World

પાકિસ્તાનની હાલત શ્રીલંકા જેવી, વીજસંકટ મામલે હજારો લોકો રસ્તા પર…

કરાચી: પાકિસ્તાનની (Pakistan) આર્થિક (Economic) હાલત છેલ્લા કેટલાક મહિનાઓથી ખૂબ જ દયનીય છે. ખાસ કરીને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ આકાશને આંબી રહ્યાં છે. આજ કારણસર ઇમરાન સરકારે (imran khan Government) સત્તાની બહાર જવું પડ્યું હતું. જો કે, હાલના સત્તાધિશો પણ મોંઘવારી પર કાબૂ મેળવવામાં નિષ્ફળ રહ્યાં છે. પાકિસ્તાનનું વિદેશી દેવુ પણ એટલુ વધી ગયું છે કે, જેના કારણે મોંઘવારી ઉપર કાબૂ મેળવવો શક્ય નથી. કમ સે કમ નજીકના ભવિષ્યમાં તો પાકિસ્તાનમાંથી મોંઘવારી દૂર થાય તેવા કોઇ જ અણસાર દેખાતા નથી.

આર્થિક રીતે કંગાળ બની ગયેલું પાકિસ્તાન ચીન સાથે કેટલાક પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યું છે. જે પૈકી કેટલીક વીજ પરીયોજના છે. તેમ છતાં પાકિસ્તાનમાં વીજ સંકટ ઘેરાઇ રહ્યું છે. પાકિસ્તાનની હાલત પણ શ્રીલંકા જેવી થઇ જવા રહી છે તેવું કહીએ તો પણ કંઇ જ ખોટુ નથી કારણ કે, કેટલાક સ્થળોએ તો 16 કલાક સુધી વીજ કાપ મૂકી દેવામાં આવ્યો છે. એટલે કે અહીંના લોકોએ માત્ર આઠ કલાક જ વીજળી મેળવીને સંતોષ માનવો પડી રહ્યો છે. વીજ સંકટ ઊભું થતાં પાકિસ્તાને વીજદરમાં પણ વધારો કર્યો છે. જેના વિરોધમાં આજે શુક્રવારે જમાત એ ઇસ્લામ દ્વારા રેલીનું (Rally) આયોજન કરવામાં આવ્યું છે.

જમાતના પ્રમુખ હાફિસ નઈમ ઉર રહેમાને વીજળી સંકટની સ્થિતિમાં ‘હક દો કરાંચી કો’ રેલીની જાહેરાત કરી હતી. જે અનુસાર આજે શુક્રવારે સાંજે ચાર વાગ્યે કરાંચીના શાહરા એ કાયદામાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં મહિલાઓ, બાળકો, યુવાનો અને વૃદ્ધો તમામ લોકો ભાગ લે તેવી શક્યતા છે. જેઆઇના પ્રમુખે વધુમાં કહ્યું હતું કે, પાકિસ્તાનમાં માત્ર વીજ સંકટ નથી પરંતુ વીજળીના દરોમાં પણ મોટો વધારો ઝીંકવામાં આવ્યો છે. કેટલાક લોકોના વીજબિલમાં તો માસિક 6000 રૂપિયા સુધીનો પણ વધારો જોવા મળ્યો છે. આ સ્થિતિ પાકિસ્તાન માટે સારી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં માત્ર વીજ સંકટ જ નથી પરંતુ અન્ય ચીજ વસ્તુઓના ભાવ પણ ખૂબ જ વધી ગયા છે. એક વર્ષ પહેલા પેટ્રોલ અને ડિઝલ જે ભાવે મળતું હતું હાલમાં તેના કરતા 50 ટકા વધારે ભાવે મળી રહ્યું છે. ઇંધણનો ભાવ વધતા હવે અન્ય ચીજ વસ્તુઓના ભાવમાં પણ વધારો ઝીંકાઇ તે સાહજિક બાબત છે. પાકિસ્તાનમાં દાળ, અનાજ અને ચોખા પણ મોંઘવારીની ચરમસીમા ઓળંગી ગયા છે. તેવી જ રીતે શાકભાજી અને ખાદ્યતેલના ભાવમાં પણ એટલો જ મોટો ઊછાળો જોવા મળી રહ્યો છે. તેના કારણે પાકિસ્તાનની જનતા ત્રાહિમામ પોકારી ગઇ છે. આ સ્થિતિમાં આજે જે સભાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાઇ તેવી પૂરેપૂરી શક્યતા છે. આ રેલી ઉપર સૌની નજર એટલા માટે છે કે પાકિસ્તાનમાં ઇમરાન ખાનના ગયા પછી અને નવી સરકારના આવ્યા પછી પહેલી વાર કોઇ મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી નવી સરકાર સામે ઉઠી રહેલા વિરોધનો સંકેત છે.

Most Popular

To Top