Dakshin Gujarat

જંબુસરના ઋણ તળાવ વિસ્તારમાં એક મહિનાથી પાણી ન મળતાં મહિલાઓનો પાલિકામાં હોબાળો

જંબુસર નગરના ઋણ તળાવ વિસ્તારમાં છેલ્લા એક માસથી પાણી નહીં મળતાં હવે બહેનો રણચંડી બની ગઈ છે. જંબુસર નગરપાલિકાના ચીફ ઓફિસરની કચેરીમાં પાણીની સમસ્યા માટે બહેનોએ ઉગ્ર રજૂઆત કરી હતી. જ્યાં સુધી પાણીની સમસ્યા હલ ન થાય તો મહિલાઓ પાલિકા કચેરીએ બેસવાની ચીમકી ઉચ્ચારી હતી. જંબુસર નગરમાં ઘણાં વર્ષોથી પીવાનું મીઠુ પાણી, રોડ, ગટરની અનેકવિધ સમસ્યાથી પાલિકા ઘેરાયેલી છે. નગરના ઋણ તળાવ વિસ્તાર પાસે મહેનત-મજૂરી કરી ગુજરાન ચલાવતા 600 ઘર આવેલાં છે. આ વિસ્તારમાં પાલિકા રોડ, ગટર લાઈનો બનાવવામાં બેદરકાર રહી છે.

છતાં હાલમાં પીવાના પાણી માટેની સમસ્યા છેલ્લા એકાદ માસથી ઉદભવી રહી છે. વોર્ડના સભ્યોને રજૂઆતો કરી હોવા છતાં પાણીના પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી. આખરે કંટાળીને બુધવારે જંબુસર નગરપાલિકા કચેરીમાં મહિલાઓ આવી પહોંચી હતી. મહિલા દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરાઈ હતી. અકળાયેલી મહિલાએ કહ્યું હતું કે, જ્યાં સુધી પાણીની સમસ્યાનો નીવેડો નહીં આવે ત્યાં સુધી પાલિકા કચેરીમાં બેસી રહીશું.

પાણીની સમસ્યા હલ કરી દઈશું: પરાક્રમસિંહ મકવાણા
આ બાબતે પાલિકાના ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણાએ જણાવ્યું હતું કે, પંદર દિવસ અગાઉ મોટરનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. સપ્લાયરે ડિલિવરી નહીં કરતા આ સમસ્યા ઉદભવી છે. પરંતુ કાલ સાંજ સુધીમાં મોટર આવી જશે અને ઋણ તળાવના રહીશોની પાણીની સમસ્યા હલ કરી દઈશું.

Most Popular

To Top