પારડી: (Pardi) પારડીના નાની કચવાલ ગામની કરિયાણા સ્ટોરમાંથી (Grocery Store) FSLની ટીમે રૂ. 1.26 લાખનો નવસાર ગોળનો (Jaggery) જથ્થો જપ્ત કર્યો હતો. FSLની ટીમે ગોળનો સેમ્પલ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
- પારડીના નાની કચવાલ ગામની કરિયાણા સ્ટોરમાંથી રૂ. 1.26 લાખનો નવસાર અને ગોળનો જથ્થો મળ્યો
- FSLની ટીમે ગોળનો સેમ્પલ લઇ રૂ.1.26 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
પારડી પોલીસની ટીમ નાની કચવાલ ગામે પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન પટેલ ફળિયામાં બજરંગબલી કરિયાણા સ્ટોર પાસે શંકાસ્પદ કાર (નં. જીજે-23 એમ-9752) ઉભી હતી. જેથી પોલીસે તપાસ કરતા કારમાંથી ગોળ અને નવસારનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે કારચાલક સુરેશચંદ હુકમીચંદ રેગર (રહે. નાની કચવાલ)ની પૂછપરછ કરતાં તેમની પાસે કોઈ પાસ પરમીટ ન હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે દુકાનમાં તપાસ કરતા ત્યાંથી પણ અખાદ્ય ગોળ અને નવસારનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસને કાર અને દુકાનમાંથી 23 બોક્ષમાં 460 કિલો ગોળનો જથ્થો અને 20 બોક્ષમાં 560 નંગ નવસારનો જથ્થો મળતા દુકાન સંચાલક સુરેશની અટક કરી હતી. કાર તથા ગોળ અને નવસારનો જથ્થો મળી કુલ રૂ.1.26 લાખનો મુદ્દામાલ કબજે કરી એફએસલની ટીમને ગોળના સેમ્પલ આપી આગળની કાર્યવાહી પારડી પોલીસ કરી રહી છે.
પારડી પારનદીમાં પાણીના સ્તર નીચે ઉતરતા પાણીની તંગી સર્જાવાની શકયતા
પારડી: પારડી નગરજનો માટે જીવાદોરી સમાન પારનદીમાં ઉનાળાની શરૂઆત પહેલાંજ પાણીના સ્તર નીચે ઉતરી જતાં પારડી શહેરના લોકોને બે દિવસથી પાણીની તંગીનો સામનો કરવો પડ્યો હતો. જે સમસ્યાને ધ્યાને લઇ પારડી નગરપાલિકા વોટરવર્કસ ચેરમેન નિકીતાબેન પટેલ અને ટેકનિશિયન ગની શેખની ટીમ પાર નદીએ પહોંચી ગઈ હતી. સ્થળ પર જતા પાણીની તંગી સર્જાવાનું કારણ સામે આવ્યું હતું. ટીમે ત્યાં જઈ જોતા વરસાદી પાણીને લઇ કેનાલમાં કાદવ ભરાઈ જવાથી પાણી આવતું બંધ થયાનું જાણવા મળ્યું હતું. જે બાદ તરત જ પાલિકાએ જેસીબી લાવી કેનાલની સાફ-સફાઈ કરી, કેનાલમાંથી કાદવ બહાર કાઢી પાણીનો માર્ગ ખુલ્લો કર્યો હતો. નોંધનીય છે કે પારનદીમાં પાણીના સ્તર નીચે ઉતરી ગયા છે. નગરજનોને પાણીની સમસ્યા ન રહે તે માટે નિકીતાબેન પટેલે દમણગંગા નહેર વિભાગને પંચલાઇ ડેમમાંથી પાણી છોડવા અપીલ કરી હતી.