લથપથ પોલીસકર્મીને તરત જ શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (SKIMS)માં સારવાર ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં તેઓએ મોડી સાંજે પોતાનો દમ તોડ્યો હતો.