National

પુલવામામાં CRPF અને પોલીસની સંયુક્ત પાર્ટી પર આતંકી હુમલો, એક જવાન શહીદ, એક ઘાયલ

જમ્મુ કાશ્મીર: (Jammu Kashmir) જમ્મુ-કાશ્મીરના પુલવામાના પિંગલાના વિસ્તારમાં સીઆરપીએફ (CRPF) અને પોલીસની (Police) સંયુક્ત પાર્ટી પર આતંકવાદીઓએ (Terrorist) અચાનક ગોળીબાર (firing) કર્યો હતો. આ પછી સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે આ આતંકવાદી હુમલામાં એક પોલીસકર્મી શહીદ થયો છે અને એક CRPF જવાન ઘાયલ થયો છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને આતંકીઓની શોધખોળ ચાલુ છે.

  • જમ્મુ-કાશ્મીરના પુલવામાના પિંગલાના વિસ્તારમાં સીઆરપીએફ અને પોલીસની સંયુક્ત પાર્ટી પર આતંકવાદીઓએ અચાનક ગોળીબાર કર્યો
  • આતંકવાદી હુમલામાં એક પોલીસકર્મી શહીદ થયો છે અને એક CRPF જવાન ઘાયલ થયો
  • રવિવારે સવારે કાશ્મીર વિભાગના શોપિયાં જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ
  • સુરક્ષાદળોએ લશ્કર-એ-તૈયબાના એક આતંકવાદીને ઠાર માર્યો

મળતી માહિતી મુજબ આતંકવાદીઓએ પુલવામા જિલ્લાના પિંગલાનામાં પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત નાકા પાર્ટી પર ગોળીબાર કર્યો અને પછી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ હુમલામાં એક પોલીસકર્મી અને એક CRPF જવાન ઘાયલ થયા છે. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં પોલીસ કર્મચારીને બચાવી શકાયા નથી. તો બીજી તરફ હોસ્પિટલમાં CRPF જવાનની સારવાર ચાલી રહી છે. માહિતી મળતાની સાથે જ પોલીસ અને સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જવાનોએ વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકીઓની શોધખોળ શરૂ કરી છે. અલગ-અલગ જગ્યાએ નાકાબંધી લગાવીને આતંકીઓને પકડવા અભિયાન ચાલી રહ્યું છે.

ઓમર અબ્દુલ્લાએ શોક વ્યક્ત કર્યો
ઓમર અબ્દુલ્લાએ પુલવામાના પિંગલાનામાં સુરક્ષા દળોની સંયુક્ત પાર્ટી પર આ આતંકવાદી હુમલા વિશે ટ્વિટ કર્યું છે. ઓમર અબ્દુલ્લાએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે આ હુમલાની નિંદા કરીને હું J&K પોલીસ કર્મચારીઓના પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું જેમણે આજે ફરજ બજાવતા પોતાનો જીવ આપ્યો. હું ઘાયલ CRPF જવાનો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરું છું.

શોપિયાંમાં એન્કાઉન્ટર, લશ્કરનો આતંકવાદી માર્યો ગયો
બીજી તરફ રવિવારે સવારે કાશ્મીર વિભાગના શોપિયાં જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. અહીં સુરક્ષાદળોએ લશ્કર-એ-તૈયબાના એક આતંકવાદીને ઠાર માર્યો હતો. તેની પાસેથી હથિયારો પણ મળી આવ્યા છે.

આ અંગે ADGP કાશ્મીર વિજય કુમારે કહ્યું કે માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ નસીર અહેમદ ભટ તરીકે થઈ છે. તે નૌપોરા બાસ્કુચન શોપિયાંનો રહેવાસી હતો અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલો હતો. પોલીસે તેની પાસેથી હથિયારો અને દારૂગોળો એકે 47 રાઈફલ સહિતની ગુનાહિત સામગ્રી જપ્ત કરી છે. તે અનેક આતંકી ગુનાઓમાં સામેલ હતો અને તાજેતરમાં જ એક એન્કાઉન્ટરમાંથી ભાગી ગયો હતો.

Most Popular

To Top