Gujarat

હજી પણ નહીં મળે ગરમીથી રાહત, રાજ્યમાં આ તારીખ સુધી યલો એલર્ટ જાહેર

ગાંધીનગર: આ વર્ષે ગરમીએ (Heat) સૌ કોઈને દઝાડ્યા છે. ગુજરાતમાં (Gujarat) પણ આ વર્ષે આકરી ગરમી પડી રહી છે. હજી પણ રાજ્યમાં ગરમીનો પારો વધી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 20મે થી 22 મે સુધી હિટવેવની (Heat wave) આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 20થી22 મે સુધી યલો એલર્ટ (Yellow Alert) જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં ગરમીનો પાર ફરી એકવાર વધી શકે છે. અમદાવાદ, ગાંધીનગર સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ આકરી ગરમી પડી શકે છે. અમદાવાદ શહેરમાં ફરી એકવાર ગરમીનો પારો 45 ડિગ્રીને પાર જવાની શક્યતા સેવાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ગરમીનો પારો વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને કચ્છમાં હિટવેવની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યમાં આગામી 20થી 22 મે સુધી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાતના 7 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીનેે પાર પહોંચ્યો છે. 43 ડિગ્રી સાથે રાજકોટ શહેર સૌથી ગરમ રહ્યું છે. જ્યારે અમદાવાદ-રાજકોટ તથા સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યો હતો. તો બીજી તરફ સૌરાષ્ટ્રના અમરેલીમાં ગરમીનો પારો 41.5 ડિગ્રીને પાર પહોંચ્યો છે. ગાંધીનગરમાં 41.4 ડિગ્રી જ્યારે ભુજમાં 41.2 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. રાજ્યમાં ઉત્તર-પશ્ચિમના પવન ફૂંકાતા ગરમ પવનોનો મારો ચાલુ રહ્યો છે. જેની અસરથી ગરમીના પારામાં અચાનક વધારો નોંધાયો છે.

અમદાવાદ એરપોર્ટ કેમ્પસમાં આવેલી હવામાન વિભાગનાં સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજયનાં અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 42 ડિ.સે., ગાંધીનગરમાં 40 ડિ.સે., ડીસામાં 40 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 39 ડિ.સે., વડોદરામાં 40 ડિ.સે., સુરતમાં 34 ડિ.સે., ભૂજમાં 39 ડિ.સે., નલિયામાં 35 ડિ.સે., કંડલા પોર્ટ પર 37 ડિ.સે., કંડલા એરપોર્ટ 40 ડિ.સે., અમરેલીમાં 41 ડિ.સે., ભાવનગરમાં 36 ડિ.સે., રાજકોટમાં 42 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 42 ડિ.સે. મહત્તમ તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ચોમાસું સામાન્ય રહેશે. પરંતુ મે મહિનાના અંત સુધી લોકોએ કાળઝાળ ગરમી વેઠવી પડી શકે છે, પરંતુ આ સાથે જ તાપમાનમાં ઘટાડો-વધારો થઈ શકે છે. આગામી ત્રણ દિવસ રાજ્યમાં ગરમીનો પારો વધી શકે છે પરંતુ તે 45 ડિગી સુધી જ યથાવત રહેશે. દેશમાં આ વર્ષે ચોમાસુ જલ્દી આવવાની શક્યતા છે. કેરળમાં 26 મેથી ચોમાસુંનું આગમન થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં 10થી 15 જૂન વચ્ચે તેમજ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 15થી 20 જૂન સુધી ચોમાસાનું આગમાન થઈ શકે છે.

ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવેટ થઈ ગયું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. કચ્છમાં જૂનનાં અંત સુધીમાં ચોમાસાનું આગામન થઈ શકે છે. તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદ સામાન્ય રહી શકે છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે પૂર્વ ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે.

Most Popular

To Top