Comments

ઊંચા પરિણામ માટે નહીં સાચાં પરિણામ માટે વિચારવાનો સમય આવ્યો છે

ગુજરાતમાં હવે બોર્ડની પરીક્ષાઓ નજીકમાં છે. એ પતશે પછી તરત સ્કૂલની અને યુનિવર્સિટીની પરીક્ષાઓ શરૂ થશે. વિદ્યાર્થી અને માતા પિતાને પરિણામની ચિંતા હોય છે. પરીક્ષા પે ચર્ચા જેવા કાર્યક્રમો દ્વારા આ ચિંતા ઓછી કરવાના પ્રયત્નો થાય છે પણ ગુજરાતમાં શિક્ષણ અને પરીક્ષણનો હાલ જેને અનુભવ છે તે સૌ ને પરિણામ કરતાં તેની ગુણવત્તા માટે ચિંતા થાય તેવું વાતાવરણ છે.

“શિક્ષણ મોંઘું નહીં પણ અઘરું હોવું જોઈએ. શિક્ષણ લાંબું નહીં પણ ઊંડું હોવું જોઈએ”. “શિક્ષણ આપો ત્યારે સરળ અને મૂલ્યાંકન કરો ત્યારે કડક હોવું જોઈએ’’.આ બધાં હવે સુવાક્યો છે. વધારે પડતું ઊંચું પરિણામ પરીક્ષા અને મૂલ્યાંકન બન્ને માટે નિષ્ફળતાના સૂચક છે. આજે વિજ્ઞાન અને માહિતીના યુગમાં આમ તો દુનિયાભરમાં આર્ટસ, સાયન્સ અને કોમર્સના અભ્યાસક્રમો લગભગ સરખા છે. યુરોપ કે અમેરિકાના મેડીકલનાં વિદ્યાર્થીઓ માટે જે અભ્યાસક્રમ છે તે જ ભારતમાં પણ છે. બ્રિટીશ અંગ્રેજીમાં માસ્ટર્સ કરતાં વિદ્યાર્થી અને ગુજરાત યુનિ.ના માસ્ટર્સ કરતાં વિદ્યાર્થી લગભગ સરખું જ ભણવાનું હોય છે પણ ભણાવાય છે જુદી રીતે. પરીક્ષણ જુદી રીતે થાય છે અને મૂલ્યાંકન જુદી રીતે થાય છે. અરે, બે દેશોની વાત ક્યાં કરવી? ભારતમાં જ દિલ્હી યુનિ. , વડોદરા યુનિ. અને ઉત્તર ગુજરાત યુનિ. ના અભ્યાસક્રમો તો લગભગ સરખા જ છે. પણ, ડીગ્રી મેળવનારની ગુણવત્તા જુદી જુદી છે.

ક્યારેય વિચાર્યું કે ભારતમાં કેમ મેડીકલ કરવા બધા નથી આવતા? કેમ આપણી યુનિવર્સિટીમાં અંગ્રેજી વિષય સાથે માસ્ટર થયેલ વિદ્યાર્થી ટોફેલ કે અઈલેટસ માં પાસ નથી થતો ? શા માટે આપણી યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ થવું સહેલું છે અને ટોફેલ જેવી પરીક્ષા અઘરી છે અને મૂળ મુદ્દો તો એ કે કેમ આ પરીક્ષાઓ આપો પછી જ વિદેશ જવા મળે ? આપણા દેશની ડીગ્રી પર જવા ના મળે ?

કારણ આપણાં મૂલ્યાંકનો સતત ગુણવત્તા ગુમાવતાં જાય છે. હવે મુદ્દો એ છે કે આ ગુણવત્તાહીન ઊંચાં પરિણામો કોના લાભાર્થે છે? આ લેખમાળામાં આપણે સતત કહેતાં આવ્યાં છીએ કે હવે એવી કોઈ નોકરી નથી જે સીધી તમારી ડીગ્રીના આધારે મળી જાય. ભણશો તો કંઈક કરશો એ જૂની વાત છે. બાળકોના શિક્ષણ માટે તર્ક ગુમાવી ઘાંઘાં થતાં મા બાપ આ ક્યારે સમજશે એ પ્રશ્ન છે.

ઊંચાં પરિણામો સૌ પ્રથમ સરકારને ગમે છે કારણ આજકાલ માહોલ જુદો છે. અમારી સરકાર સારું શિક્ષણ આપે છે. અમારા સમયમાં શિક્ષણનું સ્તર સતત સુધરતું જાય છે.જુઓ પરિણામો.આ સરકારનો જથ્થાત્મક અભિગમ છે અને લોકપ્રિયતા માટેની જરૂર છે. પહેલાં સ્કૂલ બોર્ડનાં નીચાં પરિણામો માટે સરકાર ચિંતા નો’તી કરતી, હવે કરે છે કારણ આગળ સમજવા મળશે.

ઊંચાં પરિણામોના બીજા લાભાર્થી છે સ્કૂલ કોલેજનાં સંચાલકો.બાળક નપાસ થાય તો તેનો આગળ ભણવાનો ઉત્સાહ ઓસરી જાય અને માબાપ પણ જો બાળક નબળું હોય તો આગળ ભણાવવાનું માંડી વાળે. પણ જો પાસ થાય અને તે પણ માફકસરના માર્કથી તો માબાપ જોડતોડ કરીને પણ તેને આગળ ભણાવે. હવે ખાનગીકરણના યુગમાં સરકારે સરકારી શાળા કોલેજો તો વધારી નથી એટલે બાળક જવાનો ખાનગી શાળા કોલેજમાં. એટલે ઊંચાં પરિણામો ( ઓછા ટકા વાળાં ) સંચાલકોને ફાયદો કરાવનારા અને હરખાવનારાં હોય છે.

સરકાર અને સંચાલકોને ઊંચાં પરિણામમાં રસ હોય છે તેવું તો તમે સાંભળ્યું હશે પણ આપણે ત્યાં નોકરી ટકાવવા માટે પણ ઊંચાં પરિણામ જોઈએ છે એટલે શિક્ષકો અને અધ્યાપકો ફાજલ ના પડે તે માટે પણ વિદ્યાર્થીઓ તો જોઈએ જ ! તો ઊંચાં પરિણામના ત્રીજા લાભાર્થી આ છે . જ્યાં જ્યાં પરીક્ષણ અને મૂલ્યાંકનમાં આ પરિબળ મહત્ત્વનું થાય છે ત્યાં ..”અલ્યા પાસ કરજો નહીં તો આપણે જ છુટા થવાનું આવશે”ના નામે વધુ પાસ કરાય છે.

તો ઊંચાં પરિણામના કહેવતા  બે લાભાર્થી વિદ્યાર્થીઓ અને વાલી તો બિચારા હોળીનું નાળિયેર છે. કોઈકના ધંધા માટે તેમને ફૂલેકે ચડવાના છે, બાકી આ શિક્ષણ માટે ચાલતું તંત્ર નથી. અહીં કોઈને શિક્ષણ સુધરે તેમાં રસ નથી. અભ્યાસક્રમો સરળ કરો.પછી પરીક્ષા પદ્ધતિ સરળ કરો. પછી મૂલ્યાંક્ન ઉદાર કરો. કાંઈ પણ કરો, મોટી સંખ્યામાં પાસ કરો અને પછી આના આ જ કહેશે કે એન્જીનીયર બેકાર છે . એમ એ બીએડ થયેલા બેકાર છે . પણ કોઈ એમ નહીં કહે કે આ ખરેખર જ બેકાર છે.

ચિંતા કરો.સો માંથી નેવું પાસ થાય તેની ચિંતા કરો. આપણા બાળકને તેની આવડત કરતાં વધુ મળતું થાય તેની ચિંતા કરો.વિદ્યાર્થી નબળો હોય તે દેખાય પણ શિક્ષક, અધ્યાપક કે શિક્ષણની મૂળ વ્યવસ્થા જ નબળી હોય એ જલ્દી ના દેખાય. શિક્ષણને ઊંચું લાવો, પરિણામને નહીં. વરસ ના બગડ્યું તેનો આનંદ ટૂંકા ગાળાનો છે પણ આવડત વગરની ડીગ્રી લાંબા ગાળાનું નુકસાન કરે છે. તુલસીદાસનો એક દોહો છે કે

“દુર્જન કઈ કરુણા બુરી ,ભલો સજ્નકો ત્રાસ . જબ સુરજ ગરમી કરે તબ બરસન કઈ આસ !”.. મતલબ કોઈ અમસ્તું તમને મદદ કરે તમને મફતના લાભ આપવાની વાત કરે ,યોગ્યતા વગરનું માન આપવા માંડે તો ચેતજો ..બજારમાં સોનું પચાસ હજારનું તોલો હોય અને તમને કોઈ હાજર રૂપિયામાં આપવામાં તૈયાર થાય તો તમે તરત ચેતો કે નહીં? જે નથી ચેતતા તે છેતરાય છે કે નહીં? તો આ તો સોના કરતાં પણ વધુ મૂલ્યવાન છે . જ્ઞાન છે ,આવડત છે ..એ આવડ્યાનું પ્રમાણપત્ર તમને એમને એમ કોઈ આપવા માગે છે તો ચેતવાનું કે છેતરાવાનું ? વિચારો તો ખરા.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top