સુરત: વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશ જલારામ બાપા વિષે કરેલી ટિપ્પણી બાદ વિવાદમાં સપડાયા છે. સુરતના અમરોલી ખાતેના એક સત્સંગ દરમિયાન તેમની વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે રઘુવંશી સમાજમાં આક્રોશ ફેલાયો છે, મોટી સંખ્યામાં લોકો ઉગ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે વિવાદ વધતાં જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી માગી છે અને વિવાદસ્પદ વીડિયો ડિલિટ કરી દીધો છે.
- અમરોલીના સત્સંગ સમારોહના નિવેદનનો રાજ્યભરમાં જલાભક્તોમાં ઉગ્ર વિરોધ, સ્વામી જ્ઞાનપ્રકાશે વિવાદી વિડીયો ડિલીટ કરી માફી માંગી
- વીરપુરના વેપારી આગેવાનો, સરપંચની ચેલેન્જ, આવું ક્યાંક લખ્યું હોય તો લઈને વીરપુર આવો, મંગળવારે મીટિંગમાં આગળની રણનીતિ નક્કી કરાશે
તો બીજી તરફ વીરપુર જલારામમાં રહેતા ભક્તોમાં રોષ ફેલાયો છે, તેમણે કહ્યું છે કે સ્વામીએ જે સાહિત્યના આધારે નિવેદન કર્યું છે એ સાહિત્ય લઈને વીરપુર આવે. આ મામલે આગામી રણનીતિ નક્કી કરવા વીરપુરમાં મંગળવારે એક બેઠક પણ બોલાવવામાં આવી છે.
વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા જ્ઞાનપ્રકાશ સ્વામીએ સત્સંગમાં કહ્યું હતું કે જલારામ બાપાનો ઈતિહાસ ગુણાતીત સ્વામી સાથે જોડાયેલો છે. “ગુણાતીત સ્વામીએ જલા ભગતને આશીર્વાદ આપ્યા હતાં,” તેમણે વધુમાં ઉમેર્યું, “જલારામ બાપાએ સદાવ્રત માટે ગુણાતીત સ્વામી પાસે આશીર્વાદ માગ્યા હતા કે ‘સ્વામી, મારું એકમાત્ર લક્ષ્ય કે ઇચ્છા છે, કે અહીં કાયમ માટે સદાવ્રત ચાલે અને જે કોઈ અહીં આવે, એને પ્રસાદ મળે.”
તેમણે કહ્યું, “જલા ભગતે ગુણાતીત સ્વામીને બાટી અને દાળ જમાડ્યા. ગુણાતીત સ્વામીએ જલા ભગતને આશીર્વાદ આપ્યા હતા કે તમારો ભંડાર કાયમ માટે ભર્યો રહેશે.” નોંધનીય છે કે આ નિવેદનથી જલારામ બાપાના ભક્તોનું મન દુઃખી થઈ ગયું છે.
વિવાદ વધતાં સુરત ખાતે જ્ઞાનપ્રકાશ સ્વામીએ એક વીડિયો જાહેર કરીને માફી માગી છે. વીડિયોમાં તેમણે જણાવ્યું છે કે “સંત શિરોમણિ જલારામ બાપાનાં ચરણોમાં સત-સત વંદન, સાથે મારી વાત રજૂ કરું છું. થોડાક સમય પહેલાં એક બુકમાં એક પ્રસંગ મેં વાંચ્યો હતો. એ જ પ્રસંગ એક મેગેઝિનમાં પણ વાંચ્યો હતો. મને લાગ્યું કે આમાં જલારામ બાપાની ખૂબ સારી વાત કરવામાં આવી છે.
તેમણે વધુમાં ઉમેર્યું, “અયોધ્યામાં જલારામ બાપાએ જે કાર્યો કર્યાં અને ભગવાનના થાળ અંગે જે વાતો છે એ અંગે મેં વાત કરી હતી. તેમ છતાં જો કોઈપણ સમાજને કે વ્યક્તિને મારી વાત દુઃખદ લાગી હોય, તો હું સાચા દિલથી માફી માગું છું.”તેમણે વધુમાં જણાવ્યું કે, “આ વીડિયો અમે તરત જ હટાવી લીધો છે.”
વીરપુરના વેપારી આગેવાનો અને સરપંચે સ્વામીએ કરેલા નિવેદનને વખોડી કાઢ્યું છે. તમામ લોકોએ એક સૂરમાં કહ્યું હતું કે આવા નિવેદન કરવા જોઈએ નહીં. જો સ્વામી પાસે કોઈ આવું સાહિત્ય હોય તો એ વીરપુર લઈને આવે. વીરપુરના સરપંચે કહ્યું, આવતીકાલે અમે એક બેઠક બોલાવી છે, જેમાં આગામી રણનીતિ નક્કી કરીશું.
