ગાંધીનગર નજીક કરાઈ સ્થિત ગુજરાત પોલીસ અકાદમીના પરેડ ગ્રાઉન્ડ ખાતે ગુરુવારે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં બિન હથિયારી લોકરક્ષક બેચ નંબર-૧૩ના ૪૩૮ તાલીમાર્થીનો દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો. પોલીસ કલર્સ મેડલથી નવાજિત ‘ગુજરાત પોલીસ’નો હિસ્સો બની રહેલા આ તમામ દીક્ષાર્થી લોકરક્ષકોને અભિનંદન આપી ગૃહ રાજ્ય મંત્રીએ ખાખીની ખુમારીનું જતન અને સમાજની સેવા સાથે આધુનિક ટેક્નોલોજી સાથે કદમથી કદમ મિલાવીને ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઈ જવાના રાજ્ય સરકારના સંકલ્પની દિશામાં પ્રયત્નશીલ રહેવા આહવાન કર્યું હતું.
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યની પોલીસે સ્માર્ટ હોવું જરૂરી છે. સ્માર્ટ એટલે S-સેન્સેટિવ, M-મોબાઇલ એન્ડ મોડર્ન, A-દેશ અને રાજ્યની પોલીસે એકાઉન્ટેબલ એન્ડ એલર્ટ, R-રિસ્પોન્સિબલ એન્ડ રિલાયેબલ અને T-ટેક્નોસેવી. એવી જ રીતે હવે પોલીસે તેનાથી પણ વધુ એક કદમ આગળ સ્માર્ટની સાથે સાથે શાર્પ પણ હોવાની જરૂર છે. સોશિયલ મીડિયાના આ જમાનામાં વાઇફાઇના ઉપયોગ થકી હાઈ ફાઈ બનેલા ગુનેગારોની સામે પોલીસે પણ સ્માર્ટ અને શાર્પ બનવું જરૂરી છે અને તે બાબતને ધ્યાને રાખીને આ અકાદમી મારફત તમામ દીક્ષાર્થીઓને ખૂબ જ બારીકાઈથી તમામ વિષયોની તાલીમ આપીને તાલીમબદ્ધ કર્યા છે, તેનો મને ગર્વ છે.
ગુનેગારોની સામે ગુજરાત પોલીસ તંત્ર પણ ટેક્નોસેવી બને એ માટે સરકારે પોકેટ કોપના માધ્યમથી પોલીસ તંત્રને સજ્જ કર્યું છે. એટલું જ નહીં રાજ્ય સરકારે રાજ્યમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ૭,૦૦૦ જેટલા સીસીટીવી કેમેરા લગાડી રાજ્યને વધુ સુરક્ષિત બનાવ્યું છે. સમગ્ર ટેક્નોલોજિકલ અપગ્રેડેશનનો લાભ ત્યારે જ મળી શકશે, જ્યારે પાયાના લોકરક્ષક જવાનો અપગ્રેડ હોય. અને મને ગર્વ છે કે આ તાલીમ શાળામાંથી તૈયાર થયેલા તમામ લોકરક્ષક જવાનોએ અત્યાધુનિક ટેક્નોલોજી સાથે યોગ્ય તાલીમ થકી પોતાની સ્કીલ અપગ્રેડ કરી છે.