શું જહાનવી કપૂર બીજી આલિયા ભટ્ટ બનવા જઇ રહી છે? એવો પ્રશ્ન ચર્ચાતો હતો એનો જવાબ ખુદ આલિયાએ જ આપી દીધો છે. આલિયાની ચાહક રહેલી જહાનવીને તેની સાથેની સરખામણી પસંદ આવી છે અને તેણે એમ કહી દીધું છે કે તેનામાં નવી આલિયા બનવાની ક્ષમતા છે.
સોશ્યલ મીડિયા પર જહાનવીની ફિલ્મોનો અત્યાર સુધીનો અભિનય જોઇ એક ચાહકે તેની સરખામણી આલિયા સાથે કર્યા પછી કહ્યું કે ‘તે આલિયાની જેમ કારકિર્દી બનાવી શકે છે.’ ત્યારે જહાનવીએ કહ્યું કે ‘એવું બને તો તમારા મોંમાં ઘી-સાકર!’ જહાનવી સ્વીકારે છે કે બોલિવૂડમાં તંદુરસ્ત હરિફાઇ છે. પરંતુ એવું ઇચ્છતી નથી કે પોતાની ફિલ્મો ચાલે અને બીજાની નહીં. જહાનવીએ શ્રીદેવીની પુત્રી તરીકે કારકિર્દી શરૂ કરી હતી પરંતુ પહેલી જ ફિલ્મ ‘ધડક’ થી પોતાના અભિનયથી ધ્યાન ખેંચ્યું હતું. એ પછી તેની ‘ગુંજન સક્સેના : ધ કારગિલ ગર્લ’ ની ભૂમિકાને પસંદ કરવામાં આવી હતી.
આ ઉપરાંત નેટફ્લિક્સ પર તેની ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ પણ આવી ચૂકી છે. નવી ફિલ્મ ‘રૂહી’માં બે પ્રકારની ભૂમિકાને ન્યાય આપવા બદલ જહાનવીની પ્રશંસા થઇ રહી છે. કોરોનાના સમયમાં પણ બોક્સ ઓફિસ પર ફિલ્મને સારો આવકાર મળ્યો છે. ફિલ્મએ પહેલા સપ્તાહમાં રૂ.૨૦ કરોડની કમાણી કરી એ પછી જહાનવીનું મહત્વ વધી ગયું છે. જહાનવીએ ‘રૂહી’ ની રજૂઆત પહેલાં તેના ચાહકોને કહ્યું હતું કે આ ફિલ્મ પર મારી કાર્કિર્દીનો આધાર છે અને થિયેટરોનું ભવિષ્ય છે એટલે થિયેટરોમાં જોવાનો આગ્રહ રાખજો. ‘રૂહી’ ને પસંદ કરવામાં આવી એ માટે તેની મહેનત પણ હતી. અગાઉ ‘ગુંજન સક્સેના’ ની ભૂમિકા માટે તેણે ખાસ તૈયારી કરી હતી. તે અભિનેત્રી માટે જરૂરી પોતાની દરેક પ્રકારની ક્ષમતા વધારવા માટે નિયમિત રીતે જીમમાં જાય છે અને ડાન્સ ક્લાસમાં હાજરી આપે છે.
નવાઇની વાત એ છે કે શ્રીદેવી ઇચ્છતી ન હતી કે તેમની મોટી પુત્રી જહાનવી ફિલ્મોમાં આવે. જહાનવી કહે છે કે ‘શ્રીદેવી એમ માનતા હતા કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ટકી રહેવાનું સરળ નથી હોતું.’ ત્યારે જહાનવી અત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પોતાનું સ્થાન બનાવવા જઇ રહી છે. તેની કાર્તિક આર્યન સાથેની આગામી ફિલ્મ ‘દોસ્તાના ૨’ માટે પણ વધારે આશા રાખવામાં આવી રહી છે.
‘બિગ બી’ ના પુત્ર અભિષેકના અભિનયની વધુ એક પરીક્ષા થશે?
શું ‘ધ બિગ બુલ’ થી અભિષેક બચ્ચન અભિનેતા પિતા ‘બિગ બી’ ની જેમ છવાઇ શકે છે? ‘ધ બિગ બુલ’ ના ત્રણ મિનિટના ટ્રેલરમાં અભિષેક પોતાના દમદાર સંવાદ અને અભિનયથી છવાઇ ગયો છે એ પરથી કહી શકાય કે આ ફિલ્મ તેની કારકિર્દીમાં મહત્વની સાબિત થઇ શકે છે. ફિલ્મમાં હવે તે પોતાનું નામ પણ ‘અમિતાભ એ. બચ્ચન’ લખાવે છે. આ ફિલ્મનું નિર્માણ કરી અજય દેવગને અભિષેક પર દાવ લગાવ્યો છે. એ પરથી કહી શકાય કે નિર્માતાઓને હવે અભિષેક પર ભરોસો કરી શકાય એમ લાગે છે. નેપોટિઝમના આરોપ કે અભિનય પરના સવાલોને નજરઅંદાજ કરીને અભિષેક સતત નવી ભૂમિકાઓ પર મહેનત કરી રહ્યો છે.
અલબત્ત ‘ધ બિગ બુલ’ માં અભિષેકનો લુક જોઇને તેની ‘ગુરૂ’ યાદ આવી શકે છે. તો શેર માર્કેટની વાર્તાને કારણે વેબસિરીઝ ‘સ્કેમ ૧૯૮૨’ ની નકલ જેવી લાગે છે. જો કે, ફિલ્મની વાર્તા મુંબઇની ૧૯૮૭ ની હોવાનો ઉલ્લેખ કરી દેવામાં આવ્યો છે. ૮ મી એપ્રિલે ઓટીટી પર રજૂ થનારી ‘ધ બિગ બુલ’ માં અભિષેક પ્રભાવિત કરી દે એવા અંદાજમાં છે. ફિલ્મનું ટ્રેલર અભિષેક ઉપરાંત રામ કપૂર, સૌરભ શુક્લા, ઇલિયાના, સુપ્રિયા પાઠક વગેરેને કારણે દર્શકો પર એક અલગ અસર મૂકવામાં સફળ રહ્યું છે અને એને જોવાની ઉત્સુક્તા વધારી ગયું છે.
ફિલ્મની વાર્તા માટે ઘણું સંશોધન કરવામાં આવ્યું છે અને ‘ઇસ દેશ મેં હમ કુછ ભી કર સકતે હૈ, બસ એક રુલ હૈ કિ પકડે નહીં જા સકતે’, ‘આપકા શેર ઇતિહાસ બનાયેગા’ અને સમઝા દે અપને ભાઇ કો કિ બહોત ઉંચી ઉડાન ભર રહા હૈ, ઔર વો ભી બિના પેરેશૂટ કે’ જેવા દમદાર સંવાદથી પાત્રોને મજબૂત બનાવવાનો પ્રયાસ થયો છે. આખા ટ્રેલરમાં અભિષેક પોતાના લુક અને અંદાજથી છવાઇ ગયો છે. તેણે ચહેરાના હાવભાવ પર આ વખતે વધારે મહેનત કરી છે. તેની છેલ્લી ફિલ્મ ‘લૂડો’ ને ભલે ખાસ પસંદ કરવામાં આવી ન હતી પરંતુ ‘ધ બિગ બુલ’ મોટી આશા જગાવી રહી છે. એમ પણ કહી શકાય કે તેના અભિનયની આ એક વધુ પરીક્ષા છે. કેમ કે હંમેશા ફિલ્મોની પસંદગી બાબતે અભિષેકની ટીકા થતી રહી છે. તે પહેલી ફિલ્મ ‘રેફ્યુજી’ થી જ સમજી-વિચારીને ફિલ્મો પસંદ કરતો ન હોવાનું કહેવાય છે. સોશ્યલ મિડીયા ઉપર તે ટ્રોલ થતો રહ્યો છે. અભિષેક ટ્રોલરોને જવાબ આપતો રહે છે પણ એક અભિનેતા તરીકે સાચો જવાબ તે પોતાની ફિલ્મોની સફળતાથી જ આપી શકે એમ છે.