એક વાર એક ધનવાન (?) શેઠ, કોઇ અંતરિયાળ ગામના ઝૂંપડાવાસી એક ગરીબ માણસ પાસે (મદદ કરવા નહીં, પણ મદદ માંગવા માટે) ગયા. પેલા ગરીબ માણસે શેઠને આવકાર આપીને પોતાનું ઝૂંપડું પાવન કરવાનું કારણ પૂછયું. શેઠે કહ્યું ‘મારે દશ લાખ રૂપિયા ઉછીના જોઇએ છે’ પેલો અભાગિયો ઝૂંપડાવાસી તો આ સાંભળીને હેબતાઇ ગયો. અવાક્ બની ગયો. ઘડીભર ચક્કર આવી ગયા. સ્વસ્થ થયા બાદ તેણે શેઠને કહ્યું ‘શેઠ સા’બ, મારી પાસે બે લંગોટી છે. તમને જોઇતી હોય તો એમાંથી એક હું તમને આપી શકું એમ છું.’ હવે ચક્કર ખાવાનો વારો શેઠનો હતો. લોન લેવા જતાં લંગોટી પણ પહેરવાનો વારો આવી શકે! વાર્તાનો સાર લોન ન લો તો સારું.
સુરત – રમેશ એમ. મોદી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સમૂહલગ્ન પ્રથા લાવો
લગ્ન સીઝનની પૂરબહાર મોસમ, શિયાળાની ઠંડીના આરંભ સાથે ગૂંજી ઊઠશે. લગ્ન પ્રસંગ કૌટુંબિકજનો માટે અત્યંત આનંદ-ઉત્સાહ અને ઉમંગનો અવસર હોય છે. આ લગ્નમાં થતો પ્રિ-વેડીંગ શુટીંગ, ઝાકમઝોળ લગ્નની શાનદાર ઉજવણી બંને કુટુંબો માટે ખર્ચાનો વિષય મુખ્ય રહે છે. ખાસ કરીને મધ્યમ વર્ગ કુટુંબ માટે, દીકરીનાં લગ્ન ઉજવવા પિતાએ લોનનો સહારો લેવો પડે છે જે કદાચ આવકાર્ય નથી.
આ પ્રથામાં પરિવર્તન લાવી સર્વ સાદાઈ વિધિથી લગ્ન/સમૂહલગ્ન પ્રથાને પ્રાધાન્ય આપી, જો બંને કુટુંબો રાજીખુશીથી સંમત થાય તો લગ્નમાં થતો અઢળક ખર્ચો ચોક્કસ બચાવી શકાય. જેનો ઉપયોગ દીકરીને કન્યાદાનમાં જરૂરી ઉપયોગી – ઘરવખરીની ભેટ આપી અને અમુક રકમની બેંક FD/POST OFFICE/જીવન સુકન્યા રોકાણમાં દીકરીના નામે કરી, તેનું ભવિષ્ય પણ સુરક્ષિત રાખી શકાય છે.
આ ઉપરાંત કન્યાદાનમાં ચોક્કસ જ પ્રેરણાત્મક અભિગમ ધરાવતાં જીવનલક્ષી પુસ્તકોની પણ ભેટ જરૂર આપો. જે ભવિષ્યમાં કદાચ વિકટ પરિસ્થિતિ ઉદ્દભવે તો દીકરીને માટે પ્રેરણા સ્રોત બનશે. આ લગ્નપ્રથાનો પ્રચાર-પસાર લગ્નમેળામાં પણ જરૂર થાય તો સોનામાં સુગંધ ભળશે.
સુરત – દીપક બી. દલાલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.