એક ગરીબ સ્ત્રી ચાર છોકરાઓની મા.પતિ છોડી ગયેલો.સ્ત્રી છ ઘરમાં વાસણ કપડાંનાં કામ કરે અને ઘરે વળી સાડીને ફોલ મૂકવાનું કામ રાત જાગીને કરે ત્યારે માંડ છોકરાઓને જમાડી શકે.સ્ત્રી ભગવાન કૃષ્ણની પરમ ભક્ત હતી. આટલી ગરીબી અને દુઃખમાં પણ તે પ્રેમથી ભાવથી ભગવાન કૃષ્ણની પૂજા કરતી, જે મળે તે ધરાવતી.રોજ મંદિરે જતી અને મંદિરમાં પણ સાફ સફાઈનું કામ કોઈ મહેનતાણું લીધા વિના કરતી.તેના મનમાં સંપૂર્ણ શ્રધ્ધા હતી. કોઈ અસંતોષ ન હતો. કોઈ ફરિયાદ ન હતી.
આજુબાજુ રહેવાવાળા ઘણાં સ્ત્રીની મજાક કરતાં કે ભગવાને તને કેટલું દુઃખ આપ્યું છે તો પણ શું આખો દિવસ તેમનું નામ લેતી રહે છે.સ્ત્રી બોલી, ‘મારો કૃષ્ણ કરે તે સાચું.’ આ સ્ત્રી બિચારી એક દિવસ કામ પરથી ઘરે આવતી હતી ત્યારે તેનો એક્સિડન્ટ થઇ ગયો અને તે બિચારીનો પગ ભાંગી ગયો. તે હવે ઘણા દિવસ કામ કરી શકે તેમ ન હતી.આજુબજુવાળાએ ફરી મજાક કરી કે ‘લે તારી ભક્તિનું આ ફળ મળ્યું.’ સ્ત્રી એટલું જ બોલી, ‘મારો કૃષ્ણ કરે તે સાચું.’ થોડા દિવસ વીત્યા અને ઘરમાં જે કંઈ હતું તે અનાજ ખતમ થઇ ગયું.છોકરાઓ ભૂખે મરવા લાગ્યાં.સ્ત્રી મનમાં મૂંઝાતી અને ભગવાન કૃષ્ણને સતત પ્રાર્થના કરતી.મોટી દીકરી જે નાના ભાઈ બહેનને સંભાળતી હતી તેને પૂછ્યું, ‘મા ,ચાર દિવસથી કંઈ ખાધું નથી. હવે શું થશે? આ ભૂખ સહેવાતી નથી.’ સ્ત્રી અને તેની દીકરી રડી પડ્યાં અને રડતાં રડતાં ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે, ‘પ્રભુ, મદદ મોકલો. આ ભૂખ્યાં છોકરાંઓને અનાજ આપો.’
આ પ્રાર્થના સ્ત્રીની મજાક ઉડાડતાં જુવાનિયાઓએ સાંભળી. તેમને મજાક કરવાનું મન થયું.બધાએ થોડા થોડા પૈસા કાઢી અનાજ અને શાકભાજી લીધાં અને સ્ત્રીના ઘરની બહાર મૂકી દરવાજો ખખડાવી સંતાઈ ગયા.સ્ત્રીની મોટી દીકરીએ દરવાજો ખોલ્યો અને અનાજ અને શાકભાજી જોયાં.મા ને બૂમ પાડી કહ્યું,મા બોલી, ‘લઇ લે.’ દીકરી સામાન લેવા જાય તે પહેલાં જ જુવાનિયાઓ આવીને હસવા લાગ્યા અને થેલી ઉપાડી ઘરમાં સ્ત્રી પાસે ગયા અને મજાકમાં બોલ્યા, ‘આ અમે લાવ્યાં છીએ. તમારા કૃષ્ણે કંઈ કર્યું નથી સમજી.’ સ્ત્રી હસી અને ભગવાન કૃષ્ણની જય બોલાવીને બોલી, ‘જુઓ મારો કૃષ્ણ સુઝાડે અને કૃષ્ણ કહે એટલે તેને ન માનનારાઓએ પણ તેમનું કામ કરવું પડે.મને મદદ પહોંચાડવા મારા કૃષ્ણે તમને આ મજાક કરવાનું સુઝાડ્યું.મારો કૃષ્ણ કરે તે જ સાચું.’ સ્ત્રીની આંખોમાં ભક્તિભાવ ભરેલી અશ્રુધારા હતી અને જુવાનિયાઓ થેલીઓ ત્યાં મૂકી નીચું જોઈ ચાલ્યા ગયા.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.