એક યુવાન, નવીન નવો નવો ડોક્ટર બન્યો. યુવાન લોહી, નવા વિચારો, સમાજની સેવા અને દુનિયા બદલી નાખવાની મહેચ્છા. નવીન બાળપણથી હોંશિયાર તો હતો જ બધાં કહેતાં નવીન મોટો થઈને દાદા અને પપ્પાની જેમ ડોક્ટર બનશે અને મહેનત કરીને નવીન ભણ્યો અને ડોક્ટર બન્યો. નવીન ઇન્ટર્નશીપ માટે એક હોસ્પીટલમાં જોડાયો. પોતાની હોશિયારી અને મહેનતથી તેણે બધાને પ્રભાવિત કર્યા. હોસ્પીટલમાં બધા સીનીયર ડોક્ટર તેનાં વખાણ કરવા લાગ્યા. નવીન જલ્દી કામકાજ શીખી ગયો અને હોસ્પીટલનાં કામોમાં જે ભૂલો અને ખામી હતી તે પણ તેના ધ્યાનમાં આવી ગઈ. સાંજે ઘરે આવી નવીને દાદાને કહ્યું, ‘દાદા, મારી હોસ્પીટલમાં કામ કરવાની રીતમાં અમુક ભૂલો અને ખામી છે એમ કરવાથી વધુ સમય બગડે છે અને પેશન્ટને સારવાર મોડી મળે છે. મારું ચાલે તો હું રાતોરાત આ બધી જ ભૂલો સુધારીને કામકાજની રીત બદલી નાખું.
હું કાલે ચોક્કસ અમારા ડિનને ફરિયાદ કરવાનો છું.’ દાદા હસ્યા અને બોલ્યા, ‘બધાનું કામકાજ અને રીત બદલવાને બદલે તું તારા કામ પર અને તેને કરવાની રીત પર ધ્યાન આપ તો સારું.એમ કંઈ બદલાવ નહિ આવે.’ નવીન જુસ્સાથી બોલ્યો, ‘શું કામ વાત સાચી હોય તો બદલાવ ન આવે? હું હમણાં જ નવી રીતની પ્રોજેક્ટ રીપોર્ટ બનાવી દઉં છું અને હોસ્પીટલના ડીન સરને બરાબર સમજાવીશ. મને વિશ્વાસ છે કે તેઓ ચોક્કસ મારી વાત માનશે, પ્રભાવિત થશે અને બદલાવ લાવશે. જો જો દાદા, હું હોસ્પીટલની કાયાપલટ કરી નાખીશ’. દાદા મૂંછમાં હસતા રહ્યા અને નવીન બોલતો રહ્યો. બે દિવસ પસાર થયા,નવીન બહુ ગુમસુમ હતો. કંઈ વાત કરતો ન હતો.
દાદાએ કહ્યું, ‘કેમ દીકરા, હોસ્પીટલની કામ કરવાની રીત બદલી નાખવાના કામમાં બહુ બીઝી છે, કંઈ વાત પણ કરતો નથી.’ નવીન ગુસ્સાથી બોલ્યો, ‘દાદાજી, અહીં હોંશિયારીની અને સાચી વાતની કોઈ કિંમત નથી. મેં કેટલો પરફેક્ટ પ્રોજેક્ટ બનાવ્યો જેનાથી મહેનત અને પૈસાની બરાબર બચત થાય અને પેશન્ટને સારવાર પણ જલ્દી મળે પણ કોઈ મારી વાત પૂરી સાંભળવા પણ તૈયાર નથી. મને કહેવામાં આવે છે તું તારા કામમાં ધ્યાન આપ.’ દાદા બોલ્યા, ‘બેટા, મેં તો તને એ જ કહ્યું હતું કારણ મને ખબર જ હતી, આમ જ થશે. કારણ કોઈના કહેવાથી કંઈ બદલાતું નથી.’
નવીન બોલ્યો, ‘પણ દાદા …’દાદાએ તેને બોલતો અટકાવીને કહ્યું, ‘દીકરા, નાસીપાસ ન થા, હું પણ તારી જેમ યુવાન અને જોશમાં હતો ત્યારે મારી હોંશિયારીથી દુનિયાને બદલી નાખવા માંગતો હતો પણ પછી ઉંમર વધતાં ને અનુભવ મળતાં મને સમજાયું કે હોંશિયારીથી દુનિયા બદલવાની કોઈ જરૂર નથી. શાણપણ અને વિવેકબુદ્ધિથી આપણે આપણાં કામ પર ધ્યાન આપી મહેનત કરી પોતાને બદલવાની જરૂર છે દીકરા, જયારે બધા બીજાને બદલવાને બદલે પોતાને બદલવા પર ધ્યાન આપશે ત્યારે દુનિયા આપોઆપ બદલાઈ જશે સમજ્યો.’દાદાજીએ હકીકત સમજાવી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.