જંબુસર : જંબુસરમાં (Jambusar) આગામી તા.૧૦મી ઓક્ટોબરે પ્રધાનમંત્રી (PM) દેશના પહેલા બલ્ક ડ્રગ્સ પાર્કનું ભૂમિપૂજન કરવાના છે. જોકે તે પહેલા જ ૬ ગામે સંપાદિત જમીન, લેન્ડ લુઝર્સને નોકરી સહિતના છ મુદ્દે રજૂઆત કરી હતી. જંબુસરમાં ૨૦૦૦ કરોડના ખર્ચે દેશનો પ્રથમ બલ્ક ડ્રગ્સ પાર્ક જાહેર કરાયો છે. જે માટે સરકારી અને ખાનગી જમીન સંપાદનની કાર્યવાહી પણ થઈ ગઈ છે. હવે જંબુસર તાલુકાના બારા વિભાગના ટંકારી, આસનવડ, બાકરપોર, ટીંબી, મદાફર, કનસાગર, ઠાકોર તલાવડી ગામના સરપંચો તેમજ ગ્રામજનો પૈકી ભારતભાઈ ગોહિલ, નવીનભાઈ ચીમનભાઈ પટેલ, જીગ્નેશભાઈ પરમાર સહીત લગભગ ૨૦ જેટલા લોકોએ મંગળવારે જંબુસર મામલતદારને આવેદન આપ્યું હતું.
જેમાં સરકારી ખાનગી જમીનના બદલામાં અવેજ, લેન્ડલુઝર્સને રોજગારી, પ્રદૂષણ, પાણી નિકાલ, કઈ કઈ દવાઓ બનશે સહિતના મુદ્દે સ્પષ્ટતા કરી યોગ્ય કરવા માંગણી કરાઈ છે. સાથે જ આ છ ગામની ગ્રામ પંચાયત અને સરપંચોએ જમીન સંપાદન માટે તેમનો અભિપ્રાય નહિ લેવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. દરિયા કિનારાના ગામોમાં માછીમારોનો પ્રશ્ન પણ રજૂ કરાયો છે. વળી આ ગામો આકાશી ખેતી ઉપર નિર્ભર હોય તે માટે યોગ્ય કરવા પણ રજૂઆત કરાઈ છે. સરકારી જમીનો પણ ખરાબા, ખારખાડી, ઢોર ચરણ અને પડતર હોય તેમાં પશુપાલકો પોતાના ઢોર ચરાવતા હોય તેઓ માટે અવેજમાં અન્ય વ્યવસ્થા કરવા પણ જણાવાયું છે. આવેદનપત્રની નકલ જિલ્લા વહીવટી તંત્ર, રાજ્ય મહેસુલ વિભાગ અને જંબુસર ધારાસભ્યને પણ મોકલવામાં આવી હતી.