National

જમ્મુ અને કાશ્મીરમાં આતંકી હુમલાનું કાવતરું, G-20 મહેમાનોની ગુલમર્ગ મુલાકાત રદ કરાઈ

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) સોમવારથી શરૂ થઈ રહેલી G-20 સમિટની બેઠક પહેલા વહીવટીતંત્રે કાર્યક્રમમાં કેટલાક ફેરફાર કર્યા છે. સુરક્ષા કારણોસર G20 ટુરિઝમ વર્કિંગ ગ્રુપ (DWG)ની ગુલમર્ગની મુલાકાત હવે રદ કરવામાં આવી છે. વિદેશી મહેમાનોના પ્રવાસના સમયપત્રક અનુસાર અગાઉ ઉત્તર કાશ્મીરમાં ગુલમર્ગના પ્રખ્યાત સ્કી રિસોર્ટ અને ડાચીગામ વન્યજીવ અભયારણ્યની મુલાકાત લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર 26/11 જેવા આતંકી હુમલાના ષડયંત્રનો ખુલાસો થયા બાદ આ મોટું પગલું લેવામાં આવ્યું છે.

જી-20ની બેઠક 22 મેથી 24 મે દરમિયાન શ્રીનગરના SKICC ખાતે યોજાવાની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આતંકવાદી સંગઠનોએ ગુલમર્ગમાં G20 દરમિયાન 26/11 હુમલાનું પુનરાવર્તન કરવાનું કાવતરું ઘડ્યું છે. એપ્રિલમાં સુરક્ષા એજન્સીઓએ ગુલમર્ગની એક હોટલમાં ડ્રાઇવર તરીકે કામ કરતા ઓવરગ્રાઉન્ડ વર્કર ફારૂક અહેમદ વાનીની ધરપકડ કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓવરગ્રાઉન્ડ વર્કર ISI સાથે સીધો સંપર્કમાં હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર G20 મીટિંગ દરમિયાન બેથી ત્રણ જગ્યાએ હુમલાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આ સિવાય મહેમાનોને બંધક બનાવવાની પણ યોજના હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુપ્તચર એજન્સીઓએ કથિત રીતે ત્રણ દિવસના કાર્યક્રમ દરમિયાન શાળાઓને નિશાન બનાવતા સંભવિત આતંકવાદી હુમલાની ચેતવણી આપી હતી જેના કારણે વહીવટી તંત્રને કાર્યક્રમ પૂરી ન થાય ત્યાં સુધી કેન્દ્રશાસિત પ્રદેશમાં કેટલીક શાળાઓને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

સુરક્ષા કારણો ઉપરાંત લાંબું અંતર પણ બીજું કારણ જણાવવામાં આવી રહ્યું છે. શ્રીનગરથી ગુલમર્ગ સ્કી રિસોર્ટનું અંતર લગભગ 55 કિમી છે. વરિષ્ઠ વહીવટી અધિકારીઓના જણાવ્યા અનુસાર G-20 દેશોના પ્રવાસન ટ્રેક પ્રતિનિધિઓની મુલાકાત જેઓ 21 મેના રોજ શ્રીનગર પહોંચવાના હતા સુરક્ષાના કારણોસર ટુંકી કરવામાં આવી છે. દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાનને બદલે હાઈપ્રોફાઈલ પ્રતિનિધિઓની ટ્રીપને હવે ઈન્દિરા ગાંધી મેમોરિયલ બોટનિકલ ગાર્ડન, ચશ્મા સાહી અને પરી મહેલ પુરતી સિમિત રાખવામાં આવી છે.

માહિતી મળી છે કે આ સમયે પાકિસ્તાની આતંકવાદીઓએ આઈએસઆઈના ઈશારે ખીણની અંદર તેમના ઓવર ગ્રાઉન્ડ વર્કરોનું નેટવર્ક વધારી દીધું છે જેના દ્વારા તેઓ હથિયારો લૂંટવાથી લઈને ધાર્મિક રમખાણો ફેલાવવાની તૈયારી કરી રહ્યા છે. ત્રણ દિવસીય ઇવેન્ટ દરમિયાન કોઈપણ અપ્રિય ઘટનાને ટાળવા માટે મરીન કમાન્ડો ફોર્સ (MCF) અને નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG) કમાન્ડો દ્વારા G20 પ્રવાસન ટ્રેક બેઠકના સ્થળ SKICC અને તેની આસપાસ બહુ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

સમગ્ર શહેરનું હાઇ-ટેક ડ્રોન વડે મોનિટરિંગ કરવામાં આવશે જ્યારે ક્લોઝ સર્કિટ ટેલિવિઝન (CCTV) કેમેરા સ્થળ અને તેની આસપાસ લગાવવામાં આવ્યા છે. પોલીસ અને CRPFએ શ્રીનગરમાં પેટ્રોલિંગ વધારી દીધું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે આર્મી, બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) અને સ્થાનિક પોલીસની ટુકડીઓ સ્થળની આસપાસ તૈનાત કરવામાં આવશે. શ્રીનગરમાં સાર્વજનિક સ્થળો પર પેટ્રોલિંગ સઘન કરવામાં આવ્યું છે અને લોકોનું ચેકિંગ અને તપાસ કડક કરવામાં આવી છે.

Most Popular

To Top