નવી દિલ્હી: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની (India Australia Border Gavaskar Trophy) બીજી ટેસ્ટ મેચ દિલ્હીમાં ચાલી રહી છે. ઓસ્ટ્રેલિયાએ અહીં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ તે પ્રવાસી ટીમ માટે ખોટો સાબિત થયો હતો. કારણ કે રવીન્દ્ર જાડેજા (Ravindra Jadeja) અને રવિચંદ્રન અશ્વિનની (Ravichandran Ashwin) જોડીએ ફરી એકવાર પોતાનો પાવર દેખાડ્યો હતો અને ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને પીચ પર ભરતનાટ્યમ કરવા મજબૂર કરી દીધા.
ભારતીય બોલરો સામે કાંગારૂ ટીમ સદંતર નિષ્ફળ જણાઈ હતી. દિલ્હી ટેસ્ટના પહેલાં દિવસે પહેલી ઈનિંગમાં મોહમ્મદ શમીએ 4, રવિચંદ્રન અશ્વિને 3 અને રવિન્દ્ર જાડેજાએ 3 વિકેટ ઝડપી હતી અને ઓસ્ટ્રેલિયાને માત્ર 263 રન પર ઓલઆઉટ કરી દીધું હતું. ઓસ્ટ્રેલિયાના માત્ર બે બેટ્સમેન સારો દેખાવ કરી શક્યા હતા. ઓપનર ઉસ્માન ખ્વાજાએ 81 રનની ઇનિંગ રમી હતી. જ્યારે પીટર હેન્ડ્સકોમ્બે 72 રનની અણનમ ઇનિંગ રમી હતી.
પહેલાં દિવસના અંતે ભારતે વિકેટ ગુમાવ્યા વિના 21 રન બનાવ્યા
કેપ્ટન રોહિત શર્મા અને કેએલ રાહુલ પ્રથમ દિવસે અણનમ પરત ફર્યા છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર વિકેટ ગુમાવ્યા વિના 21 રન છે અને આ સાથે જ દિલ્હી ટેસ્ટના પહેલા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાનો પ્રથમ દાવ 263માં સમેટાઈ ગયો, ટીમ ઈન્ડિયા હજુ 242 રન પાછળ છે. દિવસની રમત પૂરી થાય તે પહેલા, રોહિત શર્માને જીવનદાન મળ્યું હતું. રોહિતને નાથન લિયોનના બોલ પર આઉટ જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ DRSએ તેને બચાવી લીધો અને અમ્પાયરે પોતાનો નિર્ણય પાછો ખેંચવો પડ્યો.
રવિચંદ્રન અશ્વિને ઓસ્ટ્રેલિયા સામે 100 વિકેટ પૂરી કરી
રવિચંદ્રન અશ્વિને આ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે પોતાની 100 ટેસ્ટ વિકેટ પૂરી કરી હતી, જ્યારે રવિન્દ્ર જાડેજાએ તેની ટેસ્ટ કારકિર્દીમાં 250 વિકેટ પૂરી કરી હતી. બંનેનો આ રેકોર્ડ ઘણો ખાસ છે. ખાસ કરીને જ્યારે આ ટેસ્ટ ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહી છે. રવિચંદ્રન અશ્વિનના નામે ખાસ રેકોર્ડ રવિચંદ્રન અશ્વિને તાજેતરમાં જ ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 450 વિકેટ પૂરી કરી વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ક્રિકેટમાં 100 વિકેટ પૂરી કરી છે, તે આવું કરનાર બીજો ભારતીય બોલર બની ગયો છે. ભારત તરફથી ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ પૂર્વ કેપ્ટન અનિલ કુંબલેના નામે છે.
રવિન્દ્ર જાડેજાએ 250 વિકેટનો માઈલસ્ટોન પાર પાડ્યો
રોકસ્ટાર રવિન્દ્ર જાડેજાએ પણ આ ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું, તેણે ટેસ્ટ ક્રિકેટમાં 250 વિકેટ પૂરી કરી લીધી છે. તેની પાસે ટેસ્ટમાં 2500 રન અને 250 વિકેટ છે, રવિન્દ્ર જાડેજા હવે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછી મેચોમાં આવું કરનાર બીજો ક્રિકેટર બની ગયો છે. ઈયાન બોથમે 55 ટેસ્ટમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી જ્યારે રવિન્દ્ર જાડેજાએ 62 મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈમરાન ખાને 64 મેચમાં આ કર્યું હતું.