રાજસ્થાન: રાજસ્થાનનાં જયપુરમાં (Jaipur) ભારે વરસાદે તબાહી મચાવી છે. જયપુર વરસાદના પાણીમાં જાણે જળમગ્ન થઈ ગયું હોય તેવી સ્થિત સર્જાઈ છે. શહેરમાં શુક્રવાર રાતથી સતત વરસાદ પડી રહ્યો છે. જેનાં કારણે જયપુરના વર્લ્ડ હેરિટેજ ઓલ્ડ સિટી પરકોટા અને ગ્રેટર જયપુર વિસ્તાર તેમજ સીકર રોડ, અજમેર રોડ, આગ્રા રોડ, દિલ્હી રોડ, ટોંક રોડ પર વિવિધ સ્થળોએ પાણી ભરાઈ ગયા છે.
હવામાન વિભાગે જયપુર, દૌસા, અલવર, ઝુંઝુનુ, સીકર, ચુરુ, નાગૌર, અજમેર, જોધપુર, પાલી, ટોંક, રાજસમંદ, ભીલવાડા, સવાઈ માધોપુર, કરૌલી, ધૌલપુર, ભરતપુર, બીકાનેર, 19 જિલ્લામાં વરસાદની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગે પવન અને વીજળી પડવાની સાથે ભારે વરસાદની ચેતવણી આપી છે.
રસ્તાઓ પર 3 ફૂટ સુધી પાણી ફરી વળ્યાં
જયપુરમાં મધ્યરાત્રિ 3 વાગ્યાથી મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે અને વીજળીના કડાકા ભડાકા સાથે સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જયપુર જલપુરમાં ફેરવાઈ ગયું છે. રસ્તાઓ પર નદીઓ વહી રહી હોય તેવી સ્થિત સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થયા છે.
રસ્તાઓ પર 3 ફૂટ સુધી પાણી ફરી વળતા જોવા મળ્યા હતા. જેની સીધી અસર સામાન્ય જનજીવન પર જોવા મળી હતી. મોપેડ તેમજ ફોર વ્હીલર અને બસ ચાલક પણ પાણી ભરાવાના કારણે ફસાઈ ગયા હતા છે. ચાંદપોલ, ગંગૌરી બજાર, ત્રિપોલિયા બજાર, બ્રહ્મપુરી, સુભાષ ચોક, રામગંજ બજાર, જલમહેલ, આમેર રોડ સહિતના અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા.
આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા
હવામાન કેન્દ્ર જયપુરના જણાવ્યા અનુસાર હાલમાં ચોમાસાની ટ્રફ લાઇન સામાન્ય સ્થિતિમાં છે. આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય છે. આજે પૂર્વ રાજસ્થાનના અજમેર, જયપુર, ભરતપુર, કોટા ડિવિઝનનાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. આ સિવાય જોધપુર, બિકાનેર ડિવિઝનના કેટલાક વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ અને એક-બે જગ્યાએ ભારે વરસાદની શક્યતા છે. પૂર્વ અને ઉત્તર-પૂર્વ રાજસ્થાનના ભરતપુર, જયપુર, કોટા વિભાગના કેટલાક ભાગોમાં ચોમાસું સક્રિય રહેશે અને વરસાદી ગતિવિધિઓ ચાલુ રહેશે.