National

રાહુલ ગાંધી કોલેજ ગર્લની સ્કૂટી પાછળ બેસી પિંક સિટી ફરવા નિકળી પડ્યા

જયપુરઃ (Jaipur) પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીની (Rahul Gandhi) જયપુરમાં અલગ જ સ્ટાઈલ જોવા મળી હતી. તે પિંક સિટીના (Pink City) રસ્તાઓ પર સ્કૂટી પાછલ સવાર જોવા મળ્યા હતા. ખાસ વાત એ છે કે રાહુલ ગાંધી એક વિદ્યાર્થીની સાથે સ્કૂટીની પાછળની સીટ પર બેસી જયપુર ફરવા નિકળ્યા હતા. વિદ્યાર્થીની સ્કૂટી ચલાવી રહી હતી અને રાહુલ ગાંધી પાછળ બેઠા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીની એક ઝલક મેળવવા માટે જયપુરના રસ્તાઓ પર મોટી ભીડ એકઠી થઈ હતી. જેના કારણે કોંગ્રેસ સાંસદની સુરક્ષા માટે તૈનાત જવાનોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. તેઓ સતત સ્કૂટીની પાછળ દોડતા જોવા મળ્યા હતા.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે સવારે જયપુર પહોંચ્યા હતા. રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત સહિત પાર્ટીના પ્રભારી અને સહપ્રભારીઓએ જયપુર એરપોર્ટ પર તેમનું વિશેષ સ્વાગત કર્યું હતું. તેઓ જયપુરમાં પાર્ટી કાર્યકર્તાઓને મળ્યા હતા. આ માટે પાર્ટીએ ખાસ તૈયારીઓ કરી હતી. આ કાર્યક્રમ માટે રાહુલ ગાંધી જયપુર પહોંચ્યા ત્યારે પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું જો કે આ દરમિયાન સચિન પાયલટ જોવા મળ્યા ન હતા.

કોંગ્રેસના નવા હેડક્વાર્ટર બિલ્ડિંગનો શિલાન્યાસ કરવા માટે રાહુલ ગાંધી શનિવારે જયપુર પહોંચ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ બપોરે લગભગ 1.30 વાગ્યે જયપુરમાં કોંગ્રેસના નવા મુખ્યાલયની ઇમારતનો શિલાન્યાસ કર્યો હતો. આ પહેલા રાહુલ ગાંધી જયપુરના રસ્તાઓ પર સ્કૂટી પાછળ સવાર જોવા મળ્યા હતા.

પિંક સિટીના રસ્તાઓ પર સ્કૂટી પર ફરવાની રાહુલ ગાંધીની સ્ટાઈલને જોઈ લોકોના ટોળા ભેગા થયા હતા. રાહુલ ગાંધી મહારાણી કોલેજથી સ્કૂટી પર નીકળ્યા હતા. તેણે હેલ્મેટ પહેર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે સ્કૂટી એક વિદ્યાર્થીની ચલાવી રહી હતી. રાહુલ ગાંધી સ્કુટીની પાછળની સીટ પર બેઠા હતા. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને મીડિયાકર્મીઓ તેમના કેમેરામાં તેમની શૈલીને કેદ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

રાહુલ ગાંધી હમેશા તેમના અલગ અંદાજ માટે જાણીતા છે. જોકે કેટલીકવાર તેઓ ટ્રોલ પણ થાય છે અને ચર્ચાનો વિષય પણ બની જાય છે. આ પહેલા રાહુલ ગાંધી દિલ્હીમાં કુલીઓની સાથે કુલીના વેશમાં જોવા મળ્યા હતા. તેમણે કુલીની જેમ માથા પર બેગ મુકી હતી. તે સમયે પણ સુરક્ષા માટે તૈનાત જવાનોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

Most Popular

To Top